મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા રાજ કે. પુરોહિતનું રવિવારે નિધન થયું હતું
રાજ કે. પુરોહિત
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા રાજ કે. પુરોહિતનું રવિવારે નિધન થયું હતું. આજે મરીન લાઇન્સના બિરલા માતુશ્રી સભાગૃહમાં સાંજે ચારથી ૬ વાગ્યા દરમ્યાન તેમની શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા સિક્કિમના રાજ્યપાલ ઓમપ્રકાશ માથુરથી લઈને દેશનાં અલગ-અલગ રાજ્યોના નેતાઓ, ઉદ્યોગપતિઓ, રાજસ્થાની સમાજના આગેવાનો અને સામાન્ય જનતા હાજર રહેવાનાં છે. રાજ પુરોહિત રાજકીય નેતા સાથે સામાજિક કાર્યોમાં પણ બહુ જ અગ્રેસર રહેતા હતા. તળ મુંબઈના વેપારીઓ અને પાઘડીવાળાં મકાનોના રહેવાસીઓની સમસ્યા બદલ તેમણે જોરદાર રજૂઆત કરીને એનો ઉકેલ લાવવા અથાગ પ્રયાસ કર્યા હતા. જૂનાં અને જર્જરિત બિલ્ડિંગોનું સમારકામ કરાવી શકાય અને એમનું રીડેલવપમેન્ટ પણ થઈ શકે એ માટે BMCની જોગવાઈ ૩૩/૭ લાગુ કરાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી હતી.
RSSના શતાબ્દીવર્ષ નિમિત્તે નેહરુ સેન્ટરમાં ૭ ને ૮ ફેબ્રુઆરીએ વ્યાખ્યાન
ADVERTISEMENT
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દીવર્ષને લઈને નેહરુ સેન્ટર, વરલીમાં ૭ અને ૮ ફેબ્રુઆરીએ ‘નયી ક્ષિતિજ’ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાખ્યાનમાળાનાં કુલ ચાર સેશન હશે. પહેલા દિવસે બપોરના ૩.૩૦થી સાંજના ૭.૩૦ વાગ્યા સુધી અને બીજા દિવસે સવારના ૯.૩૦થી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી સેશન રહેશે. સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવત પહેલા દિવસે વ્યાખ્યાન આપશે અને બીજા દિવસે તેમની સાથે સવાલ-જવાબ થશે. આ વ્યાખ્યાનમાળામાં ઉદ્યોગપતિઓ, ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઓ, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, ચિકિત્સકો, કલાકારો, સ્પોર્ટ્સ પર્સનાલિટી, જાણીતાં છાપાંના તંત્રીઓ, ધર્મગુરુઓ અને અન્ય જાણીતી હસ્તીઓ સામેલ થશે. સંઘ દ્વારા આ વર્ષે સમાજના અલગ-અલગ વર્ગોને જોડાવા માટે ગૃહસંપર્ક, હિન્દુ સંમેલન, પ્રબુદ્ધ જનવાર્તાલાપ અને યુવા સંમેલન સહિત પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વિલે પાર્લેમાં રહેતું કપલ અડધા કલાક માટે બહાર ગયું, ૪૧ લાખના દાગીના ચોરાઈ ગયા
વિલે પાર્લે-ઈસ્ટમાં નેહરુ રોડ પર આવેલા એક બંગલામાં ધોળા દિવસે ચોરી થઈ હતી. ચોર ૪૧ લાખ રૂપિયાના દાગીના અને કીમતી વસ્તુઓ ચોરી ગયા હતા. આ બંગલામાં રહેતું સિનિયર સિટિઝન દંપતી ફક્ત અડધા કલાક માટે ઘરેથી બહાર ગયું હતું. પાછા ફરીને તેમણે જોયું તો મેઇન ડોરનું તાળું તૂટી ગયું હતું અને આખા ઘરમાં તોડફોડ થયેલી હતી. બંગલાના પરિસરમાં ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા નથી જેના કારણે ઘૂસણખોરોની કોઈ પ્રાથમિક માહિતી મળી નહોતી. વિલે પાર્લે પોલીસની ટીમ હવે નજીકના વિસ્તારોના CCTV કૅમેરાનાં રેકૉર્ડિંગ્સની તપાસી રહી છે. પોલીસને શંકા છે કે ગુનો પ્લાન કરેલો હતો. ચોરોએ દંપતીની રોજિંદી દિનચર્યાનું ધ્યાન રાખીને જ્યારે તેઓ ઘરે ન હોય ત્યારે માત્ર અડધા કલાકમાં જ હાથસફાઈ કરી હતી.
પાલઘર આંદોલન આખરે સમાપ્ત: ખેડૂતો અને આદિવાસીઓની માગણી સંતોષવાનું કલેક્ટરે આશ્વાસન આપ્યા પછી લૉન્ગ માર્ચનો અંત
પાલઘર જિલ્લામાં પ્રસ્તાવિત વાઢવણ બંદર અને અન્ય મેગા પ્રોજેક્ટ્સનો વિરોધ કરી રહેલા હજારો આદિવાસી લોકો, ખેડૂતો અને માછીમારો સાથેની પ્રોટેસ્ટ માર્ચ સોમવારે ચિરોટીથી નીકળીને મંગળવારે સાંજે લગભગ ૫૦ કિલોમીટર પગપાળા ચાલીને પાલઘરના જિલ્લા કલેક્ટરની ઑફિસે પહોંચી હતી. કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા-માર્કસિસ્ટ (CPI-M)ના નેતાઓની આગેવાની હેઠળ પ્રદર્શનકારીઓએ ગઈ કાલથી કલેક્ટરની ઑફિસ ખાતે બેમુદત ધરણાં શરૂ કર્યાં હતાં. જોકે આખરે કલેક્ટર સાથે મીટિંગ કર્યા બાદ અને તેમણે આપેલા આશ્વાસન પછી રાતે ૮ વાગ્યે ધરણાં અને આંદોલન પાછાં ખેંચાયાં હતાં. CPI-Mના નેતાઓની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે ગઈ કાલે બપોરે ૧૨.૧૫ વાગ્યે કલેક્ટર સાથે તેમના ૧૨ મુદ્દાઓને લઈને ચર્ચા ચાલુ કરી હતી જે ૬ કલાક ચાલી હતી. જિલ્લા પ્રશાસને ત્યાર બાદ તેમની માગણીઓ સમયાંતર પદ્ધતિ અંતર્ગત પૂરી કરવાનું આશ્વાસન આપ્યા બાદ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું. તેમના નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ નિકોલે અને ડૉ. અશોક ઢવળેએ રાતે ૮ વાગ્યે આ આંદોલન હાલ ૩ મહિના માટે સ્થગિત કરવામાં આવ્યું હોવાનું પત્રકારોને જણાવ્યું હતું. એ પછી તેમણે હાલનું આંદોલન સમેટી લીધું હતું.
ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પર ટ્વિન ટનલનું કામ પ્રગતિ પર
ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટનું કામ પ્રગતિ પર છે. ગોરેગામના દાદાસાહેબ ફાળકે ફિલ્મસિટી વિસ્તારમાં ટ્વિન ટનલની લૉન્ચિંગ શાફ્ટ માટે ખોદકામ ચાલી રહ્યું છે. ૨૦૦ મીટર લંબાઈ, ૫૦ મીટર પહોળાઈ અને ૩૦ મીટર ઊંડાઈ ધરાવતી લૉન્ચિંગ શાફ્ટનું ખોદકામ ૨૩ મીટર ઊંડે સુધી થઈ ગયું છે. બાકીની ૭ મીટરનું કામ ૧૦ માર્ચ સુધીમાં પૂરું થશે અને ટનલ માઇનિંગ પ્લાન્ટ શાફ્ટમાં ઉતારવામાં આવશે. ઈસ્ટ-વેસ્ટ કનેક્ટિવિટીને સરળ બનાવવા માટે ૫.૩ કિલોમીટરની બે સમાંતર ટનલ અને ટ્રાફિક માટે થ્રી લેન ડિઝાઇન કરવામાં આવી છે.
પોસ્ટ પણ હવે પર્યાવરણ બચાવવાના પંથે

ઇન્ડિયન પોસ્ટ દ્વારા ગઈ કાલે દાદરમાં તેમના પોસ્ટમેન અને પોસ્ટવિમેનને ૩૯ ઈબાઇક આપવામાં આવી હતી. આ ઈબાઇકને મહારાષ્ટ્ર અને ગોવા સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ અમિતાભ સિંહે ગ્રીન ઝંડી દેખાડી હતી. આ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ પણ હાજર રહ્યાં હતાં અને પોસ્ટવિમેનનો જુસ્સો વધાર્યો હતો. તસવીર : શાદાબ ખાન
ઇન્ડિયન આર્મીની રેજિમેન્ટ ઑફ આર્ટિલરીએ બતાવી દારૂગોળાની તાકાત

K-9 વજ્ર અને M777 અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર સ્વદેશી આર્ટિલરી સિસ્ટમ્સ સહિત ધરતી ધ્રુજાવી દે એવા અવાજ સાથે રેજિમેન્ટ ઑફ આર્ટિલરીએ બુધવારે વાર્ષિક કવાયત, એક્સરસાઇઝ તોપચી દરમ્યાન ભારતીય સેનાના દારૂગોળાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં બંદૂકો, મોર્ટાર, રૉકેટ, ડ્રોન અને એવિયેશન ઍસેટ્સ સહિત ઍડ્વાન્સ ફાયરપાવર અને સર્વેલન્સ ટેક્નૉલૉજીના સિમલેસ એકીકરણને અદ્ભુત રીતે રજૂ કરવામાં આવ્યું હતું. નાશિકની દેવલાલી ફીલ્ડ ફાયરિંગ રેન્જની સ્કૂલ ઑફ આર્ટિલરી ખાતે આયોજિત કવાયતમાં બતવાયેલી ઘણી ઍસેટ્સનો ઉપયોગ ઑપરેશન સિંદૂરમાં કરવામાં આવ્યો હતો. K-9 વજ્ર સ્વ-સંચાલિત બંદૂક, M777 અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર, 155 mm FH77802 (બોફોર્સ), સોલ્ટમ, ધનુષ, 105 mm ઇન્ડિયન ફીલ્ડ ગન, લાઇટ ફીલ્ડ ગન, 120 mm મોર્ટાર, GRAD BM 21 અને પિનાકા મલ્ટિપલ રૉકેટ લૉન્ચરે તેમના ફાયરપાવરથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભારતીય સેનાના પૅરૅશૂટ રેજિમેન્ટના સૈનિકો, પૅરામોટર્સ અને હૅન્ગ-ગ્લાઇડર્સ સાથે તેમની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું.
રિપબ્લિક ડેનું રિહર્સલ

૨૬ જાન્યુઆરીએ કર્તવ્યપથ પર ગણતંત્ર દિવસની પરેડની તૈયારીરૂપે રિહર્સલ હવે જોરશોરમાં થઈ રહ્યું છે. ગઈ કાલે કેટલીક મહિલા બાઇકરોએ સ્ટન્ટની પ્રૅક્ટિસ કરી હતી. આ પરેડમાં દેશનાં અવ્વલ હથિયારોનું શક્તિપ્રદર્શન પણ થવાનું છે.
પ્રયાગરાજમાં ઍરફોર્સનું પ્લેન ક્રૅશ થઈને તળાવમાં પડ્યું: માઘમેળાથી જસ્ટ ૩ કિલોમીટર દૂર પડ્યું હોવાથી મોટો હાદસો થતાં બચી ગયો
પ્રયાગરાજમાં ઍરફોર્સનું ટ્રેઇનિંગ ઍરક્રાફ્ટ ગઈ કાલે ક્રૅશ થઈ ગયું હતું. ઍરક્રાફ્ટ હવામાં ઊડતાં-ઊડતાં ડગમગ્યું હતું અને તળાવમાં જઈને પડ્યું હતું. ટૂ-સીટર ઍરક્રાફ્ટમાં બન્ને પાઇલટ સુરક્ષિત હતા. બુધવારે બપોરે ૧૨.૨૦ વાગ્યે કેપી કૉલેજની પાછળ વિમાન ક્રૅશ થયું હતું એ શહેરની વચ્ચોવચનો વિસ્તાર છે. તળાવની પાસે જ સ્કૂલો અને રહેણાક કૉલોનીઓ છે.
નજરે જોનારા લોકોનું કહેવું હતું કે ઍરક્રાફ્ટ ક્રૅશ થયું એ પહેલાં બે પાઇલટ પૅરૅશૂટ લઈને કૂદી ગયા હતા અને તળાવમાં પડ્યા હતા જ્યાં કાદવમાં ફસાઈ જતાં સ્થાનિક લોકોએ તેમને બહાર કાઢ્યા હતા. તળાવમાં ચારે તરફ જળકુંભી ઊગી હોવાથી ઍરક્રાફ્ટ અને પાઇલટ્સ એમાં ફસાઈ ગયાં હતાં. ડિફેન્સ વિંગ કમાન્ડર દેબાર્થોનું કહેવું છે કે બન્ને પાઇલટ્સે સૂઝબૂઝ
દાખવીને ઍરક્રાફ્ટ સૂમસામ વિસ્તારમાં ઉતાર્યું હતું.
દિલ્હી તો ઠીક, હવે શ્રીનગરમાં હવાનું પ્રદૂષણ સાત વર્ષમાં સૌથી નીચલા સ્તરે
દેશની રાજધાની દિલ્હીમાં તો હવાનું પ્રદૂષણ માઝા મૂકી જ રહ્યું છે, પરંતુ ભારતનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના શ્રીનગરમાં પણ હવાનું પ્રદૂષણ ૭ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયું છે. બુધવારે શ્રીનગરનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૩૦૮ નોંધાયો હતો. ઍર મૉનિટરિંગ ડેટા મુજબ જાન્યુઆરીમાં શ્રીનગરની હવા ખૂબ ખરાબ રહી છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને દર્શાવેલી મર્યાદા કરતાં ઘણું વધારે પ્રદૂષણ અહીં છે. હાલમાં પાર્ટિકલ મૅટર PM2.5નું કૉન્સન્ટ્રેશન ૧૧૫ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક છે જે એક દિવસમાં ૪ સિગારેટ પીવા બરાબર છે.


