ઉત્તર પ્રદેશમાં નિર્માણ થયેલા હવાના હળવા દબાણને લીધે ચોમાસું લંબાયું હોવાનું હવામાન વિભાગે કહ્યું

મુંબઈમાં ભારે વરસાદને કારણે ગઈ કાલે સાયન સર્કલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં (તસવીર : અતુલ કાંબલે)
આ વર્ષે ચોમાસું ૧૫ સપ્ટેમ્બરની આસપાસ પૂરું થવાની શક્યતા વચ્ચે ગઈ કાલે મુંબઈ ખાતેના પ્રાદેશિક હવામાન વિભાગે આગામી ચાર દિવસ વરસાદની હાજરી રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. મુંબઈમાં છૂટોછવાયો વરસાદ તો થાણે, રાયગડ અને કોંકણના પટ્ટામાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં નિર્માણ થયેલા હવાના હળવા દબાણને પગલે વરસાદ લંબાયો છે.
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આગામી પાંચ દિવસ પાલઘર અને રાયગડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા હોવાથી ઑરેન્જ અલર્ટ જારી કરવામાં આવી છે. થાણે, પુણે અને રત્નાગિરિ સહિત વિદર્ભના તમામ જિલ્લામાં ગઈ કાલની જેમ આજે અને આગામી ચાર દિવસ કેટલાંક સ્થળે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
આ સિવાય આગામી ત્રણ દિવસ વાયવ્ય ભારતના કેટલાક ભાગમાં નૈર્ઋત્યના ચોમાસાનો પાછોતરો વરસાદ શરૂ થશે એટલે કેટલાંક સ્થળે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આરેન્જ અને યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં ગઈ કાલે વરસાદનું જોર ઘટ્યું હતું. સરેરાશ બેથી અઢી ઇંચ જેટલો વરસાદ ૨૪ કલાકમાં નોંધાયો હતો. પાલઘર, રાયગડ અને થાણે જિલ્લામાં મુંબઈ કરતાં થોડો વધુ વરસાદ પડ્યો હતો, પરંતુ મુંબઈમાં પ્રમાણમાં ઓછો વરસાદ થવાથી જનજીવન સામાન્ય રહ્યું હતું.
મુંબઈમાં નોંધપાત્ર વરસાદ થયો હોવા છતાં ગરમીનું પ્રમાણ ઓછું નથી થયું. ગઈ કાલે મિનિમમ તાપમાન ૨૪ ડિગ્રી અને મૅક્સિમમ તાપમાન ૩૦ ડિગ્રી નોંધાયું હતું અને હ્યુમિડિટી ૯૦થી ૯૫ રહેવાને લીધે મુંબઈગરાઓએ બફારો અનુભવ્યો હતો.

