કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સમાં મધરાતે થયો વિચિત્ર અકસ્માત : ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું એને પગલે કાર ફુટપાથ પર ચડી ગઈ અને નાની દુકાનના છાપરા અને ફુટપાથની વચ્ચે ફસાઈ ગઈ
દુકાનના છાપરા અને ફુટપાથ વચ્ચે ફસાયેલી કાર.
કાંદિવલી-ઈસ્ટના ઠાકુર કૉમ્પ્લેક્સ વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક વિચિત્ર અને ભયાનક અકસ્માત થયો હતો. એક કાર-ડ્રાઇવરે વળાંક પર નિયંત્રણ ગુમાવતાં કાર સીધી ફુટપાથ પર ચડી ગઈ હતી અને ત્યાં આવેલી એક નાની દુકાનના છાપરા અને ફુટપાથની વચ્ચે ફસાઈ ગઈ હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં કાર લટકતી જોવા મળી રહી હતી. સદ્નસીબે અકસ્માત વખતે ફુટપાથ પર કોઈ રાહદારી હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના રાત્રે આશરે ૩ વાગ્યે બની હતી. કારમાં ઍરબૅગ્સ સમયસર ખૂલી જવાથી ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો અને કોઈને ગંભીર ઈજા થઈ નથી. અકસ્માતની જાણ થતાં જ કાર-ડ્રાઇવરના પિતા અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. જોકે આ મામલે પોલીસે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. રહેણાક વિસ્તારમાં મોડી રાત્રે થતા સ્પીડિંગ અને બેદરકાર ડ્રાઇવિંગને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા અને રોષ જોવા મળ્યો હતો.
