મીરા રોડના જે બ્લિડિંગમાં મર્ડર થયું હતું ત્યાં ચાલી રહેલા ગટરના કામને લીધે ડેડ-બૉડીની દુર્ગંધ પાડોશીઓને નહોતી આવી એવું તેમનું કહેવું છે.

મીરા રોડના જે બ્લિડિંગમાં મર્ડર થયું હતું ત્યાં ચાલી રહેલા ગટરના કામને લીધે ડેડ-બૉડીની દુર્ગંધ પાડોશીઓને નહોતી આવી એવું તેમનું કહેવું છે.
મુંબઈ ઃ સરસ્વતી વૈદ્યની થયેલી ક્રૂર હત્યાના કેસની તપાસ કરી રહેલી મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના ડીસીપી જયંત બજબલેએ કહ્યું હતું કે મનોજ અને સરસ્વતી વચ્ચે બહુ મોટી ઉંમરનો તફાવત હતો એટલે બન્નેએ સાદાઈથી એક મંદિરમાં લગ્ન કર્યાં હતાં. જોકે એ લગ્ન તેમણે રજિસ્ટર નહોતાં કરાવ્યાં એમ સરસ્વતીની ત્રણ બહેનોએ પોલીસને જણાવ્યું છે. મૂળ અહમદનગર જિલ્લાની સરસ્વતી આશ્રમ સ્કૂલમાં દસમા ધોરણ સુધી ભણી હતી. બહુ નાની હતી ત્યારે તેની માતાનું મૃત્યુ થયું હતું અને એ પછી તેમના પિતાએ પણ દીકરીઓને તરછોડી દીધી હતી. એ પછી ૧૮ વર્ષની સરસ્વતી નવી મુંબઈમાં તેના સંબંધીને ત્યાં રહેવા આવી હતી. એ દરમ્યાન મનોજ સાથે તેની ઓળખાણ થઈ હતી અને મનોજે તેને સેલ્સગર્લની જૉબ અપાવી હતી. હવે તેની ત્રણ બહેનોએ સરસ્વતીની હત્યા બાદ તેના શરીરનાં જે અંગો મળ્યાં છે એનો કબજો માગ્યો છે, જેથી એના અંતિમ સંસ્કાર કરી શકાય.
આરોપી મનોજ સાનેએ કહ્યું હતું કે ‘સરસ્વતીએ શનિવારે ઝેર પીધું હતું. એ પછી એનો આરોપ પોતાના પર આવશે એવી બીકે તેણે મૃતદેહનો નિકાલ કરવા એના ટુકડા કરી નાખ્યા હતા.’
જોકે પોલીસ તેની વાતને ગંભીરતાથી નથી લઈ રહી. એવું પણ કહેવાય છે કે તેણે કહ્યું હતું કે તે ગુપ્ત રોગની અસાધ્ય બીમારીથી પીડાતો હતો એટલે તેણે સરસ્વતી સાથે શારીરિક સંબંધ પણ નહોતા રાખ્યા. જોકે પોલીસનું કહેવું છે કે સિમ્પથી મેળવવા આવા દાવા આરોપીઓ કરતા હોય છે, પણ એ બધું સાચું હોય એ જરૂરી નથી. કેસની તપાસ કરી રહેલી નયાનગર પોલીસનું ધારવું છે કે તેઓ હવે ચાર-પાંચ દિવસમાં પૂછપરછ કરીને આ કેસની બધી ગૂંચ ઉકેલશે એટલે હત્યા કરવાનો ઇરાદો અને અન્ય બાબતો સ્પષ્ટ થઈ જશે.