કચ્છ એક્સપ્રેસમાં પ્રવાસ કરતા ૭૦ વર્ષના કાકાને થયો આવો અનુભવ : સુરત સ્ટેશન ગયા બાદ ટ્રેનની વિન્ડો પર પથ્થર ફેંકવામાં આવ્યા : વિન્ડોનો કાચ તૂટીને કૅબિનમાં પડ્યો અને લોઅર બર્થ પર સૂતેલા કાકાના કાનની બાજુમાંથી પથ્થર પસાર થયો, પણ તેઓ બચી ગયા

કચ્છ એક્સપ્રેસમાં વિન્ડોનો કાચ તોડીને અંદર આવેલો પથ્થર
મુંબઈથી કચ્છ અને કચ્છથી મુંબઈ આવતા મોટા ભાગના પ્રવાસીઓ કચ્છ એક્સપ્રેસમાં પ્રવાસ કરતા હોય છે. જોકે અવારનવાર આ ટ્રેનમાં પ્રવાસીઓની અસુરક્ષિતતાના બનાવ બનતા હોય છે. એવો જ અનુભવ મુંબઈથી કચ્છ જતા પ્રવાસીઓએ કર્યો હતો. સુરત સ્ટેશન ગયા બાદ તેમની વિન્ડો પર પથ્થર ફેંકાયા હોવાથી વિન્ડોના કાચ સીધા કૅબિનમાં ઊડ્યા હતા. સદ્નસીબે લોઅર બર્થ પર સૂતેલા કાકાના કાનની બાજુમાંથી પથ્થર જતાં કાકા બચી ગયા હતા.
જોકે પ્રવાસીઓએ રેલવે પોલીસને બોલાવીને આ વિશે ફરિયાદ નોંધાવી હતી તેમ જ ટ્રેનની સુરક્ષા માટે રેલવે કોઈ ગંભીર પગલાં લે એવી માગણી પણ કરી હતી.
કચ્છ એક્સપ્રેસમાં મુંબઈથી કચ્છ પ્રવાસ કરતા ૭૦ વર્ષના કાકા એસ-૬ કોચની ૭૯ નંબરની લોઅર બર્થ પર પ્રવાસ કરી રહ્યા હતા. સુરત સ્ટેશન ગયા બાદ રવિવારે રાતે ૧૦ વાગ્યાની આસપાસ ૨૦ મિનિટ પછી અચાનક જ વિન્ડો પર પથ્થર ફેંકાયા હતા. એમાંથી એક મોટો પથ્થર વિન્ડોનો કાચ તોડીને ડબ્બાની અંદર આવ્યો હતો. આ બનાવ વિશે વધુ માહિતી આપતાં એસ-૬માં ૪૭ નંબરની સીટ પર પ્રવાસ કરતા કાંદિવલીના ચારકોપમાં રહેતા રમેશ પટેલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રાતના અચાનક જ જોરદાર અવાજ આવ્યો અને વિન્ડોના કાચ તૂટીને અંદર આવ્યા હતા. વિન્ડો પાસે નીચેની સીટ પર સૂતેલા કાકાના કાન પાસેથી પથ્થર પસાર થયો હોવાથી નસીબજોગે તેઓ બચી ગયા હતા. જો થોડો પણ પથ્થર સીટની બાજુએ આવ્યો હોત તો કાકાને અથવા અન્ય પ્રવાસીને ગંભીર રીતે લાગ્યો હોત. આ ઘટનાએ ફરી પ્રવાસીઓની સુરક્ષા સામે પ્રશ્ન ઊભો કર્યો છે. કાકાએ તો ફરિયાદ કરવાની ના જ પાડી દીધી હતી, પરંતુ આ ગંભીર બાબત હોવાથી અમે રેલવે પોલીસ અને ટીસીને બોલાવી લાવ્યા અને ફરિયાદ નોંધાવી હતી તેમ જ રેલવે પાસે પ્રવાસીઓની સુરક્ષા માટે ગંભીર પગલાં લેવાની માગણી કરી હતી.’