આ કેસમાં કસ્ટમ્સે બૅન્ગલોરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મુંબઈ કસ્ટમ્સે સહાર કાર્ગોમાંથી પ્રતિબંધિત ડ્રગ ટ્રૅમાડોલનો ૧૦.૫ લાખ ટૅબ્લેટનો મોટો જથ્થો ઝડપી લીધો છે. કૅલ્શિયમની ગોળી દર્શાવીને એની નિકાસ થઈ રહી હતી. આ કેસમાં કસ્ટમ્સે બૅન્ગલોરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.
યુદ્ધ વખતે સૈનિકો જો ઘાયલ થાય તો તેમને દર્દનો અહેસાસ ન થાય એ માટે ટ્રૅમાડોલ ટૅબ્લેટ અપાય છે, એથી ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયામાં એને ફાઇટર ટૅબ્લેટ કહેવામાં આવે છે અને એ જ નામે એ ફેમસ છે. જોકે એ સિવાય એનો નશો કરવા માટે પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી દુનિયાના મોટા ભાગના દેશોએ એ ટૅબ્લેટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ૨૦૧૮માં ભારતમાં પણ એના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેથી ઇન્ટરનૅશનલ માર્કેટમાં એની અછત સર્જાતાં એના ભાવ ઊંચકાઈ ગયા છે અને ખરીદદારો એની ઊંચી કિંમત આપવા તૈયાર થઈ જાય છે.
કસ્ટમ્સને ખબરીએ આપેલી ટિપના આધારે સહાર કાર્ગોમાં કસ્ટમ્સ અધિકારીઓએ ૨૮ ફેબ્રુઆરીએ રેઇડ પાડીને જથ્થા પકડી પાડ્યો હતો. ટ્રૅમાડોલની એ ટૅબ્લેટ મેસર્સ ફર્સ્ટ વેલ્થ સોલ્યુશન દ્વારા સાઉથ આફ્રિકાના સુદાન મોકલવાની હતી.