બ્યુટિફિકેશનની પાછળ કરોડોનું આંધણ થાય છે અને ખુદ સીએમ કહી ચૂક્યા છે બૅનર્સ અને હોર્ડિંગ્સ ખસેડો છતાં કે હજી ત્યાંનો ત્યાં જ છે
રવિવારે પરેલના જી. ડી. આંબેડકર રોડ, ભોઈવાડાની ફુટપાથ પર લાગેલાં રાજકીય પોસ્ટરો (તસવીર : સતેજ શિંદે)
બીએમસીએ ગાંધી જયંતી પહેલાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. ગિરગામ ચોપાટી ખાતે પાલકપ્રધાન દીપક કેસરકરે આ અભિયાનમાં ભાગ લીધો હતો. માટુંગાના રહેવાસી અને ઍક્ટિવિસ્ટ નિખિલ દેસાઈએ જણાવ્યું હતું કે ‘ગેરકાયદે રાજકીય હોર્ડિંગ અને બૅનરોનું શું કરવાનું છે? આ વર્ષે ગણેશોત્સવ બાદ મુખ્ય રસ્તાઓ પર બૅનર્સ નથી, પરંતુ ઇન્ટરનલ રસ્તાઓ એનાથી છલકાઈ રહ્યા છે. હાઈ કોર્ટે બીએમસીને હોર્ડિંગ્સ અને બૅનર્સ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ કશું થઈ રહ્યું નથી. તેમણે શહેરના રસ્તા પર હોર્ડિંગ લગાડનારા પક્ષના શહેર અથવા જિલ્લાના વડાને દંડ ફટકારવો જોઈએ. અગાઉ મેં આ વિશે ફરિયાદ નોંધાવી હતી એના જવાબમાં તેમણે બૅનર દૂર કર્યું, પરંતુ આજુબાજુ એ યથાવત્ જ રહ્યાં હતાં. મેં પૂછતાં મને કહ્યું કે તેમને એમ કરવાનો આદેશ નથી.’
મુલુંડના વીણાનગરના રહેવાસીએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર સ્થાનિક વિસ્તારમાં ફુટપાથ પર મુકાયેલા ગેરકાયદે હોર્ડિંગની તસવીર શૅર કરી હતી. એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બૅનર રાહદારીઓને અવરોધે છે. એ સમગ્ર ફુટપાથને આવરી લે છે. કોઈ વ્યક્તિ સુરક્ષિત રીતે કેવી રીતે ચાલી શકે? રાજકીય પક્ષોએ ઓછામાં ઓછું રાહદારીઓ વિશે વિચારવું જોઈએ.’
ADVERTISEMENT
કુર્લાના ઍક્ટિવિસ્ટ અઝીઝ ખાને કહ્યું હતું કે ‘શહેરની સુંદરતાને આ બૅનર્સ નષ્ટ કરી રહ્યાં છે. સુધરાઈ બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે અને મેગા સ્વચ્છતા અભિયાન ચલાવે છે, પરંતુ આ મુદ્દાને શા માટે અવગણી રહી છે?’
બીએમસીના ડેટા અનુસાર સત્તાવાળાઓએ ૧થી ૨૧ સપ્ટેમ્બરની વચ્ચે ૯૮૦૭ બૅનર્સ અને હોર્ડિંગ્સ હટાવ્યાં હતાં. એમાંથી ૪૯૧૯ ધાર્મિકતાને લગતાં હતાં, જ્યારે ૩૫૬૬ રાજકીય અને ૬૦૮ કમર્શિયલ હતાં.