કાંદિવલીની કપોળવિદ્યાનિધિ સ્કૂલમાં પ્રાર્થના વખતે અઝાન વગાડવામાં આવતાં વાલીઓમાં તીવ્ર નારાજગીઃ મોટી સંખ્યામાં વિરોધ કરવા વાલીઓ સ્કૂલ પહોંચ્યાઃ રાજકારણીઓએ પણ ઝુકાવ્યું ઃ કલાકોના વિરોધ બાદ સ્કૂલે સ્વીકાર્યું કે અમારી ભૂલ થઈ, ફરી આવું નહીં થાય
કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ સ્કૂલની બહાર ભેગા થયેલા પેરન્ટ્સ.
મુંબઈ : છેલ્લા થોડા સમયથી કોઈ ને કોઈ કારણસર વિવાદમાં રહેતી કાંદિવલી (વેસ્ટ)ના મહાવીરનગરમાં આવેલી કપોળ વિદ્યાનિધિ સ્કૂલમાં ગઈ કાલે કોઈના માન્યામાં ન આવે એવી વાતને લઈને નવો વિવાદ થયો હતો.
ગઈ કાલે સવારે એક શિક્ષિકાએ ઍસેમ્બ્લી (એટલે કે પ્રાર્થના) વખતે બાળકોને પ્રાર્થનાના ભાગરૂપે અઝાન સંભળાવી હતી. નોંધનીય વાત એ છે કે આ સ્કૂલમાં મોટી સંખ્યામાં ગુજરાતી વિદ્યાર્થીઓ ભણે છે અને આ સ્કૂલનું સંચાલન પણ કપોળ સમાજના મોભીઓ કરે છે.
આઇસીએસઈ બોર્ડની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલની પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે અઝાન વગાડવામાં આવી હતી. બાળકોને તો આ બાબતનો બહુ ખ્યાલ આવ્યો નહોતો, પણ સ્કૂલની સામે જ બાળકોને સ્કૂલમાં મૂક્યા બાદ વૉક કરી રહેલા પેરન્ટ્સને આ બાબતથી આંચકો લાગ્યો હતો કે જ્યાં રોજ સંસ્કૃતના શ્લોક અને પ્રાર્થના થાય છે ત્યાંથી અઝાન કેમ સંભળાય છે? એક અંકલે તરત જ જઈને સ્કૂલમાં તપાસ કરી તો કહેવામાં આવ્યું કે ડેમોક્રસી છે, વાગશે. સ્કૂલનો આ જવાબ સાંભળ્યા બાદ તે અંકલને આંચકો લાગ્યો હતો. તેમણે અન્ય પેરન્ટ્સને આ વિશે જણાવ્યું હતું. અઝાનનો કોઈએ ઉતારી લીધેલો વિડિયો પણ પેરન્ટ્સ ગ્રુપમાં વાઇરલ થયો હતો અને વાલીઓમાં બહુ જ નારાજગી ફેલાઈ ગઈ હતી. નારાજ વાલીઓ સ્કૂલના આ વલણથી ચોંકી ઊઠ્યા હતા અને ત્યાર બાદ સ્કૂલ પર જઈને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. વાલીઓને ત્યાર બાદ સ્થાનિક રાજકારણીઓનો પણ સાથ મળ્યો હતો અને તેમના દ્વારા પણ સ્કૂલના પ્રિન્સિપાલ અને મૅનેજમેન્ટ સામે આ બાબતે જોરદાર રજૂઆત કરવામાં આવી હતી. વીફરેલા વાલીઓએ પણ જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા પહેલાં તેમનો બહુ જ બચાવ થયો હતો. પોલીસ પણ બોલાવવામાં આવી હતી અને વાતાવરણ ગરમ થઈ ગયું હતું. જોકે આખરે તેમણે તેમની ભૂલ કબૂલી હતી અને એ ભૂલ ફરી નહીં થાય એમ જણાવ્યું હતું. અઝાન વગાડનાર સ્કૂલનાં વિધર્મી શિિક્ષકાને સસ્પેન્ડ કરવામાં આવશે અને તેમની સામે ઇન્ક્વાયરી કરાશે એવું આશ્વાસન આપ્યા બાદ મામલો શાંત પડ્યો હતો. બીજેપીના વિધાનસભ્ય અને સ્થાનિક નેતા યોગેશ સાગરે માગણી કરી હતી કે શિિક્ષકાની તપાસ જે ઇન્ટરનલ કમિટી કરે એમાં પેરન્ટ્સને પણ સ્થાન આપવામાં આવે. એ માગણી પણ સ્કૂલના મૅનેજમેન્ટે માન્ય રાખી હતી એવી જાહેરાત તેમણે કરી હતી.
જેમ-જેમ સ્કૂલમાં વગાડાયેલી એ અઝાનનો વિડિયો પેરન્ટ્સ ગ્રુપમાં ફેલાતો ગયો એમ વાલીઓમાં રોષ વધતો ગયો હતો અને તેઓ મોટી સંખ્યામાં સ્કૂલ પર દોડી આવ્યા હતા. એક વાલીએ પોતાનો મુદ્દો જણાવતાં કહ્યું હતું કે ‘અંદાજે ૯૫ ટકા કરતાં વધુ હિન્દુ વિદ્યાર્થીઓ, કપોળ વિદ્યાનિધિ નામ અને સંસ્કૃત વિષય પણ ભણાવાતો હોવાથી તથા આપણા હિન્દુ સંસ્કારો મળે એ વિચારીને આમારાં બાળકોને આ સ્કૂલમાં દાખલ કર્યાં હતાં. નહીં તો કૉન્વેન્ટ સ્કૂલો પણ છે જ. જો આવું જ ચાલશે તો એ નહીં ચલાવી લેવાય. કાં તો સ્કૂલ આ બધું બંધ કરે અથવા અમે અમારાં બાળકોને સ્કૂલમાંથી ઉઠાડી લઈશું.’
અન્ય એક વાલીએ બહુ જ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે ‘એ અઝાન બે મિનિટ સુધી વાગી હતી અને જાણી જોઈને વગાડવામાં આવી હતી. એ ચોક્કસ ધર્મની શિિક્ષકાએ તેના મોબાઇલમાંથી વગાડી હતી. જ્યારે કોઈએ અંદર જઈને કહ્યું કે અઝાન કેમ વગાડી? તો કહ્યું કે ડેમોક્રસી છે, વાગશે. આ તે કેમ ચલાવી લેવાય? આજે અઝાન વગાડી છે, આવતી કાલે ચટાઈ પાથરશે અને એ પછી બુરખો પહેરવા પણ કહેવાશે.’
અન્ય એક વાલીએ કહ્યું હતું ‘જો આવું જ ચાલશે તો અમે કંઈ રોજ કામધંધો છોડીને અહીં વિરોધ કરવા ન આવી શકીએ. અમે અમારાં બાળકોને જ સ્કૂલમાંથી ઉઠાડી લઈશું.’
શું હતો માહોલ?
વાલીઓ દ્વારા થઈ રહેલા એ પ્રોટેસ્ટમાં ત્યાર બાદ સ્થાનિક વિધાનસભ્ય યોગેશ સાગર જોડાયા હતા અને તેમણે પણ વાલીઓને સપોર્ટ કર્યો હતો. તેમણે માગ કરતાં કહ્યું હતું કે ‘જાણી જોઈને શુક્રવારે જ અઝાન વગાડવામાં આવી છે. આ ભૂલથી નથી થયું, જાણી જોઈને કરવામાં આવ્યું છે. એ ટીચરનું નામ જાહેર કરો અને તેની સામે ઍક્શન લો.’
જોકે સ્કૂલનાં પ્રિન્સિપાલ રેશમા હેગડેએ પહેલાં તો પાંગળો બચાવ કરતાં કહ્યું હતું કે અમારી સ્કૂલમાં પહેલા ધોરણથી ચોથા ધોરણ સુધી પણ સંસ્કૃત શીખવાડાય જ છે. આમ કહીને તેમણે હિન્દુ મહારાજ જેવો વેશ ધારણ કરેલા એ સંસ્કૃત ટીચરને લોકો સામે ઊભા કરી દીધા હતા. તેમના દ્વારા લોકોને સમજાવવાનો અને મૅનેજમેન્ટનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ થયો હતો. યોગેશ સાગરે જ્યારે તેમને સ્પષ્ટ પૂછ્યું કે તમે શું અઝાન પર બોલવાના છો? ત્યારે તેમણે પહેલાં તો હા પાડી, પણ એ પછી જે રીતે સ્કૂલનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો એ જોઈને ફરી લોકો ભડક્યા હતા અને તેમનો હુરિયો બોલાવીને જે શિિક્ષકાએ અજાન લગાડી હતી તેને હાજર કરો એવી માગ કરી હતી. વાલીઓનું બહુ સ્પષ્ટ કહેવું હતું કે હિન્દુ બાળકોને ભણાવતી સ્કૂલમાં અઝાન વગાડવાની જરૂર શી છે? આવું શા માટે કર્યું એ જ સમજાતું નથી? આટલી સરસ સ્કૂલ છે તો તેઓ આવું શા માટે કરે છે?
પહેલાં શિવસેના શિંદે જૂથના પ્રશાંત શિંદે અને એ પછી એમએનએસના ચારકોપ વિધાનસભાના અધ્યક્ષ દિનેશ માળી પણ વાલીઓને સમર્થન આપવા સ્કૂલ પર પહોંચી ગયા હતા અને પ્રિન્સિપાલ રેશમા હેગડે અને સ્કૂલ મૅનેજમેન્ટને ફરિયાદ કરી હતી. ત્યારે પ્રિન્સિપાલ રેશમા હેગડેએ કબૂલ્યું હતું કે ‘અમારી આ એક વાર ભૂલ થઈ છે. અમે કબૂલ કરીએ છીએ. ફરી વાર આવી ભૂલ નહીં થાય.’
તેમણે પ્રોટેસ્ટરો સામે હાથ જોડીને પણ આવું ફરી નહીં થાય એવું આશ્વાસન આપ્યું હતું.
ADVERTISEMENT
પ્રિન્સિપાલે પ્રાર્થના કરી
એક બાજુ પ્રોટેસ્ટ ચાલી રહ્યો હતો અને વીફરેલા પેરન્ટ્સ નારાબાજી કરી રહ્યા હતા ત્યારે બપોરની શિફ્ટનાં બાળકો સ્કૂલમાં આવવા માંડ્યાં હતાં. તેમને બીજા ગેટથી અંદર લેવામાં આવ્યાં હતાં. સ્ટાફની ટીચરો દ્વારા કૉર્ડન કરી, હ્યુમન ચેઇન બનાવીને તેમને ઉપરના ફ્લોર પર મોકલવામાં આવતાં હતાં. એટલું જ નહીં, એ વખતે બપોરની પ્રાર્થના ચાલુ થઈ ત્યારે અમે તો પ્રાર્થના જ કરીએ છીએ એવું જતાવવા પ્રિન્સિપાલે બધાની વચ્ચેથી સહેજ બાજુમાં જઈને એ પ્રાર્થના પોતે માઇક પર ગાઈ હતી જે આખી સ્કૂલના દરેક ક્લાસમાં પ્રસારિત થઈ હતી.
પ્રિન્સિપાલનું શું કહેવું છે?
સ્કૂલના પ્રિન્સિપાલ રેશ્મા હેગડેએ કહ્યું હતું કે ‘અમારો ધ્યેય તો બીજા ધર્મમાં કઈ પ્રાર્થના કરાવવામાં આવે છે એ વિશે વિદ્યાર્થીઓને એજ્યુકેટ કરવાનો હતો, પણ વિદ્યાર્થીઓને એજ્યુકેટ કરવાની અમારી આ નાનકડી પહેલને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. કપોળ વિદ્યાનિધિ વૈષ્ણવ સ્કૂલ છે અને અમારે ત્યાં પહેલાં ધોરણથી ચોથા ધોરણ સુધી સંસ્કૃત કમ્પ્લસરી સબ્જેક્ટ છે જેમાં બાળકો સંસ્કૃતના શ્લોક શીખે છે. અત્યારે અમે તે ટીચરને સસ્પેન્ડ કરી દીધાં છે અને આ મેટરની તપાસ શરૂ કરી દીધી છે. આ અમારી હિન્દુ સ્કૂલ હોવાથી અમારે ત્યાં દરરોજ ગાયત્રી મંત્ર અને સરસ્વતી વંદના કરવામાં આવે છે.’
દિપ્તી સિંહ


