આરટીઆઇ ઍક્ટિવિસ્ટને થયો આવો ડરામણો અનુભવ : આમ છતાં સમતા નગર પોલીસે ફક્ત નૉન-કાૅગ્નિઝેબલ કમ્પ્લેઇન્ટ અત્યારે તો લીધી છે
સંતોષ સોનાવણે અને (જમણે) આરટીઆઇ ઍક્ટિવિસ્ટના ઘરે ગયો એનું સીસીટીવી કૅમેરા ફુટેજ.
કોંકણ ભવનમાં મુખ્ય પ્રધાન સચિવાલય (સીએમઓ) ખાતે કામ કરતા ક્લર્ક સંતોષ કેરુ સોનાવણેએ કથિત રીતે ૩૭ વર્ષના યોગેશ સોનાવણે નામના આરટીઆઇ ઍક્ટિવિસ્ટને મારી નાખવાની ધમકી આપી હતી. તે ઍક્ટિવિસ્ટ તેના વિભાગમાં આરટીઆઇ કરી અમુક માહિતી મેળવી રહ્યો હતો. આરટીઆઇ કૉપીમાં દર્શાવેલા સરનામાની મદદથી ઍક્ટિવિસ્ટને તેના પરિવારની સામે જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. ઍક્ટિવિસ્ટે સમતાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા સંબંધિત વિભાગના નાયબ કમિશનર મહેસૂલ અધિકારીને પત્ર લખ્યો હતો. જે વિભાગમાં ક્લર્ક કામ કરે છે એમાંથી સસ્પેન્શન, વિભાગીય તપાસ અને કડક કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. જોકે પોલીસે નાન-કૉગ્નીઝેબલ કમ્પ્લેઇન્ટ જ લીધી છે.
‘મિડ-ડે’ સાથે વાત કરતાં યોગેશ સોનાવણેએ કહ્યું હતું કે ‘ઘાટકોપરની ‘વિજયશ્રી સહકારી ગૃહનિર્માણ સંસ્થા લિમિટેડ’ સોસાયટી રિડેવલપમેન્ટ માટે ગઈ ત્યારથી મારા એક સંબંધી ત્યાં રહેતા હતા. મોટા ભાગના સભ્યો હવે અન્ય જગ્યાએ ભાડે રહે છે. ડેવલપરે માત્ર ચારથી પાંચ માળનું બાંધકામ કર્યું છે અને સોસાયટીના સભ્યો વચ્ચે વિવાદ થતાં કામ અટકી ગયું છે. સોસાયટીના સભ્યો અને ડેવલપર વચ્ચે ૨૦૦૯માં થયેલા કરારમાં ૪૯૫ ચોરસ ફુટનો ફ્લૅટ ઍરિયા મળવાનો હતો. જોકે સંતોષ સોનાવણેની દખલગીરી અને ડેવલપર સાથેની મિલીભગત બાદ તેમણે ઍગ્રીમેન્ટમાં ફેરફાર કર્યો હતો અને નવા ઍગ્રીમેન્ટ મુજબ ભાડૂઆતને માત્ર ૪૭૨ સ્ક્વેર ફીટ એરિયા આપવાનો હતો. એથી એવી શંકા છે કે સંતોષ સોનાવણેએ કોઈ છુપો કરાર કર્યો હતો અને નાયબ મુખ્ય પ્રધાન કાર્યાલયના સચિવ હોવાનો ઢોંગ કરીને ડેવલપર સાથે મિલીભગત કરીને પૈસા લીધા હતા. આ વિશે તપાસ થવી જરૂરી છે.’
ADVERTISEMENT
યોગેશ સોનાવણેએ આ માહિતી મેળવવા માટે ગયા વર્ષે ૨૦ નવેમ્બરે સંબંધિત વિભાગ પાસેથી આરટીઆઇ દ્વારા માહિતી માગી હતી. ૩ ડિસેમ્બરે સોનાવણે ઉપરોક્ત સોસાયટીના સભ્ય પોપટ શંકર ગાયકવાડ સાથે હનુમાનનગર સ્થિત સમતાનગરમાં આવેલા મારા ઘરે અચાનક આવ્યા હતા અને મને મારી આરટીઆઇની કૉપી બતાવી હતી. તેમણે મને પૂછ્યું કે મેં આરટીઆઇ કેમ દાખલ કરી? અને ધમકી આપી કે જો હું અરજી પાછી નહીં ખેંચું તો મને ગુંડાઓ મારશે. ઘરના અન્ય સભ્યો હાજર હતા અને બધા ડરી ગયા હતા. મારું માનવું છે કે બંધારણે મને આરટીઆઇ ૨૦૦૫ હેઠળ માહિતી મેળવવાનો અધિકાર આપ્યો છે. અધિકારી પાસેથી હું માહિતી માગું તો શું તે વ્યક્તિ ઘરે આવીને મને આવી ધમકી આપી શકે?’
સંતોષ સોનાવણેએ કહ્યું હતું કે આ આક્ષેપ ખોટો છે. મેં કોઈ ધમકી આપી નથી. તેમણે ખોટી આરટીઆઇ દાખલ કરી. અમે માત્ર આરટીઆઇના હેતુ વિશે પૂછપરછ કરી હતી. હવે આ ઇશ્યુ ક્લોઝ થઈ ચૂક્યો છે.