બીએમસીએ સંસદસભ્યો તથા વિધાનસભ્યો માટેની જોગવાઈમાં ૨૪૫ કરોડ રૂપિયાનો વધારો કર્યો
ફાઇલ તસવીર
બીએમસીએ નાગરિક સુવિધાઓ અને ૨૦૨૪-’૨૫ના બજેટમાં વિધાનસભ્યો તથા સાસંદોએ સૂચવેલાં કામો માટે ૧૦૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. બીએમસીએ વર્તમાન નાણાકીય વર્ષની સરખામણીમાં સાંસદો અને વિધાનસભ્યો માટેની જોગવાઈમાં ૨૪૫ કરોડ રૂપિયાનો વધારો કર્યો છે.
બીએમસીના ચીફ આઇ. એસ. ચહલે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ૨૦૨૪-’૨૫ માટે નાગરિક બજેટ રજૂ કર્યું હતું. બજેટ ફન્ડ કોડ ૧૧ મુજબ વિવિધ પાયાની નાગરિક સુવિધાઓ અને વિકાસકાર્ય પ્રદાન કરવાની જોગવાઈ હેઠળ બીએમસીએ ૭૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. મૂળભૂત નાગરિક સુવિધાઓ સિવાયના કામ માટે જોગવાઈ હેઠળ ૩૦૦ કરોડ રૂપિયાની બીજી જોગવાઈ કરવામાં આવી હતી. સુધરાઈના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે આ ભંડોળનો ઉપયોગ વિધાનસભ્યો અને સાંસદો દ્વારા તેમના મતવિસ્તાર માટે સૂચવેલા કામ માટે કરવામાં આવશે.
ADVERTISEMENT
બજેટ ડૉક્યુમેન્ટ અનુસાર વર્તમાન નાણાકીય વર્ષ (૨૦૨૩-’૨૪)ના અંદાજપત્રમાં બીએમસીએ વિવિધ પાયાની નાગરિક સુવિધાઓ અને વિકાસકાર્યો માટે ૨૫૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી, જેને પછીથી વધારીને ૭૧૫ કરોડ રૂપિયા કરવામાં આવી હતી. મૂળભૂત નાગરિક સુવિધાઓ સિવાયના કામ માટેની જોગવાઈ પણ સુધારેલા બજેટમાં રજૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત બીએમસીએ ૯૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ ભંડોળનો ઉપયોગ વિધાનસભ્યો અને સાંસદો માટે પાલક પ્રધાનોની મંજૂરી દ્વારા કરવામાં આવે છે. બીએમસીએ વર્તમાન ૨૦૨૩-’૨૪ના સુધારેલા બજેટમાં કુલ ૮૦૫ કરોડ ૨૦૨૩-’૨૪ની જોગવાઈ કરી છે.
ડૉક્યુમેન્ટ અનુસાર બીએમસીએ રાજ્યના શાસક પક્ષના વિધાનસભ્યો, સાંસદો અને ભૂતપૂર્વ કૉર્પોરેટરોને ૭૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ વિતરિત કર્યું છે. વિપક્ષના વિધાનસભ્યો અને સાંસદોને ફન્ડ મળ્યું નથી. ફેબ્રુઆરીમાં બીએમસીએ એક ઠરાવ પસાર કર્યો હતો કે તે આગામી નાગરિક ચૂંટણી પછી જ વિધાનસભ્યો અને સાંસદો દ્વારા સૂચવવામાં આવેલાં વિકાસકાર્યો માટે ભંડોળ પૂરું પાડશે.
દરમિયાન બીએમસીના ભૂતપૂર્વ વિપક્ષી નેતા રવિ રાજાએ કહ્યું હતું કે ‘બીએમસીએ જાહેર કરવું જોઈએ કે વિધાનસભ્યો અને સાંસદો દ્વારા સૂચવવામાં આવેલાં કામો માટે ભંડોળનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો હતો. આ કરદાતાના પૈસા છે અને લોકોને એ જાણવાની જરૂર છે કે ફન્ડનો ઉપયોગ ક્યાં થયો હતો. હાલની પરિસ્થિતિમાં અમને નથી લાગતું કે વિરોધ પક્ષના જનપ્રતિનિધિઓને આવતા વર્ષે પણ કોઈ ભંડોળ મળશે.’
શિવસેના (યુબીટી)ના વિધાનસભાના નેતા અજય ચૌધરીએ કહ્યું હતું કે ‘આ નાગરિકો સાથે અન્યાય છે. તેઓ કરદાતા છે. જો અમને આવતા વર્ષે પણ ભંડોળ નહીં મળે તો અમે કોર્ટનો સંપર્ક
કરીશું.’