શનિવારે ઑઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
શનિવારે ઑઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ૨૦૦ રૂપિયાથી વધારે ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવતાં અમેરિકા-ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધને કારણે વધેલા LPG સિલિન્ડરના ભાવને કારણે મુશ્કેલી વેઠતા હોટેલ, રેસ્ટોરાં અને ફૂડ-સ્ટૉલ્સ ચલાવનારાઓને મોટી રાહત મળી છે.
નવા ભાવ મુજબ ૧૯ કિલોનું કમર્શિયલ LPG સિલિન્ડર મુંબઈમાં હવે ૨૮૮૫ રૂપિયાને બદલે ૨૬૯૧ રૂપિયામાં મળશે એટલે કે મુંબઈમાં એની કિંમતમાં ૧૯૪ રૂપિયાનો ઘટાડો થયો છે. કલકત્તામાં ૨૦૯ રૂપિયાનો અને દિલ્હીમાં ૨૦૨ રૂપિયાનો ઘટાડો કમર્શિયલ LPG સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે યુદ્ધને કારણે છેલ્લા થોડા વખતથી કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયા હતો અને વધારો થયો હોવા છતાં એની અછતને કારણે હોટેલ, રેસ્ટોરાં અને અન્ય ફૂડ-જૉઇન્ટ્સે એમની વાનગીઓના ભાવ પણ વધાર્યા હતા અને અમુકને તો વિવિધ વાનગીઓ પોતાના મેનુમાંથી કાઢી નાખવાની ફરજ પડી હતી. જોકે હવે પરિસ્થિતિ સુધરતાં એમને મોટી રાહત મળશે.
