ફક્ત ૨૦ દિવસમાં ૧૦ લાખ રૂપિયાના પ્રૉફિટની લાલચે પુણેની મહિલા પોલીસ સાથે ફિલ્મી સ્ટાઇલથી થઈ ૯.૭૫ લાખ રૂપિયાની છેતરપિંડી : પોલીસે જ તેને પોલીસ સ્ટેશનની અંદર ધમકાવીને ચીટિંગ કરી
તેણે (ફરિયાદી) બીજા પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલી ઘટનાની જાણ કરતાં આરસીએફ પોલીસે અધિકારી સહિત અન્ય ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી હતી.
મુંબઈ ઃ મહારાષ્ટ્રમાં છેતરપિંડીની ઘટનામાં દિવસે-દિવસે વધારો થતો જોવા મળ્યો છે. એની અનેક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાયા પછી પણ કેટલાક આરોપીઓ પોલીસની પકડની બહાર છે ત્યારે હવે ખુદ પોલીસ અધિકારીઓ જ છેતરપિંડી કરતા થયા છે. આરસીએફ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા એક અધિકારીએ પુણેની મહિલા સાથે ફિલ્મી સ્ટાઇલથી ૯.૭૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. મહિલા જ્યારે પોલીસ અધિકારીની પાછળ પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે તેને ધમકાવવામાં આવી હતી. અંતે તેણે બીજા પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલી ઘટનાની જાણ કરતાં આરસીએફ પોલીસે અધિકારી સહિત અન્ય ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી હતી.
પુણેના કાત્રજ વિસ્તારમાં દત્તનગરની એક સોસાયટીમાં રહેતી અને શૅરમાર્કેટનું ટ્રેડિંગ કરતી ૩૯ વર્ષની અનીતા દેવજ્ઞે કરેલી ફરિયાદ અનુસાર તે શૅરમાર્કેટમાં ટ્રેડિંગ કરે છે અને તેના પુણેમાં કેટલાક ક્લાયન્ટ્સ છે. આશરે ચાર મહિના પહેલાં પિંપરી-ચિંચવડમાં ટ્રેડિંગ સંદર્ભે એક સેમિનાર યોજાયો હતો. સેમિનાર દરમ્યાન તેનો પરિચય મુંબઈમાં રહેતા મૌસીન સાથે થયો હતો. ત્યાર બાદ અવારનવાર બન્ને ટ્રેડિંગ વિશે વાત કરતાં હતાં. વાતો દરમ્યાન મૌસીને કહ્યું હતું કે જો તે તેને વેપાર માટે પૈસા આપશે તો તે વધુ વળતર આપશે. ૧૫ જુલાઈએ મૌસીને ફરિયાદીને ફોન કર્યો અને કહ્યું કે જો તે ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કરશે તો તે એના ડબલ એટલે કે ૨૦ લાખ રૂપિયા બૅન્ક-ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને એ પૈસા આગામી ૧૫ દિવસમાં પરત કરવામાં આવશે. ૨૦ દિવસમાં ૧૦ લાખ રૂપિયાનો પ્રૉફિટ થતો હોવાથી ફરિયાદી તૈયાર થઈ હતી. ૧૦ ઑગસ્ટે સવારે તે પુણેથી મુંબઈ આવવા રવાના થઈ હતી. માનખુર્દ પાસે શિવાજી મહારાજના સ્ટૅચ્યુથી ફ્રીવે સમાપ્ત થતા રસ્તા પર સાગર વિહાર હોટેલની સામે મૌસીન એકલો ફરિયાદીની કારમાં બેઠો હતો. તેણે ડિમેલો રોડ, કાલાઘોડા પર જવા માટે કહ્યું હતું. ત્યાં પહોંચતાંની સાથે તેણે પૈસાની માગણી કરી હતી એટલે ફરિયાદીએ તેના પર વિશ્વાસ રાખી કારમાં રાખેલી ૯.૭૫ લાખ રૂપિયાની બૅગ આપી હતી. ત્યાર બાદ તે સિગારેટ પીવા માટે નીચે ઊતર્યો હતો. અંતે ૧૦ લાખમાં ઘટતા વધુ ૨૫,૦૦૦ રૂપિયા કાઢવા માટે ચેમ્બુરના એટીએમમાંથી પ્રયાસ કર્યો ત્યારે એમાંથી પૈસા નીકળ્યા નહોતા. ત્યાંથી થોડે આગળ ગયા બાદ મૌસીને એક જગ્યાએ કાર રોકવા કહ્યું હતું. થોડી વાર પછી એક અજાણ્યો શખ્સ એ જગ્યાએ આવ્યો હતો અને મૌસીનને પાર્સલ આપ્યું હતું. એ પાર્સલ ખોલવા જતો હતો ત્યાં પાછળ એક સાદા ડ્રેસમાં પોલીસ અધિકારી તેની સામે આવ્યો હતો, જેણે મૌસીનને પાર્સલ અંગે પૂછ્યું હતું. થોડી જ વારમાં એક પોલીસ કૉન્સ્ટેબલ પોલીસની મોટરસાઇકલ પર ત્યાં આવ્યો હતો જેણે મૌસીનને બાઇક પર બેસાડી આરસીએફ પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. મૌસીન સાથે ફરિયાદીના પૈસા લઈ ગયા હોવાથી તે પણ પોતાની કારમાં પોલીસ સ્ટેશન પહોંચી હતી.
ADVERTISEMENT
ફરિયાદી મહિલા ડરી ગઈ હોવાથી તે પોલીસ સ્ટેશનના બહારના ગેટ પાસે મૌસીનની રાહ જોતી હતી, પરંતુ તે દેખાયો નહોતો. થોડી જ વારમાં જે પોલીસ અધિકારીઓ મૌસીનને લઈ ગયા હતા તેઓ પોલીસ સ્ટેશનના ગેટ પાસે આવ્યા હતા. તેમને જોઈને તરત ફરિયાદી મૌસીનની માહિતી લેવા માટે ગઈ ત્યારે અધિકારીએ જણાવ્યું કે મૌસીન ગુનામાં વૉન્ટેડ આરોપી છે, તેઓ તેને ઘણા સમયથી શોધી રહ્યા હતા અને આજે અહીં આવ્યો હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ પોલીસ ઑફિસરે ફરિયાદીને અહીંથી નીકળી જાઓ, નહીં તો તારી પણ અટક કરવામાં આવશે એમ કહીને ધમકાવી હતી. ફરિયાદી પોલીસ સ્ટેશનના ગેટની બહાર ઊભા રહીને વિચારી રહી હતી એટલામાં એક રિક્ષા પોલીસ સ્ટેશનની બહાર આવી હતી જેમાં મૌસીન અને અન્ય એક યુવાન હતો. ફરિયાદી મહિલાએ હિંમત કરીને પોતાની કારથી રિક્ષાનો પીછો કર્યો હતો અને રિક્ષા રોકી હતી. ત્યારે મૌસીન તેને ત્યાંથી નીકળી જવાનું કહીને ત્યાંથી નીકળી ગયો હતો. અંતે પોતે છેતરપિંડીનો ભોગ બની હોવાનું સમજાતાં કાર નજીક બેસી રડી રહી હતી ત્યારે એક યુવાને તેમને નજીકના શિવડી પોલીસ સ્ટેશનમાં જવાનું કહ્યું હતું. ત્યાં પહોંચીને તેણે પોતાની સાથે થયેલી તમામ માહિતી આપતાં અંતે શિવડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેને આરસીએફ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યાં બધી હકીકત જણાવ્યા બાદ માલૂમ થયું હતું કે જે પોલીસ અધિકારીએ મૌસીનને પોલીસ સ્ટેશનમાં લાવવાની અને તેની ધરપકડ કરવાનું નાટક કરી હતી તેનું નામ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રવીન્દ્ર ગાયકવાડ છે અને તે આરસીએફ પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ છે. અંતે મહિલાએ પોતાની સાથે થયેલી ઘટનાની આરસીએફ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મુંબઈ પોલીસ ઝોન ૬ ડેપ્યુટી પોલીસ કમિશનર હેમસિંગ રાજપૂતનો ‘મિડ-ડે’એ માહિતી લેવામાં માટે સંપર્ક કર્યો હતો. તેમણે માહિતી તમને મોકલવામાં આવશે એમ કહીને માહિતી આપવાનું ટાળ્યું હતું.


