બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે ખાડા સંબંધિત મૃત્યુ અંગેની અરજી સંદર્ભે ઍફિડેવિટ દાખલ ન કરવા બદલ બીએમસીને પ્રશ્ન કર્યો હતો
બીએમસી બિલ્ડિંગ
મુંબઈ : બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે ખાડા સંબંધિત મૃત્યુ અંગેની અરજી સંદર્ભે ઍફિડેવિટ દાખલ ન કરવા બદલ બીએમસીને પ્રશ્ન કર્યો હતો કે સુધરાઈનો સ્ટાફ ચૂંટણી ફરજ અને મરાઠા ક્વોટાના સર્વેના કામમાં વ્યસ્ત છે એટલે શું મુંબઈના રસ્તાઓ બંધ કરી દેવા જોઈએ?
મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર ઉપાધ્યાય અને ન્યાયાધીશ આરિફ ડૉક્ટરની ડિવિઝન બેન્ચે શહેરમાં ખાડા સંબંધિત મૃત્યુની સંખ્યામાં વધારો થવા અંગેની બાબતમાં ઍફિડેવિટ દાખલ ન કરવા માટે બીએમસી દ્વારા આપવામાં આવેલા બહાનાને રદિયો આપ્યો હતો.
ADVERTISEMENT
ખંડપીઠ ઍડવોકેટ ઋજુ ઠક્કર દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં મુંબઈના તમામ મુખ્ય રોડના ખાડાઓના સમારકામનું નિર્દેશ આપનારા હાઈ કોર્ટના ૨૦૧૮ના આદેશોનો અમલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ નાગરિક સત્તાવાળાઓ સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની માગ કરવામાં આવી હતી. ડિસેમ્બરમાં છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને તમામ સુધરાઈને અરજીના જવાબમાં તેમનાં સોગંદનામાં દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મંગળવારે બીએમસી તરફથી હાજર રહેલા ઍડ્વોકેટે ઍફિડેવિટ દાખલ કરવા માટે વધુ સમય માગ્યો હતો. વકીલે ખંડપીઠને જણાવ્યું હતું કે લીગલ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સહિત મોટા ભાગનો સ્ટાફ ચૂંટણી ફરજ પર હતો અને મરાઠા આરક્ષણ માટે ડોર-ટુ-ડોર સર્વે કરી રહ્યો હતો. સીજે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘આ કેવું બહાનું છે? તો શું મુંબઈના રસ્તાઓ બંધ કરી દેવા જોઈએ? સ્ટાફ ચૂંટણીની ફરજ અને મરાઠા આરક્ષણ માટે સર્વે કરી રહ્યો છે. આ શું થઈ રહ્યું છે?’


