લોકસભામાં રાજ્યકક્ષાના કેન્દ્રીય નાણાપ્રધાન પંકજ ચૌધરીએ કહ્યું...
પંકજ ચૌધરી
લોકસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં ગઈ કાલે કલ્યાણના શિવસેનાના સંસદસભ્ય ડૉ. શ્રીકાંત શિંદે અને આંધ્ર પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય ડી પુરંદેશ્વરીએ ભારતમાં ડિજિટલ અરેસ્ટ અને વધી રહેલા સાઇબર ક્રાઇમને રોકવા માટે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યાં છે એવો સવાલ કર્યો હતો. જવાબમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય નાણાપ્રધાન પંકજ ચૌધરીએ કહ્યું હતું કે ‘ડિજિટલ અરેસ્ટ સાઇબર ક્રાઇમનો એક પ્રકાર છે. આ ક્રાઇમને રોકવા માટે સરકાર પ્રયત્નશીલ છે. કેન્દ્ર રાજ્ય સરકારની મદદથી આના પર કામ કરી રહી છે. ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કૉર્ડિનેશન સેન્ટરે ટેલિકૉમ વિભાગ સાથે સમન્વય કરીને અત્યાર સુધી સાઇબર ફ્રૉડ કરવામાં જેનો ઉપયોગ કરતા હતા એવાં ૧૭,૦૦૦ વૉટ્સઍપ-અકાઉન્ટ બંધ કર્યાં છે. એટલું જ નહીં, વિવિધ પ્લૅટફૉર્મનાં શંકાસ્પદ અકાઉન્ટ્સ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. ડિજિટલ અરેસ્ટ બાબતે વિવિધ વિભાગ દ્વારા ટીવી, રેડિયો, સોશ્યલ મીડિયા અને કૉલર ટ્યુન દ્વારા જનજાગૃતિ કરવામાં આવી રહી છે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં ડિજિટલ અરેસ્ટ વિશે ‘થોભો, વિચાર કરો અને પછી નિર્ણય લો’ કહ્યું હતું.

