સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને કારણે હવે જ્યારે ઓબીસીના મુદ્દે રાજ્યના લોકલ બૉડીનું ઇલેક્શન વધુ લંબાવી શકાય એમ નથી ત્યારે હવે સ્ટેટ ઇલેક્શન કમિશને એ સંદર્ભે ઝડપી કાર્યવાહી કરી છે

સુપ્રિમ કોર્ટ
મુંબઈ : સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને કારણે હવે જ્યારે ઓબીસીના મુદ્દે રાજ્યના લોકલ બૉડીનું ઇલેક્શન વધુ લંબાવી શકાય એમ નથી ત્યારે હવે સ્ટેટ ઇલેક્શન કમિશને એ સંદર્ભે ઝડપી કાર્યવાહી કરી છે અને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી ૧૪ મહાનગરપાલિકાની પ્રભાગ રચનાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. એટલું જ નહીં, એ અંતિમ પ્રભાગ રચના ૧૭ મે સુધીમાં સત્તાવાર રીતે જાહેર કરવાની છે.
રાજ્યની મુંબઈ, થાણે, પુણે, નાગપુર, અમરાવતી, નવી મુંબઈ, વસઈ-વિરાર, ઉલ્હાસનગર, કોલ્હાપુર, અકોલા, સોલાપુર, નાશિક, પિંપરી-ચિંચવડ, કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાઓને સ્ટેટ ઇલેક્શન કમિટીએ એ સંદર્ભેના પત્ર પણ મોકલી આપ્યા છે.
મહાનગરપાલિકાની ચૂંટણીઓ બે તબક્કામાં થવાની શક્યતા છે. જે મહાનગરપાલિકાઓની મુદત પૂરી થઈ જવાને ૬ મહિનાનો કે એક વર્ષ સમયનો સમય વીતી ગયો છે એમની ચૂંટણી પહેલા તબક્કામાં થશે અને જે મહાનગરપાલિકાઓની મુદત હાલમાં જ પૂરી થઈ છે એમની ચૂંટણી બીજા તબક્કામાં થવાની શક્યતા છે. જો એ બધી જ ચૂંટણીઓ સાથે લેવાય તો ઇલેક્શન કમિશન પર એકસાથે કામનો બોજો આવી પડે એમ છે એટલે એને તબક્કાવાર લેવાય એવી ગોઠવણ થવાની સંભાવના છે.