છેલ્લા અઢી મહિનામાં આટલા લોકોએ ફરિયાદ નોંધાવતાં છેતરપિંડીનો આંકડો પહોંચ્યો ૯૦ કરોડ રૂપિયા પર. ચીટિંગનો ભોગ બનેલા લોકોને હજી ફરિયાદ નોંધાવવા આગળ આવવા પોલીસનું આહવાન
વીજીએન જ્વેલર્સના વિરિથ ગોપાલન નાયર
થાણે અને એની આસપાસના વિસ્તારમાં બહુ જ સારી શાખ ધરાવતી વીજીએન જ્વેલર્સ સામે પૉન્ઝી સ્કીમ દ્વારા છેતરપિંડી કરીને લોકોનાં નાણાં ડુબાડવાની ફરિયાદ થતાં થાણેની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે તેમની સામે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. શરૂઆતમાં બહુ ઓછા રોકાણકારો આગળ આવ્યા હતા, પણ ત્યાર બાદ ફરિયાદીઓ દ્વારા આ વિશે માહિતી ફેલાવવામાં આવતાં આખરે લોકો જાગ્યા હતા અને હવે અઢી મહિનાના અંતે ૩૦૦૦ કરતાં વધુ લોકોએ તેમની સામે ફરિયાદ નોંધાવી છે અને છેતરપિંડીની રકમનો આંકડો પણ હવે ૯૦ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. થાણેની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે હજી પણ લોકોને આહવાન કરતાં કહ્યું છે કે જે રોકાણકારોનાં નાણાં વીજીએનની સ્કીમમાં અટક્યાં હોય તેઓ અમારો સંપર્ક કરે અને તેમની ફરિયાદ નોંધાવે, અમે તપાસ કરીશું.
બૅન્કો દ્વારા ડિપોઝિટ પર આપવામાં આવતા વ્યાજના દર એકદમ જ ઘટાડી દેવાયા હોવાથી જો કોઈ વધુ વ્યાજની ઑફર કરે તો મધ્યમ વર્ગ એમાં ભોળવાઈ જતો હોય છે અને તેમની જિંદગીભરની કમાણી થોડું વધુ વ્યાજ મેળવવાના ચક્કરમાં ઇન્વેસ્ટ કરી દે છે. ત્યાર બાદ આવી કંપની કાચી પડે ત્યારે માથે હાથ દઈને રડવાનો વારો આવે છે. થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, અંબરનાથમાં ઘણાબધા શોરૂમ ધરાવતા વીજીએન જ્વેલર્સ દ્વારા ઊંચું વળતર આપતી સ્કીમો ચલાવાઈ હતી અને એ પૉન્ઝી સ્કીમમાં હજારો રોકાણકારોએ તેમનાં નાણાં રોક્યાં હતાં. વીજીએન દ્વારા જ્યારે ઊંચું વળતર આપવાનું બંધ કરાયું અને વાયદા પર વાયદા થવા માંડ્યા ત્યારે વ્યાજ તો છોડો, મુદ્દલ પણ ગુમાવી બેસેલા રોકાણકારો અકળાયા હતા. આખરે ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનાથી લોકોએ વીજીએન સામે પોલીસ ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું. અનેક રોકાણકારોને એવો ડર હતો કે જો પોલીસ કાર્યવાહી થશે તો આપણાં જે નાણાં છે એ મળવાની મુદત લંબાઈ જશે અને કંપની આપણને નજરમાં રાખશે. એથી પોલીસમાં ફરિયાદ કરતાં લોકો ડરતા હતા. જોકે હવે ધીમે-ધીમે લોકો આગળ આવી રહ્યા છે અને ફરિયાદ નોંધાવી રહ્યા છે.
પહેલા પંદર દિવસમાં માંડ ચાર-પાંચ જણ ફરિયાદ કરવા આગળ આવ્યા હતા, પણ એ પછી વધુ ને વધુ રોકાણકારોએ તેમની ફરિયાદ નોંધાવી હતી. થાણે ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ એસ. એન. પાટીલને ‘મિડ-ડે’ દ્વારા પૂછવામાં આવ્યું કે વીજીએન જ્વેલર્સ સામે ૩૦૦૦ કરતાં વધુ ફરિયાદ થઈ છે એ સાચું? ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું હતું કે ‘હા, એ વાત સાચી છે. અત્યાર સુધીમાં અમને ૩૦૦૦ કરતાં વધુ ફરિયાદો મળી છે અને છેતરપિંડીનો આંકડો પણ ૯૦ કરોડ પર પહોંચ્યો છે. અમે આ કેસમાં વીજીએન જ્વેલર્સના વિરિથ ગોપાલન નાયર, તેમનાં પત્ની વત્સલા નાયર અને તેમના દીકરાની ધરપકડ કરી છે. હાલ તેઓ જેલમાં જ છે. રોકાણકારોને તેમનાં નાણાં પાછાં મળી શકે એ માટે અમે તેમની પ્રૉપર્ટી જપ્ત કરવાની પ્રોસેસ ચાલુ કરી છે. જો કોઈ રોકાણકારનાં નાણાં તેમની પાસે અટવાયાં હોય તો અમારી પાસે ફરિયાદ નોંધાવી શકે છે.’


