અગાઉ હીરાબજારની પાર્ટીના ૬૪ લાખના હીરા લઈને એનું પેમેન્ટ ન કરવાની ફરિયાદ અરવિંદ કાસલીવાલ ઉર્ફે અરવિંદ જૈન સામે નોંધાઈ છે
પ્રતીકાત્મક તસવીર
ભારત ડાયમન્ડ બુર્સના વેપારી પાસેથી ૬૪ લાખ રૂપિયાના પાંચ હીરા જાંગડ પર લઈ જઈને એ પાછા ન આપનાર અને એનું પેમેન્ટ પણ ન કરનાર ૬૬ વર્ષના હીરાદલાલ અરવિંદ કાસલીવાલ ઉર્ફે અરવિંદ જૈન સામે હવે મલાડના માલવણીમાં રહેતી મહિલાએ બળાત્કાર અને બ્લૅકમેઇલની ફરિયાદ આંબોલી પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે. આંબોલી પોલીસે આ કેસમાં તપાસ કરતાં ઇના એક્સપોર્ટ ચલાવતા અરવિંદ કાસલીવાલને BKC પોલીસે પકડ્યો હોવાનું જણાઈ આવતાં કોર્ટમાંથી પરવાનગી લઈને હવે રેપકેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
મહિલાએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે તે અરવિંદ કાસલીવાલની કંપની સાથે સંકળાયેલી અન્ય એક કંપનીમાં કામ કરતી હતી, મે ૨૦૨૩માં કંપનીના કામ સદંર્ભે તે અરવિંદ કાસલીવાલના અંધેરીના લોખંડવાલાના શાસ્ત્રીનગરમાં આવેલા ફ્લૅટ પર ગઈ હતી. ત્યારે કાસલીવાલે તેને ઘેનની દવા નાખેલું પીણું પીવડાવી દીધું હતું અને ત્યાર બાદ તેના પર બળાત્કાર કર્યો હતો અને એ વખતના ફોટો અને વિડિયો પણ પાડી લીધા હતા, તે ભાનમાં આવી ત્યારે તેણે આ બાબતે વિરોધ નોંધાવતાં કાસલીવાલે તેને ધમકી આપી હતી કે જો કોઈને કહ્યું તો તેનો એ અવસ્થાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દેશે.’
ADVERTISEMENT
પીડિતાએ આ ઘટના બાબતે તેની બહેનને ઑક્ટોબરમાં જાણ કરી હતી. એથી તેણે એવું સૂચવ્યું હતું કે તારે આ ઘટનાની જાણ તારા માલિકને કરવી જોઈએ. એથી પીડિતાએ માલિકને બનાવ વિશે કહેતાં તેમણે તેને પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપી હતી. ત્યાર બાદ પીડિતાએ આ સંદર્ભે અરવિંદ કાસલીવાલ સામે ડિસેમ્બર ૨૦૨૩માં આંબોલી પોલીસમાં ફરિયાદ કરી હતી.
એ પછી આંબોલી પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી અને ત્યાર બાદ આખરે અરવિંદ કાસલીવાલની ધરપકડ કરવા કોર્ટનો અપ્રોચ કર્યો હતો, કારણ કે BKCમાં નોંધાયેલા ૬૪ લાખના હીરાની છેતરપિંડીના કેસમાં BKC પોલીસે તેની ધરપકડ કરી હતી. હવે કોર્ટની પરવાનગી લઈને આંબોલી પોલીસે અરવિંદ કાસલીવાલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરી છે.
આંબોલી પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર યોગેશ પવારે એટલી માહિતી આપી હતી કે ‘આરોપી અરવિંદ કાસલીવાલની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેને જેલ-કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. હાલ કેસની વધુ તપાસ પોલીસ-ઇન્સ્પેક્ટર મુકુંદ યાદવ કરી રહ્યા છે.’
BKCનો કેસ શું હતો?
અરવિંદ કાસલીવાલે ભારત ડાયમન્ડ બુર્સમાં વેપાર કરતા અને બ્રીચ કૅન્ડીમાં રહેતા નરેન્દ્ર જૈનને કહ્યું હતું કે તે મુંબઈ સહિત ઉત્તર પ્રદેશના કાનપુર અને આગરા તેમ જ રાજસ્થાનના જયપુરમાં પણ ક્લાયન્ટ્સ ધરાવે છે. તેણે કાનપુરના ક્લાયન્ટને દેખાડવા માટે ૬૪ લાખના પાંચ હીરા નરેન્દ્ર જૈન પાસેથી જાંગડ પર લીધા હતા અને ત્યાર બાદ એ હીરા પાછા આપ્યા નહોતા કે એનું પેમેન્ટ પણ કર્યું નહોતું. એથી આખરે નરેન્દ્ર જૈને BKC પોલીસ-સ્ટેશનમાં અરવિંદ કાસલીવાલ સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી.