પોલીસે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ પચીસ વર્ષના આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈની પ્રખ્યાત સ્કૂલમાં ભણતા ચાર વર્ષના છોકરા સાથે સ્કૂલ-વૅનના ડ્રાઇવરે દુષ્કર્મ કરવાના બનાવના પ્રત્યાઘાતરૂપે વાલીઓએ પ્રિન્સિપાલનું રાજીનામું માગ્યું છે. સ્કૂલ જતાં બાળકોની સેફ્ટી બાબતે સ્કૂલ-મૅનેજમેન્ટ ગંભીર બને અને આવા બનાવ ફરી ન બને એવી ખાતરી પણ વાલીઓએ માગી હતી.
૨૪ એપ્રિલે સ્કૂલથી પરત આવીને વિદ્યાર્થીએ પેટમાં દુખવાની ફરિયાદ કરી હતી. માતા-પિતાએ પૂછપરછ કરતાં ‘અંકલ’એ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું બાળકે જણાવ્યું હતું. ત્યાર બાદ વાલીની ફરિયાદને આધારે પોલીસે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ પચીસ વર્ષના આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
આ કેસમાં સ્કૂલ-મૅનેજમેન્ટ તરફથી વાલીઓને કોઈ આશ્વાસન આપવામાં આવ્યું નથી. એથી મોટી સંખ્યામાં વાલીઓએ કાળી રિબન બાંધીને અને હાથમાં બોર્ડ લઈને સ્કૂલ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. જો બાળકોને સલામતી ન આપી શકતા હોય તો પ્રિન્સિપાલે રાજીનામું આપી દેવું જોઈએ એવી વાલીઓની માગણી હતી, પરંતુ આ દેખાવો બાબતે પણ સ્કૂલ-મૅનેજમેન્ટ તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો.


