મુંબઈના ઑટો-ટૅક્સી ડ્રાઇવરોની અનોખી પહેલ
મુંબઈની આર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગઈ કાલે મુંબઈગરાઓને ૧૦૦ ટકા મતદાન કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
ભારત ચૂંટણી આયોગ દ્વારા લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે એ માટે અવનવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે મુંબઈના ટૅક્સી-રિક્ષા-ડ્રાઇવરોએ પણ ખૂબ કાબિલ-એ-તારીફ પગલું હાથ ધર્યું છે. મતદાનના દિવસે પોતાના તરફથી એક સેવા આપવા માટે મુંબઈના બાંદરાથી લઈને દહિસર સુધીના રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો દ્વારા દિવ્યાંગ, સિનિયર સિટિઝન અને પ્રેગ્નન્ટ મહિલા મતદારોને ઘરેથી મતદાન કેન્દ્ર અને કેન્દ્રથી ઘર સુધી પહોંચાડવા માટે નિ:શુલ્ક સુવિધા આપશે.
આ વિશે મુંબઈ ઍરર્પોટ ટૅક્સી-રિક્ષા યુનિયનના અધ્યક્ષ કનૈયા સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મતદાન આપણો અધિકાર છે અને એ આપવો આપણી મૂળભૂત ફરજ પણ છે. મતદાન વધુમાં વધુ પ્રમાણમાં થાય એ માટે આપણે સોસાયટીના ઉપયોગમાં આવીએ એવા વિચારથી અમે આ નર્ણિય લીધો છે. અમારા યુનિયનમાં સાડાત્રણસો રિક્ષાઓ અને ૧૨૦૦ ટૅક્સીઓ છે. મતદાનના દિવસે એટલે કે ૨૯ એપ્રિલે ઉત્તર-મધ્ય મુંબઈ, ઉત્તર-પશ્ચિમ મુંબઈ અને ઉત્તર મુંબઈ એટલે કે બાંદરાથી લઈને દહિસર સુધીમાં અમે રિક્ષા અને ટૅક્સીની નિ:શુલ્ક સેવા આપીશું. આ સેવા દિવ્યાંગ મતદારો, સિનિયર સિટિઝનો અને પ્રેગ્નન્ટ મહિલાઓ માટે રહેશે.’
ADVERTISEMENT
આ પણ વાંચો : સીએસએમટી સ્ટેશને લોકલ ટ્રેન બફર સાથે ભટકાઈ : જાનહાનિ નહીં
વધુમાં વધુ મતદારોને મદદ કરી શકીએ એવો પ્રયાસ કરવામાં આવશે એમ જણાવતાં કનૈયા સિંહે જણાવ્યું હતું કે ‘બાંદરાથી લઈને દહિસર સુધીના વિસ્તારોમાં અમારા યુનિયનના અનેક રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો મતદાન કેન્દ્રની આસપાસ ફરશે, વિવિધ પરિસરમાં સોસાયટીઓનો સંપર્ક કરશે. એમાંથી જે પણ દિવ્યાંગ, સિનિયર સિટિઝન, પ્રેગ્નન્ટ મહિલાઓ સહિત સામાન્ય મતદારને પણ રિક્ષા કે ટૅક્સી મળવામાં મુશ્કેલી થશે તો તેમને પણ અમે મદદ કરીશું. આ સેવા પૂરી નિ:શુલ્ક રહેશે. એક સેવારૂપે અને ફરજ બજાવવા અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારા વાહન પર અમે કોઈ નિ:શુલ્ક સેવાનાં પોસ્ટર લગાડતા નથી. એનું કારણ એ છે કે અમારી આ સેવાનો અમે કોઈ પૉલિટિકલ ઇશ્યુ બનાવા માગતા નથી.’


