વિરારની ઘટના : પ્રેમી સાથે ફરવા ગયેલી યુવતી પર બળાત્કાર કરાયો : પોલીસે બે જ કલાકમાં આરોપીઓને શોધી કાઢ્યા

આરોપીઓને ગઈ કાલે કોર્ટમાં હાજર કરાયા હતા (હનીફ પટેલ)
વિરારમાં નિર્જન સ્થળે બૉયફ્રેન્ડ સાથે ફરવા ગયેલી ૧૯ વર્ષની ટીનેજર પર બે શખ્સોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. ટીનેજર તેના બોયફ્રેન્ડ સાથે જંગલમાં ફરવા ગઈ હતી. ત્યાં આરોપીઓ દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હતો, તેનાં કપડાં કાઢી નાખવામાં આવ્યાં હતાં તથા તેના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ બૉયફ્રેન્ડની સામે જ ટીનેજર પર તેમણે રેપ કર્યો હતો. આ ક્રૂરતા મુંબઈમાં બનેલી શક્તિ મીલની ભયંકર ઘટનાની યાદ અપાવી ગઈ.
આ બન્ને આરોપીઓને ગઈ કાલે વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમને ૨૭ માર્ચ સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
વિરારમાં રહેતું પ્રેમી યુગલ બુધવારે સાંજે સાડાચાર વાગ્યાની આસપાસ વિરાર-ઈસ્ટમાં આવેલા સાંઈનાથનગરમાં પાંચ પાયરીના જંગલમાં ફરવા ગયું હતું. આ વિસ્તાર નિર્જન છે. ટીનેજર તેના મિત્ર સાથે ત્યાં બેઠી હતી ત્યારે આસપાસ કોઈ ન હોવાનો લાભ લઈને રાજેશ સોની અને યશ શિંદેએ તેમને પકડ્યાં હતાં. આરોપીઓએ તેમના ફોટો લીધા હતા અને ધમકી આપીને બૉયફ્રેન્ડને માર માર્યો હતો. એટલું જ નહીં, બૉયફ્રેન્ડની સામે જ ટીનેજર પર રેપ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ યુવકનાં કપડાં પણ ઉતારી લીધાં હતાં અને તેને ઢોર માર માર્યો હતો.
વિરારનું સ્થળ જ્યાં રેપ થયો
બે કલાકમાં આરોપી જેલમાં
બન્ને આરોપીઓએ ટીનેજર અને તેના બૉયફ્રેન્ડની તસવીરો લીધી હતી. પરિવારને એ ફોટો બતાવવાની ધમકી આપીને ટીનેજરના મિત્ર પાસે તેમણે પાંચસો રૂપિયાની માગણી કરી હતી. ટીનેજરના મિત્રે જી-પે દ્વારા આરોપીના મિત્રના ખાતામાં ૫૦૦ રૂપિયા મોકલ્યા હતા. આરોપીએ યુવાનના ગળામાંથી સોનાનું પેન્ડન્ટ પણ ખેંચી લીધું હતું. પછી તેમણે ટીનેજરના મિત્રનાં કપડાં ઉતારી દીધાં હતાં અને તેના હાથ-પગ બેલ્ટથી બાંધી દીધા હતા. ત્યાર બાદ ટીનેજરને બાજુ પર લઈ જઈને તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. ટીનેજરના મિત્રે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો તેમ જ એક આરોપીના માથા પર દારૂની બૉટલ પણ મારી હતી. એને કારણે એક આરોપી ઘાયલ થયો હતો. પોલીસ આ જ બાબતથી આરોપી સુધી પહોંચી હતી અને તેમને પકડીને ટીનેજરની ફરિયાદ બાદ માત્ર બે કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી.
પોલીસે યુવતીને સારવાર માટે ડૉક્ટર પાસે મોકલીને બન્ને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસને શંકા હતી કે આરોપીઓમાંથી એક ઘાયલ થયા બાદ સારવાર માટે નજીકના ડૉક્ટર પાસે ગયો હશે. એથી પોલીસે આ માહિતી એક વૉટ્સઍપ ગ્રુપ પર પોસ્ટ કરી ત્યારે પોલીસને માહિતી મળી કે આવો આરોપી એક ડોક્ટરની સારવાર લઈ રહ્યો છે. વિરાર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.
વિરારનું સ્થળ જ્યાં રેપ થયો
ટીનેજરને વિશ્વાસ લઈને ફરિયાદ નોંધાવી
ટીનેજર સાથે દુષ્કર્મ કર્યા બાદ આરોપીઓએ તેની બૅગ પણ સળગાવી દીધી હતી. ત્યાર બાદ તેમણે ટીનેજરને તેના મિત્ર સાથે જવાની મનાઈ કરી હતી અને તેને સીધી ઘરે મોકલી દીધી હતી. સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીઓએ યુવકનાં કપડાં કાઢી નાખ્યાં હોવાથી તે ડુંગરની પાછળ નગ્ન અવસ્થામાં છુપાઈને જઈ રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે જઈને યુવકની પૂછપરછ કરતાં તેણે આખી હકીકત પોલીસને ડરી-ડરીને જણાવી હતી. આ ઉપરાંત ટીનેજરને કોઈનાથી ડરવાની જરૂર નથી એમ કહી તેને વિશ્વાસમાં લઈને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ બાદ માત્ર બે કલાકમાં જ બન્ને આરોપીઓને પકડ્યા હતા.
પોલીસનું શું કહેવું છે?
આરોપીઓનું કોઈ ક્રિમિનલ બ્રૅકગ્રાઉન્ડ નથી. યુગલ એકાંત સ્થળે એકલું હોવાનો આરોપીઓએ ફાયદો ઉઠાવ્યો હતો. વિરાર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક રાજેન્દ્ર કાંબળેએ માહિતી આપી હતી કે ‘આરોપીઓ વિરુદ્ધ છેડતી, બળજબરીથી ચોરી, બળાત્કાર, અકુદરતી બળાત્કાર વગેરેની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.’