Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વધુ એક જૈન સાધ્વીજી માટે હાઇવે બન્યો મોતનો માર્ગ

વધુ એક જૈન સાધ્વીજી માટે હાઇવે બન્યો મોતનો માર્ગ

24 November, 2022 08:00 AM IST | Mumbai
Alpa Nirmal

વિહાર શરૂ થયાને હજી પંદર દિવસ જ થયા છે ત્યાં ગઈ કાલે વહેલી સવારે મુંબઈ-અમદાવાદ હાઇવે પર વડોદરા નજીક કરજણ પાસે એક બોલેરો જીપે સાધ્વીજીને ટક્કર મારતાં તેઓ કાળધર્મ પામ્યાં

પર્વાદિરત્નાશ્રીજી સાધ્વીજીની દીક્ષા સમયની તસવીર

પર્વાદિરત્નાશ્રીજી સાધ્વીજીની દીક્ષા સમયની તસવીર


કરજણ જૈન સંઘે પાંચ વર્ષમાં આ વિસ્તારમાં આવી ચોથી ઘટના બની હોવાથી એની સામે શંકા વ્યક્ત કરીને એનું પુનરાવર્તન ન થાય એ માટે નક્કર પગલાં લેવાની કરી ડિમાન્ડ

પ્રખ્યાત જૈન ભક્તિગીતોના રચયિતા, ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રામસૂરીશ્વરજી મહારાજસાહેબ ડહેલાવાળા સમુદાયના આચાર્ય ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ, અન્ય ચાર સાધુભગવંત, સાધ્વી ગુણદક્ષાશ્રીજી આદિ ૧૦ ઠાણા, પાંચ વિહાર સેવક તેમ જ મુમુક્ષુઓ, સામાન ઊંચકવાવાળા ભાઈઓ મળીને કુલ ૨૫ વ્યક્તિએ ગઈ કાલે સવારે સાડાપાંચ વાગ્યે પાલેજથી કરજણ તરફ આવવા વિહાર શરૂ કર્યો હતો. પાંચેક કિલોમીટર ચાલ્યા બાદ સવારે પોણાસાત વાગ્યાના સુમારે હાઇવે પર દેઠાણ ગામ પાસે દિવ્ય વસંતધામ દેરાસરની નજીક ભરૂચ તરફથી આવતી બલેરો પિક-અપ વૅન પગદંડી પર ચાલતાં પર્વાદિરત્નાશ્રીજી મ.સા.ને પાછળથી ઠોકર મારીને નાસી છૂટી હતી. ગાડીની જોરદાર ટક્કર વાગતાં સાધ્વીજી તરત બેભાન થઈને પડી ગયાં હતાં. સાથે રહેલી પોલીસ વૅનમાં ઈજાગ્રસ્ત સાધ્વીજીને કરજણની અનુગ્રહ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર દરમિયાન જ તેમણે દેહ છોડ્યો  હતો.અકસ્માતના સમાચાર મળતાં વડોદરાથી કરજણની હૉસ્પિટલમાં પહોંચેલા પાર્થિવ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૫ વ્યક્તિના કાફલા સાથે એક પોલીસ વૅન પણ હતી અને એક વિહાર સેવાની ગાડી પણ હતી. પૂર્ણપણે અજવાળું થતાં આચાર્ય મહારાજે વિહાર સેવકોને પાછા જવાનું કહ્યું હતું અને તેઓ પાછા ફરી જ રહ્યા હતા. એ દરમ્યાન વીસેક ડગલાંના અંતરે જ લાઇનબંધ પગદંડી પર ચાલતા ૨૫ જણના કાફલામાં વચ્ચે ચાલતાં ૨૪ વર્ષનાં સાધ્વીજીને બલેરો ગાડીએ મહામાર્ગ પરથી ઊતરીને પાછળથી ટક્કર મારી હતી અને પાછી હાઇવે પર ચડી ગઈ હતી. આ દૃશ્ય જોઈને પાછળ ચાલતાં બીજાં સાધ્વીજીએ જોરથી બૂમો પાડી હતી. એ સાંભળી બધા ઊભા રહી ગયા હતા અને વિહાર સેવકોએ તેમની ગાડીમાં બલેરોનો પીછો કર્યો હતો. વિહાર કરતો કાફલો ઊભો રહી જતાં થોડે અંતરે ચાલતી પોલીસ વૅન આગળ આવી હતી.’


સાથે રહેલા મુમુક્ષુઓ અને પોલીસે ૧૦૮ નંબર વારંવાર ડાયલ કર્યો હતો, પરંતુ ફોન ન લાગતાં પોલીસ વૅનમાં જ સાધ્વીજીને હૉસ્પિટલમાં પહોંચાડાયાં હતાં. આ બાજુ કરજણના વિહાર સેવકોએ અકસ્માત કરનાર ગાડીને ટ્રેસ કરતાં એ હાઇવે પરની એક હોટેલના પાર્કિંગમાં મળી આવી હતી. એનો ડ્રાઇવર ફરાર હતો, પરંતુ ક્લીનર પકડાઈ ગયો હતો. આ બનાવની સાથે રહેલા કરજણ વિહાર ગ્રુપના યુવાનોએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ વિહારમાં મહારાજસાહેબ સાથે રહેલા મયૂર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે પોણાસાત વાગ્યે પૂર્ણપણે પ્રકાશ થઈ ગયો હતો. મોટા ભાગનાં વાહનોની હેડલાઇટો બંધ થઈ ગઈ હતી. એવા ટાઇમે બલેરોના ચાલકને આટલો મોટો કાફલો દેખાય નહીં એ કેવી રીતે બને? એક વખત વિચારીએ કે તેને કદાચ ઝોકું આવી ગયું હોય તો શું બે-ચાર સેકન્ડ માટે તેની ગાડી રોડની સાઇડમાં ઊતરે અને પાછી રોડ પર ચડી જાય? એ વાત અમને ડાયજેસ્ટ નથી થતી.’

ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે કરજણમાં સાધ્વીજી મ.સા.ની પાલખીયાત્રા નીકળી હતી. એમાં વડોદરા, પાલેજ, ડભોઈ, અંકલેશ્વર, ભરૂચ અને આજુબાજુના વિસ્તારોમાંથી ૭૦૦ જેટલા જૈનો જોડાયા હતા. સ્થાનિક વિધાનસભ્ય અક્ષય પટેલ પણ પાલખીમાં આવ્યા હતા. કરજણ જૈન સંઘે સંયુક્ત રીતે વિધાનસભ્યને અકસ્માત બાબતે ઘટતું કરવાની ટકોર કરી હતી. જૈન સંઘનું કહેવું હતું કે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન આ વિસ્તારમાં આ રીતે ચાર જૈન સાધુ-સાધ્વી અકસ્માતથી કાળધર્મ પામ્યાં છે. એને રોકવા નક્કર પગલાં લેવાની અપીલ અહીં હાજર સર્વે જૈનોએ કરી હતી.
મૂળ પાલનપુરમાં રહેતાં પર્વાદિરત્નાશ્રીજી મ.સા.ની દીક્ષા દોઢ વર્ષે પહેલાં મણિલક્ષ્મી તીર્થમાં થઈ હતી. ૨૪ વર્ષનાં આ સાધ્વીશ્રીનાં મોટાં બહેને પણ દીક્ષા લીધી છે. તેમની સાથે રહેતાં પૂનમ મહેતા (સંસારી નામ)ને પણ સંયમના ભાવ જાગ્યા હતા અને ચારિત્ર અંગીકાર કરીને સાધ્વી પર્વાદિરત્નાશ્રીજી બન્યાં હતાં. 

અકસ્માતની નોંધ કરીને અમે તપાસ શરૂ કરી છે


‘મિડ-ડે’એ આ બાબતે કરજણ પોલીસનો સંપર્ક કરીને વિગતો જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે કરજણ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એ. કે. ભરવાડે કહ્યું હતું કે ‘આ એક અકસ્માતનો કેસ છે. અમે એ મુજબની નોંધ કરીને એની તપાસ કરી રહ્યા છીએ. હાલ ટ્રકનો ડ્રાઇવર નાસી ગયો છે અને અમે તેની શોધ ચલાવી રહ્યા છીએ.’

સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એ. કે. ભરવાડને એમ પૂછવામાં આવ્યું કે જૈન સમાજને એવી શંકા છે કે આ અકસ્માત નથી અને અકસ્માતના ઓઠા હેઠળ હત્યા કરાઈ છે અને એ સંદર્ભએ એવી ફરિયાદ પણ કરાઈ છે તો શું એ દિશામાં તમે તપાસ કરવાના છો? ત્યારે એ. કે. ભરવાડે સ્પષ્ટ કહ્યું હતું કે ‘આ બાબતની અમને કોઈ ફરિયાદ મળી નથી કે એવા કોઈ આક્ષેપો પણ નથી થયા. હાલ અમે અકસ્માત નોંધીને એ મુજબ જ તપાસ ચલાવી રહ્યા છીએ.’   

Whatsapp-channel Whatsapp-channel

24 November, 2022 08:00 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK