ડાઉન પેમેન્ટ કરવા માટે રાખેલાં ઘરેણાં ચોરાઈ ગયા પછી સતત છ મહિના તપાસ કરીને આરોપીઓને રાજસ્થાનથી પકડ્યા અને ૮૦ ટકા ઘરેણાં પણ પાછાં મેળવ્યાં

ભાંઈંદર-ઈસ્ટના વિમલ ડેરી રોડ પરના આનંદનગરમાં રહેતાં ઈશા દવેના ઘરમાં ચોરો ત્રાટક્યા હતા.
મુંબઈ : ભાઈંદર-ઈસ્ટના વિમલ ડેરી રોડ પરના આનંદનગરમાં રહેતાં ૩૭ વર્ષનાં ઈશા દવે ડિસેમ્બર મહિનામાં તેમનાં સાસુ-સસરાને સાથે લઈને નવું ઘર જોવા ગયાં હતાં. દોઢેક કલાકમાં જ તેઓ પાછાં ફર્યાં ત્યારે ઘરમાં ચોરી થઈ ગઈ હતી. એટલું જ નહીં, નવું ઘર લેવા ડાઉન પેમેન્ટ કરવાના આશયથી સોનાનાં ૫.૦૫ લાખ રૂપિયાનાં ઘરેણાં પણ ઘરમાં લાવી રાખ્યાં હતાં એ ચોરાઈ જતાં પરિવાર ભીડમાં આવી ગયો હતો. જોકે નવઘર પોલીસે છ મહિના સુધી કેસની સતત તપાસ ચલાવી આખરે આરોપીઓને રાજસ્થાન જઈને પકડી લાવી હતી. એટલું જ નહીં, તેમણે ચોરેલાં ઘરેણાંમાંથી ચાર લાખ રૂપિયાનાં ઘરેણાં પણ પાછાં મેળવ્યાં હતાં. દવે પરિવારે અને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ નવઘર પોલીસની આ કાર્યવાહી બિરદાવી હતી.
નવઘર પોલીસ સ્ટેશનના પીએસઆઇ અભિજિત લાંડેએ આ કેસ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસની ફરિયાદી ઈશા દવે તેના પરિવાર સાથે આનંદનગરમાં રહે છે. તે તેનાં સાસુ-સસરા સાથે ૬ ડિસેમ્બરે બપોરના ૧૨.૩૦ વાગ્યે નજીકના જ ઇન્દ્રલોકમાં નવું ઘર લેવાનું હોવાથી ત્યાં એ જગ્યા બતાવવા ગઈ હતી. જગ્યા જોઈને તે નજીકના કામ માટે બહાર ગઈ અને સાસુ-સસરા ઘરે ગયાં. તેઓ બે વાગ્યે ઘરે પહોંચતાં જ તેમને ધાસકો પડ્યો હતો. ઘરનાં કડી-તાળું તૂટેલાં હતાં. તેમણે ગભરાતાં-ગભરાતાં બેડરૂમમાં જઈને જોયું તો બેડરૂમનો લાકડાનો કબાટ ખુલ્લો પડ્યો હતો અને બધું વેરણછેરણ પડ્યું હતું. તેમણે તરત જ ફોન કરી ઈશાને ઘરે બોલાવી હતી. ઘરમાં આવીને જોતાં તેને જાણ થઈ હતી કે નવું ઘર લેવા માટેની વ્યવસ્થા કરવા તેમણે તેમનાં ઘરેણાં ઘરમાં લાવી રાખ્યાં હતાં એ ચોરાઈ ગયાં હતાં. એમાં ત્રણ લાખનો નેકલેસ, ૧.૨૦ લાખની બંગડી, ૬૦,૦૦૦નું મંગળસૂત્ર, ૧૫,૦૦૦ની સોનાની ચેઇન અને ૧૦,૦૦૦નાં ચાંદીનાં ઘરેણાંનો સમાવેશ થતો હતો. તેમણે આની નવઘર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.’
પીએસઆઇ અભિજિત લાંડેએ વધુમાં માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમે એફઆઇઆર નોંધ્યો હતો અને તપાસ ચાલુ કરી હતી. આજુબાજુનાં મકાનોના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસ્યાં હતાં અને ત્યાર બાદ ટેક્નિકલ ડેટા મેળવવાનું શરૂ કર્યું હતું. બહુ જ ઝીણવટભરી તપાસ બાદ આખરે રાજસ્થાનના ૩૩ વર્ષના ભરતકુમાર કુમાવત અને ૨૪ વર્ષના ચેલારામ દેવાસીએ આ ચોરી કરી હોવાનું શોધી કાઢ્યું હતું. અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં તેમની સામે બાવીસ જેટલા ગુના નોંધાયા છે. એ પછી તેમની શોધ પર વધુ કૉન્સન્ટ્રેટ કર્યું હતું. તેઓ હૈદરાબાદમાં હોવાનું જણાતાં પહેલાં એક ટીમ ત્યાં ગઈ હતી. જોકે તે લોકો ત્યાંથી પોલીસ પહોંચે એ પહેલાં જ સરકી ગયા હતા. ત્યાર બાદ કર્ણાટકમાં પણ અમારી પોલીસ ટીમ ગઈ હતી, પણ તેઓ હાથ નહોતા લાગી રહ્યા. આખરે તેઓ રાજસ્થાનના પાલી જિલ્લામાં છુપાયા હોવાની જાણ થતાં તેમને ત્યાં જઈ ગુરુવાર, ૧૧ મેએ પકડી લવાયા હતા. જોકે તેમને પકડ્યા બાદ ચોરાયેલી મતા (ઘરેણાં) પાછી મેળવવી પણ એટલી જ જરૂરી હતી. એથી તેમને લઈ તેમણે એ ઘરેણાં જેમને-જેમને આપ્યાં હતાં, જ્યાં-જ્યાં સગેવગે કર્યાં હતાં ત્યાંથી પાછા મેળવાયાં છે. અત્યાર સુધી ચાર લાખ રૂપિયાનાં ઘરેણાં પાછાં મેળવાયાં છે. અમે હજી તેમના એક સાગરીતની શોધ કરી રહ્યા છીએ, જેની પાસેથી બાકીનાં ઘરેણાં મળવાની આશા છે. પકડાયેલા બન્ને આરોપીઓ ભરતકુમાર અને ચેલારામ રીઢા ચોર છે. તેઓ દિવસના જ સમયે ત્રાટકે છે. તેઓ કોઈ પણ બિલ્ડિંગમાં ઘૂસી જાય અને જે ઘર લૉક હોય એનું તાળું અને કડી તોડી ગણતરીની મિનિટોમાં રફુચક્કર થઈ જાય છે. અમે તેમના એક સાગરીતની શોધ ચલાવી રહ્યા છીએ.’