મની લૉન્ડરિંગ કેસમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલને જારી કરેલા સમન્સને લઈને વિરોધ-પ્રદર્શન કર્યું હતું

જયંત પાટીલ
એનસીપીના કાર્યકરોએ ગઈ કાલે દક્ષિણ મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની ઑફિસની બહાર, મની લૉન્ડરિંગ કેસમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલને જારી કરેલા સમન્સને લઈને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમનો દાવો હતો કે કેન્દ્ર અને ઈડી ‘રાજકીય બદલો’ લઈ રહ્યા છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘હવે નાદાર બનેલી નાણાકીય સેવા કંપની આઇએલ ઍન્ડ એફએસમાં કથિત નાણાકીય ગેરરીતિઓ સાથે જોડાયેલા મની લૉન્ડરિંગ કેસમાં જયંત પાટીલ સોમવારે ઈડી સમક્ષ હાજર થયા હતા. એજન્સીનું કાર્યાલય દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટ ખાતે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના કાર્યાલયની નજીક આવેલું છે. ત્યાં પ્લૅકાર્ડ તથા બૅનર્સ લઈને ગાંધીટોપી પહેરેલા વિરોધ કરનારાઓએ એનસીપીના વડા શરદ પવારનાં મોટા કદનાં કટ-આઉટ્સ ઊભાં કર્યાં હતાં. અગાઉ ઈડીની ઑફિસમાં જતાં પહેલાં પત્રકારો સાથે વાત કરતાં જયંત પાટીલે કહ્યું હતું કે ‘વિપક્ષમાં હોવાના નાતે આ પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. મેં ભૂતકાળમાં ક્યારેય આઇએલ ઍન્ડ એફએસનું નામ સાંભળ્યું નથી, પરંતુ ઈડીના અધિકારીઓએ મને તેમની સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યા છે. હું પાર્ટીના કાર્યકરોને શાંતિ જાળવવા અને અધિકારીઓને તેમનું કામ કરવા દેવાની અપીલ કરું છું.’