ન્યુઝપેપર વેન્ડર અસોસિએશને શિક્ષકો તથા પ્રોફેસરોને તમામ વિદ્યાર્થીઓને એક પ્રાદેશિક અને એક અંગ્રેજી પેપર વાંચવાનું પ્રોત્સાહન આપવા કરી અપીલ

પ્રતીકાત્મક તસવીર
આ વર્ષે ૧૫ ઑગસ્ટે દેશે ૭૫મા સ્વંતત્રતા દિનની ઉજવણી કરી. આઝાદી બાદ તથા આઝાદી મળી એ પહેલાંથી ન્યુઝપેપર અને ન્યુઝપેપર વેન્ડર તેમની સેવા આપી રહ્યાં છે. ન્યુઝપેપર દેશ-વિદેશના સમાચારો, માહિતી, શૈક્ષણિક ક્રાન્તિ, રમતગમતમાં વિકાસ, પર્યાવરણમાં થતા ફેરફાર તેમ જ અન્ય અપડેટ્સ આપતાં હોય છે, એથી સ્કૂલ અને કૉલેજના શિક્ષકો અને પ્રોફેસરોએ વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું એક પ્રાદેશિક તથા એક અંગ્રેજી પેપર વાંચવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. આ ઉપરાંત પેરન્ટ્સે પણ બાળકોને એક પેપર વાંચવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. મોબાઇલ અને ગૅજેટ્સની સાથોસાથ ન્યુઝપેપરને પણ બાળકોએ જીવનનો એક ભાગ બનાવવો જરૂરી છે. મુંબઈ અને થાણેના ન્યુઝપેપરના વિક્રેતાઓ દ્વારા તમામ શિક્ષકો, પ્રોફેસરો અને આચાર્યોને ન્યુઝપેપર વાંચવાની ટેવ કેળવવા અપીલ કરી હતી અને બૃહન્મુંબઈ ન્યુઝપેપર વેન્ડર અસોસિએશને આઝાદીના અમૃત મહોત્સવથી ‘હર ઘર વર્તમાનપત્ર’ અભિયાન પણ શરૂ કર્યું હતું.