Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પિરિયડ્સ વખતે અમને આપો રજા

પિરિયડ્સ વખતે અમને આપો રજા

04 February, 2023 10:40 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પાસે આવી માગણી કરવામાં આવી: આ સમય દરમ્યાન વિદ્યાર્થિનીઓ અને મહિલાઓને થતી તકલીફોને ધ્યાનમાં રાખીને આવી માગણી કરતો પત્ર લખવામાં આવ્યો

પિરિયડ્સ વખતે અમને આપો રજા

પિરિયડ્સ વખતે અમને આપો રજા



મુંબઈ ઃ સરકારે પિરિયડ્સ દરમ્યાન મહિલાઓને થતા શારીરિક ત્રાસ અને અનેક પ્રકારની મુશ્કેલીઓનો માનવીય દૃષ્ટિકોણથી વિચાર કરીને વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓને રજા આપવામાં આવવી જોઈએ એવી માગણી પ્રહાર જનશક્તિનાં મીરા-ભાઈંદર જિલ્લાનાં મહિલા પ્રમુખ નીતા શિંદેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સમક્ષ કરી છે. આ માગણી પર મુખ્ય પ્રધાન અચૂક ‌વિચારણા કરશે એવી આશા તેમણે વ્યક્ત કરી છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આપેલા આવેદનપત્રમાં નીતા શિંદેએ ઉલ્લેખ કર્યો છે કે કોચી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘટનાએ પિરિયડ્સ દરમ્યાન વિદ્યાર્થિનીઓને છુટ્ટી આપવાનું અભિયાન ચલાવ્યું હતું. એ પછી ત્યાંની સરકારે આવો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં પણ માગણી કરવામાં આવી હતી કે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ અને કાર્યાલયોને પિરિયડ્સ દરમ્યાન મહિલાઓ માટે રજા જાહેર કરવાનો આદેશ આપવામાં આવે. જોકે આ અરજી પર નિર્ણય આવે એ પહેલાં જ કેરલા સરકારે કૉલેજની વિદ્યાર્થિનીઓ માટે માસિક વખતે રજાની જાહેરાત કરી દીધી છે. ૯૦ના દાયકામાં લાલુ પ્રસાદ યાદવની બિહાર સરકારે પણ આવી રજા આપવાની જાહેરાત કરી હતી. 
માસિક દરમ્યાન છુટ્ટી આપવાનો કેરલા સરકારનો નિર્ણય પ્રશંસનીય છે એમ કહેતાં પ્રહાર જનશક્તિ પક્ષ વતી નીતા ‌શિંદેએ અનુરોધ કરતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકારે પણ આ સમયગાળામાં મહિલાઓને પડી રહેલી શારીરિક તકલીફો અને ઘણી મુશ્કેલીઓને માનવતાના દૃષ્ટિકોણથી ધ્યાનમાં લેવી જોઈએ અને પોતાના રાજ્યમાં ગર્લ્સ સ્ટુડન્ટ્સ અને મહિલા કર્મચારીઓ માટે આવો નિર્ણય લેવો જોઈએ. આવા સમયે મહિલાઓ અને યુવતીઓને પેટમાં ભારે દુખાવો ઊપડે છે અને તેમનું વર્તન ચીડચીડિયું થઈ જાય છે. અમુકને તો પેટમાં એવો દુખાવો ઊપડે છે કે બેડ પરથી ઊભા પણ થઈ શકાતું નથી, પરંતુ પગાર કપાશે કે કામ રહી જશે કે અભ્યાસ રહી જશે એવા પ્રશ્નો થતાં તબિયત ખરાબ હોવા છતાં તેઓ કૉલેજ કે ઑફિસમાં જાય છે. પહેલાંની પરંપરા પર નજર કરીએ તો મહિલાઓને પાંચ દિવસ ઘરના એક ખૂણે બેસાડી દેવાતી હતી. એનું મૂળ કારણ એ જ હતું કે મહિલાઓ આ પાંચ દિવસ આરામ કરી શકે. હું પોતે પણ આ સમસ્યામાંથી પસાર થઈ છું. એ વખતે કેટલી તકલીફ સહન કરવી પડે છે એ આપણું મન જ જાણે. એટલે મહારાષ્ટ્ર સરકારે રાજ્યની મહિલાઓની વેદના સંદર્ભે વિસ્તારથી વિચારીને પગલાં લેવાં જરૂરી છે. રાજ્યની તમામ મહિલાઓને આદર અને સન્માન આપવામાં આવે.’


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2023 10:40 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK