નૉન-AC ટ્રેનમાં દરવાજા બેસાડવાની, ગૂંગળામણ ન થાય એ માટે રૂફટૉપ પર વેન્ટિલેશન રાખવાની અને આખી ટ્રેનમાં અંદરથી સળંગ જઈ શકાય એવા બે ડબ્બા વચ્ચેના વેસ્ટિબ્યુલની ઘોષણા પ્રૅક્ટિકલ ન હોવાનો એક્સપર્ટ્સનો મત
પ્રતીકાત્મક તસવીર
મુંબ્રામાં બે લોકલ ટ્રેનના પ્રવાસીઓ એકમેક સાથે ભટકાતાં થયેલી ટ્રૅજેડીમાં ૪ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યાની સોમવારે બનેલી ઘટના બાદ રેલવે તંત્ર સફાળું જાગ્યું હતું અને મોટા ઉપાડે નૉન-AC ટ્રેનમાં પણ ઑટોમૅટિક દરવાજા બેસાડવાનો નિર્ણય લીધો હતો. જોકે ગઈ કાલે જ એ કેટલું શક્ય છે અને એમાં કઈ-કઈ સમસ્યા આવી શકે છે એની છણાવટ કર્યા બાદ અને એક્સપર્ટ્સના ઓપિનિયન બાદ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
રેલવેએ કહ્યું હતું કે ‘ઑટોમૅટિક બંધ થાય એવા દરવાજામાં હવાની અવરજવર માટે લુવર્સ બેસાડવામાં આવશે. નવી ટ્રેનોમાં નહીં પણ જૂની ટ્રેનોમાં પણ એ તબક્કાવાર દરવાજા બેસાડવામાં આવશે અને સાથે જ રૂફ ટૉપ પર ફ્રેશ ઍર આવે એ માટે વેન્ટિલેશનની વ્યવસ્થા કરવામાં આવશે. હવે ફેરવી તોળવામાં આવ્યું છે કે માત્ર નવી ટ્રેનોમાં જ એ વ્યવસ્થા કરી શકાશે, જૂની ટ્રેનોમાં એ ફિટ થઈ શકે એમ નથી.
ADVERTISEMENT
એ સિવાય એક્સપર્ટે એમ પણ કહ્યું છે કે રૂફટૉપ પર વેન્ટિલેશન બેસાડવાની વાત કરવામાં આવે છે, પણ મુંબઈની વરસાદની જાણ તો રેલવેને છે જ. જો હવા આવવાની જગ્યા રખાશે તો એમાંથી પાણી નહીં ટપકે? નીચે બેસનારાઓનું શું? એથી એ મુદ્દે પણ હવે પ્રશ્નાર્થ ઊભો થયો છે.
એ ઉપરાંત મેલ-એક્સપ્રેસ ટ્રેનની જેમ સળંગ જઈ શકાય એ માટે બે ડબ્બા વચ્ચે વેસ્ટિબ્યુલ બેસાડવાની વાત હતી જેથી ગિરદી હોય તો એ વહેંચાઈ જાય, લોકો એક ડબ્બામાંથી અંદરોઅંદર જ બીજા ડબ્બામાં જતા રહે. જોકે મુંબઈની લોકલ ટ્રેનમાં વચ્ચે બે લેડીઝ કોચ અને ફર્સ્ટ ક્લાસના કોચ રાખવામાં આવે છે એટલે સામાન્ય કોચના પ્રવાસીઓ એમાં કઈ રીતે પ્રવેશી શકે? વળી લેડીઝની સેફ્ટીનો પ્રશ્ન પણ ઊભો થાય એથી એ વેસ્ટિબ્યુલ રાખવામાં પણ અત્યારે અડચણ છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઑટોમૅટિક દરવાજા બંધ કરવા માટે લોકોએ અંદર જવું પડે. હાલમાં પીક-અવર્સમાં AC ટ્રેનમાં લોકોને અંદર જવા પોલીસે ધક્કા મારવા પડે છે. રેગ્યલુર ટ્રેનમાં એના કરતાં વધુ ગિરદી હોય છે તો એ કઈ રીતે મૅનેજ થશે એ પણ સવાલ છે.

