Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અદ્ભુત, અવિશ્વસનીય, અકલ્પનીય, અભૂતપૂર્વ અને ઐતિહાસિક દાસ્તાન

અદ્ભુત, અવિશ્વસનીય, અકલ્પનીય, અભૂતપૂર્વ અને ઐતિહાસિક દાસ્તાન

13 January, 2023 09:00 AM IST | Mumbai
Alpa Nirmal

યમરાજાએ પણ જ્યારે કચ્છી મહિલાની જીવવાની પ્રબળ જિજીવિષા સામે હથિયાર હેઠાં મૂકવાં પડ્યાં

જિજ્ઞા ગડા

મિડ-ડે એક્ઝક્લુઝિવ

જિજ્ઞા ગડા


આજ ફિર જીને કી તમન્ના હૈ....મલાડનાં જિજ્ઞા ગડાની સારવાર કરવા માટે મોટા ભાગના ડૉક્ટરોએ પીછેહઠ કર્યા બાદ બૅન્ગલોરની હૉસ્પિટલ બની તારણહાર : ૧૦ કલાકની અત્યંત રિસ્કી સર્જરી, ત્યાર બાદ એક વખત હાર્ટ અને એક વખત લંગ્સ ફેલ્યર, બે મહિના સુધી હાર્ટ સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ અને ટૂ ટાઇમ્સ ટોટલ બ્લડ-લૉસ. આ અને આવાં અનેક કૉમ્પ્લીકેશન્સની વચ્ચે ડૉક્ટરોના અથાક પરિશ્રમ અને કટિબદ્ધતાને લીધે ૮૦ દિવસની લડાઈ પછી જિજ્ઞાબહેન નેવર ગિવ અપના સૂત્રને અમલમાં મૂકીને વિજેતા બનીને બહાર આવ્યાં : મિરૅકલ કહી શકાય એવી સ્ટોરી

મલાડ-વેસ્ટમાં એન. એલ. સ્કૂલ પાસે આવેલા ધન મહાલ બિલ્ડિંગમાં રહેતાં જિજ્ઞા ગડાનો રણકદાર મોટો અવાજ સાંભળો તો કહી ન શકો કે ૪૫ વર્ષનાં આ બહેન હજી હમણાં જ જીવલેણ કહેવાય એવી બીમારી સામે લડત આપવા ૮૦ દિવસ આઇસીયુમાં રહી આવ્યાં છે. ‘નેવર ગિવ અપ’ના ઍટિટ્યુડથી છલકાતાં જિજ્ઞાબહેનની બીમારીને આમ તો થ્રૉમ્બોસિસ કહેવાય. એટલે કે લોહી ગંઠાઈ જઈને શરીરના કોઈ પણ ભાગમાં ક્લૉટ થઈ જાય એવો રોગ. જોકે જિજ્ઞાબહેનને ફેફસાંમાં ક્લૉટ થઈ ગયો હતો જે ખૂબ જ અસાધારણ ઘટના હતી. ૨૦ વર્ષના દીકરાની મમ્મી જિજ્ઞાબહેન ‘મિડ-ડે’ને કહે છે, ‘ચારેક વર્ષ પહેલાં હું ડાન્સ પ્રોગ્રામની પ્રૅક્ટિસ કરી રહી હતી ત્યારે અચાનક મને શ્વાસ ચડવાનું શરૂ થયું. હું બ્રીધિંગ જ ન કરી શકું. થોડી મૂવમેન્ટ કરું ને મને હાંફ ચડી જાય. આ પહેલાં મને આવી કોઈ તકલીફ નહોતી. મારી તંદુરસ્તી એકદમ સારી હતી. આવું પહેલી વખત થયું. ડૉક્ટરોને બતાવ્યું ત્યારે તેમણે ડાયોગ્નાઇઝ કર્યું બ્રૉન્કાઇટિસ. મને ખાવાની દવા તેમ જ ઇન્હેલરમાં દવા ભરીને નાકમાં લેવાની મેડિસિન આપી. દોઢ-બે મહિના બાદ પણ મને એ ટ્રીટમેન્ટથી કોઈ ફરક ન પડ્યો. ડે બાય ડે શ્વાસ તો ફૂલે, સાથે થાક પણ ખૂબ લાગે. ત્રણેક મહિના બાદ મેં ફરી ટેસ્ટ કરાવી, બીજા ડૉક્ટરોને કન્સલ્ટ કર્યા અને ખૂબબધા રિપોર્ટ્સ અને અનેક ડૉક્ટરોની વિઝિટ બાદ ડાયોગ્નાઇઝ થયું ક્રૉનિક થ્રમ્બોલિક પલ્મનરી હાઇપરટેન્શન.’



જેન્ટ્સ એથ્નિકવેઅરના મૅન્યુફૅક્ચરિંગનું કામકાજ કરતાં જિજ્ઞાબહેનના હસબન્ડ વિનોદ ગડા કહે છે, ‘જિજ્ઞાને લોહી ગંઠાવાની બીમારી હતી અને તેને બ્લડ-ક્લૉટ થતો હતો ફેફસાંમાં. તમે જો પીપળાનું સુકાયેલું પાન જુઓ તો એમાં જેમ પાનની નસ દેખાય એવી જ રીતે સ્પન્જ જેવાં જાળીદાર ફેફસાંમાં નસોનું જાળું હોય. આ નસોના જાળામાં ક્લૉટ હતો એને કારણે જિજ્ઞાને શ્વાસ લેવાની તકલીફ થઈ રહી હતી. અમે ડૉક્ટરોને પૂછ્યું કે એનો ઇલાજ શું? તો કહે કે ઓન્લી મેડિસિન. મેડિસિન ખાવાથી ક્લૉટ પીગળશે નહીં કે નવો નહીં થાય એની ગૅરન્ટી નથી એ જ રીતે શ્વાસ લેવાની તકલીફ પણ ઓછી થશે એ પણ કહેવાય નહીં, પણ એ સિવાય કોઈ ઇલાજ નથી. અગેઇન, અનેક ડૉક્ટરોનું કન્સલ્ટિંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેલ્થ ચેકઅપ કરાવતાં-કરાવતાં ખબર પડી કે આ ક્લૉટ કાઢવાની સર્જરી થાય ખરી, પણ એ ખૂબ ચૅલેન્જિંગ હોય. એવા પેશન્ટ જેનું ડૅમેજ ઓછું હોય કે ખૂબ જલદી આ રોગનું નિદાન થઈ ગયું હોય તેમનો સર્વાઇવલ રેટ વધુ હોય, પણ જિજ્ઞાના કેસમાં તો બહુ રિસ્ક છે. ૧૦૦માંથી ફક્ત બે ટકા ચાન્સ છે કે પેશન્ટ બચે. વળી મુંબઈની એક પણ હૉસ્પિટલ કે જાણીતા સર્જ્યનો આ ઑપરેશન કરવા તૈયાર જ નહીં. અમે તેમને ઘણી રીતે કન્વિન્સ કર્યા કે કેસ ફેલ થવાની પૂરી જવાબદારી અમારી, તમે બસ ઑપરેશન કરો; પણ મુંબઈના તબીબો જોખમ ખેડવા તૈયાર ન થયા.’


હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન આ રીતે નર્સ અને જિજ્ઞાબહેન બન્ને એકબીજાનો જુસ્સો વધારતાં હતાં


આ બાજુ ડે બાય ડે જિજ્ઞાબહેનની હેલ્થ ખરાબ થઈ રહી હતી. હરવા-ફરવામાં તો ઠીક, હવે બોલવામાં પણ શ્રમ પડવા લાગ્યો હતો. જિજ્ઞાબહેન કહે છે, ‘હું પહેલેથી સોશ્યલી ઍક્ટિવ છું. આર્ટ, ડાન્સ, રમતગમત મારી કંઈ ને કંઈ પ્રવૃત્તિ ચાલુ જ હોય. હું આઇડિયલી ઘરમાં બેસી ન શકું. શ્વાસની બીમારી સાથે મારું હીમોગ્લોબિન પણ ઘટતું જતું હતું. હું થાકી જતી. એવામાં મને મેનોપૉઝનો ઇશ્યુ શરૂ થયો. સતત બ્લીડિંગ થતું રહેતું. ગાયનેકોલૉજિસ્ટના મતે યુટ્રસ કઢાવી નાખવાનું હતું. જોકે કોઈ સર્જ્યન એ માટે પણ તૈયાર નહોતા થતા, કારણ કે લોહી ગંઠાવાની બીમારી ડાયોગ્નાઇઝ થઈ ત્યારથી મારી બ્લડ થિનર દવાઓ પણ ચાલુ હતી. એટલે જો ગર્ભાશય કઢાવવાના ઑપરેશન વખતે મારું લોહી વહેવાનું બંધ ન થાય તો એ પણ મોટો ભય હતો. વળી હું લોહી પાતળું કરતી દવાઓ થોડા દિવસ પણ બંધ કરી શકું એમ નહોતી.’

એક દિવસ સારી, ચાર દિવસ તબિયત ખરાબ. ફેફસાંના રોગની, મેનોપૉઝ માટેની, આર્યન, વિટામિન્સ જાતજાતની દવાઓ ખાતાં-ખાતાં જિજ્ઞાબહેનના થોડા મહિના નીકળ્યા ત્યાં એક દિવસ તેમને યુટ્રસ-અટૅક આવ્યો. તેમનું યુટ્રસ એટલું મોટું થઈ ગયું હતું કે એ પેટના બીજા અવયવોને દબાણ કરી રહ્યું હતું. આથી આખું પેટ ખૂબ દુખતું હતું. તેઓ તરત હૉસ્પિટલાઇઝ્ડ થયાં અને ફાઇનલી ગાયનેકે ઑપરેશન કર્યું. આ વાંચવું જેટલું નૉર્મલ લાગે છે, પરિસ્થિતિ એટલી સહજ નહોતી. જિજ્ઞાબહેનનું કોઈ પણ નાનું-મોટું ઑપરેશન કરવામાં બ્લડ વધુ વહી જવાનો ભય તો હતો જ. એની સાથે તેમનું બ્લડ-ગ્રુપ હતું ‘O’ નેગેટિવ, જે અગેઇન એક મહા પડકાર હતો.

વેલ, આવી જાતજાતની તકલીફો સામે ઝઝૂમતા ગડા કપલને ૬ મહિના પહેલાં બૅન્ગલોર પાસે આવેલી નારાયણા હૃદયાલયા હૉસ્પિટલ વિશે ખબર પડી, જ્યાં ફેફસાંમાંથી ક્લૉટ કાઢવાની સર્જરી થઈ શકે છે. જિજ્ઞાબહેનને ફ્લાઇટમાં ટ્રાવેલ કરવાનું અલાઉડ નહોતું, કારણ કે એમાં ઑક્સિજનનું દબાણ ઓછું હોય અને બસ કે ટ્રેનની જર્ની લૉન્ગ થાય. આમ છતાં ડૂબતો માણસ તરણું ઝાલે એમ વિનોદભાઈ અને જિજ્ઞાબહેન બૅન્ગલોર ઊપડ્યાં. જિજ્ઞાબહેન આગળ કહે છે, ‘અજાણ્યું શહેર હતું. ડૉક્ટરોને ક્યારેય મળ્યા નહોતા. આમ છતાં વિચાર્યું કે ચાલો એક વખત જઈ તો આવીએ. ત્યાં ગયા એટલે પહેલાં બધા પ્રાઇમરી રિપોર્ટ કરાવડાવ્યા. બધું બરાબર થઈ રહ્યું હતું, પણ ખબર નહીં કેમ મને એમ થયું કે મારે અહીં રહેવું નથી કે ડૉક્ટરને મળવું પણ નથી; બસ, ઘરે જતા રહીએ અને અમે પાછા આવી ગયા. બે મહિના પછી અમારા કોઈ ઓળખીતાએ આ હૉસ્પિટલનો રેફરન્સ આપ્યો. અહીં મારા જે પલ્મનરી સ્પેશ્યલિસ્ટની દવા ચાલી રહી હતી તેમણે પણ હૉસ્પિટલ અને ત્યાંના ડૉક્ટરોની કાબેલિયત વખાણી એટલે અમે ફરી પાછા બૅન્ગલોર ગયા. ફરી એક વખત રિપોર્ટ્સની વણજાર ચાલી. એ મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલ છે. એ હૉસ્પિટલનો નિયમ છે કે દર ગુરુવારે ત્યાં દરેક ફૅકલ્ટીના સર્જ્યનો અને એમડીઓની મીટિંગ થાય અને એમાં કૉમ્પ્લીકેટેડ કેસ ડિસ્કસ થાય. ડૉક્ટરો એવા કેસ વિશે ચર્ચા કરે, પોતાનાં મંતવ્યો આપે અને પછી પેશન્ટની ટ્રીટમેન્ટલાઇન નક્કી થાય. મારા કેસ વિશે પણ ચર્ચા થઈ અને કન્ક્લુઝન આવ્યું કે જિજ્ઞા ગડાની સર્જરી ન કરી શકાય, બિકૉઝ શી ઇઝ હાઈ રિસ્ક પેશન્ટ. પત્યું. પછી અમને થયું કે અહીં સુધી આવ્યા છીએ તો આવી સર્જરી કરતા ડૉક્ટરને મળીને જઈએ.’

હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન આ રીતે નર્સ અને જિજ્ઞાબહેન બન્ને એકબીજાનો જુસ્સો વધારતાં હતાં

વિનોદભાઈ કહે છે, ‘આટલી મોટી હૉસ્પિટલ છે, નેટવર્ક ખૂબ વિશાળ છે; પણ ત્યાંના સિનિયર ડૉક્ટરો ખૂબ હમ્બલ. ખૂબ સરસ રીતે આપણી સાથે વાતચીત કરે. અમે કાર્ડિઍક સર્જ્યન ડૉ. વરુણ શેટ્ટીને મળ્યા. જિજ્ઞાએ તેમને કહ્યું કે ડૉક્ટર સર્જરી ગમે એવી રિસ્કી હોય, હું તૈયાર છું; હું મારી લાઇફ સરસ રીતે જીવી છું; જો આયુષ્ય હશે તો બચી જઈશ અને નહીં તો મરવાનું મને કોઈ દુઃખ નહીં થાય. ડૉક્ટર વરુણ શેટ્ટી જિજ્ઞાની મક્કમતા જોઈને ઇમ્પ્રેસ થઈ ગયા. તેઓ અમને કહે કે આવા પેશન્ટ જનરલી રડતા જ હોય ત્યારે જિજ્ઞાની હિંમત અને જિજીવિષા જોઈને આઇ ઍમ હૅપી, હું ચૅલેન્જ ઉપાડું છું કે જિજ્ઞા જેમ મારી કૅબિનમાં જાતે ચાલીને આવી એ જ રીતે સર્જરી પછી ચાલતી જશે. અમે બેઉ તો બહુ આનંદિત હતા. અમે ટ‍્વિન શૅરિંગમાં ૩૭ લાખ રૂપિયાનું પૅકેજ લીધું અને એક વીક પછીની અપૉઇન્ટમેન્ટ પણ લઈ લીધી. ફરી અમને થયું કે ચાલોને ડૉ. વરુણના પપ્પા ડૉ. દેવી શેટ્ટી જેઓ ખૂબ સિનિયર સર્જ્યન છે તેમને પણ મળીએ. અમે તેમને મળ્યા. તેઓ કહે કે વરુણે તમને હા પાડી છેને સર્જરીની, તો સર્જરી થઈ જશે; બીજો કોઈ પ્રૉબ્લેમ છે? મની ઇશ્યુ છે? અમે હા પાડી તો કહે કે ઠીક છે, એ હું જોઈ લઉં છું. આમ તો ૩૭ લાખ તો શું, ૫૦ લાખ રૂપિયા થતા હોત તો પણ અમે ઑપરેશન કરાવવાના હતા, કારણ કે હવે તો આ પાર કે પેલે પારની લડાઈ લડવાની જ હતી. જેમ ઑપરેશનમાં રિસ્ક હતું એમ વગર ઑપરેશને પણ એક પછી એક ઑર્ગન ફેલ્યરનો ભય હતો અને લાઇફ વધુ મિઝરેબલ થવાની હતી, પરંતુ ડૉક્ટરસાહેબે પોતાની મેળે ૧૦ લાખ રૂપિયા ઓછા કરી આપ્યા.’

અઠવાડિયા પછી ગડા દંપતી ફરી બૅન્ગલોર ગયું અને જિજ્ઞાબહેન હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ ગયાં. ૧૫ દિવસના પૅકેજના ૨૫ લાખ રૂપિયા ભર્યા અને બે લાખ સર્જરી પછી ભરવાનું નક્કી કર્યું. આખરે એ ‘ડી’ ડે આવી ગયો (‘ડી’ ડે એટલે જે દિવસે કોઈ મહત્ત્વનો ચેન્જ થવાનો હોય કે પછી કોઈ મિશન શરૂ થવાનું હોય). ૧૦ કલાક ઑપરેશન ચાલ્યું જિજ્ઞાબહેનનું. હાર્ટ કાઢીને તેમને અને હાર્ટને માઇનસ ૧૭ ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવ્યાં અને ખાસ વૅક્યુમ પમ્પથી લંગ્સની નસોમાં રહેલા ક્લૉટ્સ કાઢવામાં આવ્યા. ઑપરેશન વૉઝ સક્સેસફુલ અકૉર્ડિંગ ટુ ડૉક્ટર, કારણ કે ફેફસાંમાંથી ૭૦ ટકા ક્લૉટ્સ કાઢી નખાયા હતા અને જે થોડા બાકી હતા એ નીકળવાની શક્યતા નહોતી, કારણ કે એમ કરતાં ફેફસાંને નુકસાન થાય એમ હતું.

ખેર, પહેલો અને બીજો દિવસ સરસ ગયો. જિજ્ઞાબહેન ભાનમાં નહોતાં આવ્યાં, પણ મૉનિટર કહી રહ્યાં હતાં કે ‘ઑલ ઇઝ વેલ’. ઑપરેશનના ત્રીજા દિવસે ગળામાંથી ઑક્સિજન માટે જે પાઇપ નાખી હતી, જેને બ્રૉન્કોસ્કોપી કહેવાય એમાંથી અચાનક બ્લડ-ક્લૉટ નીકળવાનું શરૂ થયું. હાર્ટનું પમ્પિંગ પણ બરાબર નહોતું થતું. બ્લડ પૂરી રીતે પ્યૉરિફાય નહોતું થઈ રહ્યું અને એ જ વખતે લંગ્સ ફેલ્યર સાથે લંગ્સમાંથી સતત બ્લીડિંગ શરૂ થઈ ગયું. ડૉક્ટરો એક જગ્યાએથી લોહી નીકળતું બંધ કરે અને બીજી જગ્યાએથી શરૂ થાય. બ્રૉન્કોસ્કોપીની પાઇપમાંથી જાણે લોહીનો ફુવારો છૂટે. ટ્રીટમેન્ટ ચાલુ હોવા છતાં બ્લીડિંગનું રીઝન ખબર ન પડે. આમ ને આમ પૂરા બે દિવસ ચાલ્યું. એક તબક્કો એવો આવ્યો કે શરીરમાંથી બધું લોહી વહી ગયું. સતત બ્લડ ચડાવવાનું ચાલુ હતું, પણ શરીર ઍક્સેપ્ટ ન કરે. અનેક પ્રયત્નો પછી બ્લડ વહેતું અટક્યું ત્યાં ફરી શ્વાસ ન લેવાય. ઍક્ચ્યુઅલી, ચાર વર્ષથી ફેફસાંની કાર્યક્ષમતા સાવ ઓછી થઈ ગઈ હોવાથી એ ઍક્ટિવ નહોતાં થતાં. એ ફરી કાર્યરત થાય એ માટે જિજ્ઞાબહેનને ઊંધાં - પીઠના બળે સુવડાવ્યાં, જેમાં ફક્ત હાથ-પગનાં આંગળાં જ પથારીને અડતાં રહે અને બાકીનું શરીર અધ્ધર રહે. ફેફસાંને એના મૂળભૂત સ્વરૂપમાં લાવવાં જરૂરી હતાં, પણ ઊંધા સુવડાવવા એટલે રિસ્ક. તાજી જ સર્જરી થઈ હતી. બે-અઢી દિવસ બાદ ફેફસાં પૂર્વવત્ થયાં, પણ ફરી એક વાર ગળાની પાઇપમાંથી લોહી વહેવાનું શરૂ થઈ ગયું. અગેઇન, બ્લડ ચડાવો, પ્લાઝમા ચડાવો, જ્યાંથી બ્લડ નીકળે છે એ વેઇન રિપેર કરો એવો કાર્યક્રમ ચાલ્યો. બે વખત રક્તસ્રાવમાં કુલ ૧૦૦ બૉટલ હોલ બ્લડ અને ૭૫ યુનિટ પ્લાઝમા ચડાવાયાં. ખેર, બે દિવસ પછી એ બધું સમુંસૂતરું થયું, પણ નવો પ્રૉબ્લેમ શરૂ થયો.

જિજ્ઞા ગડા પતિ વિનોદ ગડા સાથે

‘વિનોદભાઈ, તમે કઈ રીતે આવી તાણભરી પરિસ્થિતિ હૅન્ડલ કરી?’ એના સવાલના જવાબમાં ૫૦ વર્ષના વિનોદભાઈ કહે છે, ‘મને ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા હતી. તેણે જે નિર્માણ કર્યું છે એ પ્રમાણે જ થશે. હા, એવું થતું કે ઑપરેશન પછી હું જિજ્ઞાને જોવા જતો અને જે રીતે ગળામાંથી લોહી નીકળતું એ જોઈને મારા હોશકોશ ઊડી જતા. પહેલી વખત એ દૃશ્ય જોયું ત્યારે તો હું થોડી ક્ષણ માટે અવાક થઈ ગયો હતો, પણ પ્રભુ પરનો વિશ્વાસ અને જિજ્ઞાના કૉન્ફિડન્સ સાથે ડૉક્ટરોની કટિબદ્ધતાએ મને ટકાવી રાખ્યો. બીજી વખતના બ્લીડિંગ વખતે તો ડૉક્ટરોએ મને કહી દીધેલું કે તમે ઘરે જવાની તૈયારી કરો, શરીરમાં લોહી ટકતું જ નથી, હવે મૅક્સિમમ એક-બે કલાક જીવ રહેશે, હાર્ટ વિલ સ્ટૉપ. જોકે જિજ્ઞા તો આ પૂરા સમય બેભાન જ હતી. ઍનેસ્થેસિયાની અસર ઓછી છતાં ક્યારેક કંઈ અસંગત બડબડ કરે, પણ તેને કાંઈ ભાન નહોતું. મેં કહ્યું કે હાર્ટ ચાલુ છે ત્યાં સુધી મને હોપ્સ છે. ઍન્ડ થોડા કલાક બાદ લોહી નીકળતું બંધ થઈ ગયું અને હૃદય ઑલરાઇટ હતું.’

ઑપરેશનને બે વીક થયાં એમાં બે વખત બ્લીડિંગ, એક વખત લંગ્સ ફેલ્યર જેવાં કૉમ્પ્લીકેશન આવ્યાં અને ગયાં. જિજ્ઞા શૂરવીરની જેમ લડી રહી હતી ત્યાં એક દિવસ હાર્ટ ફેઇલ્ડ. ડૉક્ટરો અને નર્સની ટીમ જિજ્ઞાબહેનને સતત મૉનિટર કરી રહ્યાં હતાં અને હાર્ટ ફેલ થવાની ખબર પડતાં તરત હાર્ટને શરીરમાંથી બહાર કાઢીને અગેઇન માઇનસ ૧૭ ડિગ્રી તાપમાનમાં મૂકી દીધું અને જિજ્ઞાબહેનના પગમાં એક્મે મશીન ફિટ કરાયું, જે હાર્ટનું કામ કરે. આ મશીન ફિટ કરવું પણ અત્યંત પીડાદાયક છે. પગના કાફ જેને દેશી ભાષામાં ગોટલા કહીએ ત્યાંથી નસમાં જાતજાતના વાયર ફિટ કરવા. એ  વાયર અશુદ્ધ લોહીને શુદ્ધ કરીને આખા શરીરમાં સર્ક્યુલેટ કરે. મશીન ફિટ કરાય એટલે બેઉ પગ સ્થિર રાખવા પડે, એને જરાય હલાવાય નહીં. આમ તો પેશન્ટ ઘેનમાં જ હોય, પણ એમ છતાં કોઈ પણ સ્થિતિમાં તેના પગ ન હલે એ માટે બેઉ પગની જાંઘ, ઘૂંટણથી નીચે અને પિંડી પાસેના હાડમાં ડ્રિલ કરીને ત્રણ આડા સળિયા બેસાડે જેથી પગ હંમેશાં સીધા રહે. જનરલી એક્મે મશીન પર રહેનાર દરદીઓ ૪-૬ દિવસથી વધુ સમય કાઢે નહીં, પણ જિજ્ઞાબહેન એક્મે મશીન પર પૂરા ૬૦ દિવસ રહ્યા. સર્જરી કરાવવા ગયાં ત્યારે ૭૧ કિલોનાં જિજ્ઞાબહેન ૪૫ કિલોનાં થઈ ગયાં હતાં. બેડ પર શરીર તો દેખાય જ નહીં, ફક્ત વાયરોનાં ગૂંચળાં દેખાય.

હૉસ્પિટલે ૧૫ દિવસના પૅકેજના ૨૭ લાખ કહ્યા હતા. અહીં દિવસો-મહિનાઓ થઈ રહ્યા હતા. નવાં-નવાં કૉમ્પ્લીકેશન્સ ઊભાં થઈ રહ્યાં હતાં. એ માટેની ટ્રીટમેન્ટ, અલભ્ય કહી શકાય એવું O-નેગેટિવ બ્લડ અરેન્જ કરવું, ૨૪ કલાક ખડે પગે રહેતી પર્સનલ નર્સ, આયા સાથે સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની ટીમ. ખર્ચા તો જોરદાર થતા હશે. વિનોદભાઈ એ સંદર્ભે કહે છે, ‘અમે પહેલા દિવસે જે ૨૫ લાખ રૂપિયા ભર્યા એ પછી મૅનેજમેન્ટે અમારી પાસેથી આટલા ઇશ્યુ થવા છતાં એક પણ રૂપિયો માગ્યો નથી. ઈવન બ્લડ માટે પણ તેમણે મને ક્યારેય કંઈ અરેન્જ કરવાનું કહ્યું નથી.’

એમ છતાં તમને બૅક ઑફ ધ માઇન્ડ ખર્ચાની ચિંતા થતી હશેને?’ એના જવાબમાં સાલસ સ્વભાવી વિનોદભાઈ કહે છે, ‘મને એ ચિંતા પણ નહોતી. મેં વિચાર્યું હતું કે જો મોટું બિલ આવશે તો મારું ઘર મૉર્ગેજ કરીને હું પૈસાની અરેન્જમેન્ટ કરી લઈશ કે સગાંસંબંધીઓ કે મિત્રો પાસેથી ઉછીના લઈ લઈશ.’

ગમે એટલી તકલીફો આવી પણ જિજ્ઞા ગડાએ હસતા મોઢે એનો સામનો કર્યો હતો

ફાઇનલી ૮૦ દિવસના આઇસીયુ-વાસ પછી ડૉક્ટરોએ જિજ્ઞાબહેનને કહ્યું કે ‘યુ કૅન ગો હોમ. નાઓ યુ આર ઑલરાઇટ.’ જિજ્ઞાબહેન કહે છે, ‘એક્મે મશીન મને સૂટ થઈ ગયું હતું અને રિકવરી થઈ રહી હતી એટલે દસેક દિવસ મને ડૉક્ટરો પલંગ સાથે ઊભી કરતા, જે અગેઇન ખૂબ પેઇનફુલ હતું. હું રાડો પાડતી, પણ મને નૉર્મલ કરવી જરૂરી હતી. એ થયા પછી હાર્ટને મારી બૉડીમાં ઇમ્પ્લાન્ટ કર્યું અને એ પણ પૂર્વવત્ કામ કરતું થઈ ગયું એટલે મને ડિસ્ચાર્જ આપવા ડૉ. શેટ્ટી આવ્યા અને કહ્યું ‘જિજ્ઞા, યુ આર એક્મે ચૅમ્પિયન. મેં તને કહ્યું હતુંને કે હું તને તારા પગ પર જ ઊભી કરીને ઘરે મોકલીશ.’

આખીયે વાતમાં સુખદ વળાંક એ છે કે વિનોદભાઈ ડિસ્ચાર્જ-પેપર લેવા ગયા ત્યારે તેમને ૧૫૮ પાનાંનું જાડું બિલ મળ્યું, જેનો ફાઇનલ આંકડો હતો એક કરોડ ૫૦ લાખ રૂપિયા, માઇનસ એક કરોડ ૨૩ લાખ ડિસ્કાઉન્ટ, ૨૫ લાખ પેઇડ ઍન્ડ બે લાખ ટુ પે. વિનોદભાઈ કહે છે, ‘આ અનબિલીવેબલ હતું. હૉસ્પિટલે ૨૭ લાખ મીન્સ ૨૭ લાખ પછી એક પણ રૂપિયો વધુ ન માગ્યો. ૧૫ દિવસને બદલે ૮૦ દિવસ થઈ ગયા, દુનિયાભરનાં કૉમ્પ્લીકેશન્સ થયાં. ઓહ ઇટ વૉઝ અનધર મિરૅકલ. જિજ્ઞા સાજીસમી થઈ ગઈ, દરેક પ્રકારની લડાઈ જીતી. તેની જીવવાની જીદની જીત થઈ એ પહેલો ચમત્કાર થયો અને આજકાલ ડૉક્ટરોનો નોબલ વ્યવસાય જે રીતે તેમના દ્વારા જ ખરડાઈ રહ્યો છે એવા સમયે મને આ ગૉડ જેવા ડૉક્ટરો મળ્યા એ મારા માટે બીજો ચમત્કાર.’

ચાર વર્ષની દીર્ઘ બીમારી અને પોણાત્રણ મહિનાની લડતના અંતે ૨૭ નવેમ્બરે ઘરે આવેલાં જિજ્ઞાબહેન સંપૂર્ણ સ્વસ્થ છે. એક્મે મશીનને કારણે પગમાં જે તકલીફો થઈ છે એના માટે માલિશ અને ફિઝિયોથેરપી ચાલુ છે. ફરધર હેલ્થ ચેકઅપ માટે જિજ્ઞાબહેન અત્યારે બૅન્ગલોરની હૉસ્પિટલમાં છે અને ડૉક્ટરસાહેબે ‘ઑલ ઓકે’નું સર્ટિફિકેટ આપી દીધું છે.

આજે અમને માનવામાં નથી આવતું કે આ એ જ જિજ્ઞા છે જેની ટ્રીટમેન્ટ દરમિયાન અમે ત્રણ વખત તેના બચવાની આશા ખોઈ બેઠા હતા : ડૉ. કરણ શેખર

જિજ્ઞા ગડાનાં ફેફસાંમાંથી ક્લૉટ કાઢવાની સર્જરીમાં ડૉ. વરુણ શેટ્ટીને અસિસ્ટ કરનારા અને દરેક કૉમ્પ્લીકેશનમાં જિજ્ઞાબહેનની ટ્રીટમેન્ટ કરનારા કાર્ડિઍક સર્જ્યન ડૉ. કરણ શેખર ‘મિડ-ડે’ને કહે છે, ‘આ કેસમાં મોટી ચૅલેન્જ એ હતી કે તેમની બીમારી લાંબા સમયથી હતી. આથી તેમનાં ફેફસાં ૯૦ ટકા ક્લૉટેડ હતાં. લંગ્સને જરા પણ નુકસાન પહોંચાડ્યા વગર એમાંથી આટલા બધા લોહીના ગઠ્ઠા કાઢવા ખૂબ કાબેલિયતનું કામ હતું અને અમે આ હિસ્ટોરિકલ મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું.’

‘વૉટ અબાઉટ આફ્ટર સર્જરી ઇશ્યુઝ?’ આ સવાલના જવાબમાં ડૉ. કરણ કહે છે, ‘ફેફસાં ફેલ થવાનું એક્સપેક્ટેડ હતું, કારણ કે લંગ્સે લૉન્ગ ટાઇમથી કામ નહોતું કર્યું. જોકે બે વખત કોઈ પણ કારણ વગર બેસુમાર બ્લીડિંગ થવું, હાર્ટ બંધ પડી જવું શૉકિંગ હતું. એ ત્રણેય વખતે અમે તેમની ફૅમિલીને કહી દીધેલું કે હવે ધેર આર નો હોપ્સ, તમે પેશન્ટને લઈ જાવ.’

‘તમે મિરૅકલમાં માનો છો?’ એમ પૂછતાં ડૉ. કરણ આગળ કહે છે, ‘મિરૅકલ શું કહેવાય એ મિસિસ ગડાના કેસ પરથી જાણી શકાય છે. અમારી ટીમને થાય કે હવે બહુ-બહુ તો બે કે ત્રણ કલાક નીકળશે તો પાંચ-છ કલાક નીકળે, ૨૪ કલાક પણ નીકળી જાય અને એ ટાઇમ પછી ઑટોમૅટિક તેમની સ્થિતિમાં સુધારો જણાય. હાલની જ વાત કરું તો અમે તેમને ૬ વીક પછી ફૉલોઅપ માટે આવવાનું કહ્યું હતું. ત્યારે વિચાર્યું હતું કે પેશન્ટ બેડ પર આવશે. બટ, લુક ઍટ હર... શી ઇઝ વૉકિંગ ઍન્ડ ટૉકિંગ. આ ચમત્કાર નથી તો શું છે?’

જિજ્ઞાબહેન અત્યારે નારાયણા હૃદયાલયા હૉસ્પિટલમાં ફૉલોઅપ ચેકઅપ માટે ગયાં છે. તેમને હસતાં-ચાલતાં જોઈને આખી હૉસ્પિટલના ડૉક્ટરો, નર્સો અને સ્ટાફમાં ઉત્સવ-ઉમંગનો માહોલ સર્જાયો છે.

1.50 કરોડ
૮૦ દિવસ સુધી હૉસ્પિટલમાં રહેલાં જિજ્ઞા ગડાની સારવારનું કુલ બિલ આટલા રૂપિયા થયું હતું

1.23 કરોડ
જોકે બૅન્ગલોરની નારાયણા હૉસ્પિટલે સામે ચાલીને ગડા દંપતીને આટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2023 09:00 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK