સોમવારે રાતે ૧૧ વાગ્યાની આસપાસ પાર્ક કરેલી બાઇકમાં અચાનક આગ લાગી હતી
નાયગાવમાં સ્ટેશનની બહાર પાર્ક કરેલી બાઇકો સળગીને ખાખ થઈ ગઈ હતી
નાયગાંવ-વેસ્ટમાં રેલવે સ્ટેશન પાસે લોકો પોતાનાં વાહનો પાર્ક કરતા હોય છે. આ વાહનોમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સોમવારે રાતે અગિયાર વાગ્યાની આસપાસ બની હતી અને એમાં ૧૫થી ૧૬ ટૂ-વ્હીલર બળીને ખાખ થઈ ગયાં હતાં.
નાયગાંવ-વેસ્ટના વિસ્તારમાં રેલવે સ્ટેશનને અડીને આવેલા અને નાયગાંવ ફ્લાયઓવરની નીચે વાહનો પાર્કિંગમાં રાખવામાં આવે છે. લોકોએ ઑફિસ જવા માટે ટ્રેન પકડવાની હોવાથી તેમની બાઇક સ્ટેશનની બહાર પાર્ક કરતા હોય છે. જોકે સોમવારે રાતે ૧૧ વાગ્યાની આસપાસ પાર્ક કરેલી બાઇકમાં અચાનક આગ લાગી હતી. બાઇક લાઇનસર સાથે હોવાથી એક પછી એક બાઇકમાં આગ ફેલાતાં આગની તીવ્રતા વધી હતી. આ ઘટના અંગે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ફાયર બ્રિગેડને અને પોલીસને જાણ કરાઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનું કામ શરૂ કર્યું હતું. જોકે આગની લપેટોએ પાર્ક કરેલી ૧૫થી ૧૬ બાઇકને ઝપટમાં લેતાં મોટું નુકસાન થયું હતું. પાર્કિંગમાં ઘણીબધી બાઇક પાર્ક કરવામાં આવી હતી, પરંતુ નાયગાંવ-વેસ્ટના સ્થાનિક લોકોએ સતર્કતા બતાવીને અમુક વાહનો હટાવી દીધાં હોવાથી મોટું નુકસાન ટળી ગયું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.


