મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે દેવેન્દ્ર ફડણવીસે પોતાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ કર્યા બાદ મુંબઈ તરફ કૂચ કરીને આવું કહ્યું
મનોજ જરાંગે પાટીલ અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ
મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી સાથે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ કર્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે સલાઇનમાં ઝેર નાખીને પોતાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું મનોજ જરાંગે પાટીલે કહેતાં ખળભળાટ મચી ગયો છે. દેવેન્દ્ર ફડણવીસ પોતાને મારવા જ માગતા હોય તો તેમના મુંબઈના સાગર બંગલાની સામે જ મારે એવું આહવાન કરીને મનોજ જરાંગે પાટીલ જાલનાથી કારમાં ગઈ કાલે મુંબઈ આવવા નીકળ્યો હતો. મનોજ જરાંગે પાટીલે આ જાહેરાત કરી ત્યારે દેવેન્દ્ર ફડણવીસ સાતારામાં હતા. અહીંથી તેઓ તાત્કાલિક મુંબઈ પહોંચ્યા હતા. મનોજ જરાંગે પાટીલે દેવેન્દ્ર ફડણવીસ માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાથી આ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે દેવેન્દ્ર ફડણવીસે બેઠક કરી હતી. બીજેપીના વિધાનસભ્યો પ્રસાદ લાડ અને નીતેશ રાણેએ મનોજ જરાંગે પાટીલને પડકાર ફેંક્યો હતો કે તેણે સાગર બંગલામાં પ્રવેશવા માટે પહેલાં બીજેપીના કાર્યકરોની દીવાલને પાર કરવી પડશે.
મનોજ જરાંગે પાટીલે ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર પોતાની હત્યાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસે સલાઇનમાં ઝેર મિક્સ કરીને મને મારવાનો પ્રયાસ કર્યો છે. મને તેઓ મારવા જ માગતા હોય તો હું સામે ચાલીને તેમના મુંબઈના સાગર બંગલામાં આવું છું. મને ગોળી મારો, હું બલિ ચડવા તૈયાર છું. હું મુંબઈ જવા નથી માગતો. મીડિયાએ દેવેન્દ્ર ફડણવીસથી ડરવાની જરૂર નથી. જનતા તમારી સાથે છે. અમે કોર્ટનું સન્માન કર્યું. સલાઇન લીધું. શાંતિથી રસ્તારોકો કર્યું. આમ છતાં અમારી સામે ગુના નોંધવામાં આવ્યા. આટલું મોટું ષડ્યંત્ર કર્યું.’
ADVERTISEMENT
આટલું કહીને મનોજ જરાંગે પાટીલ તેના સહયોગીઓ સાથે કારમાં જાલનાના આંતરવલીથી મુંબઈ તરફ આવવા નીકળ્યો હતો. એ સમયે દેવેન્દ્ર ફડણવીસ સાતારામાં હતા. તેઓ તાત્કાલિક હેલિકૉપ્ટરમાં મુંબઈ પહોંચ્યા હતા. મનોજ જરાંગે પાટીલે કરેલા આરોપ વિશે તેમણે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી.
મનોજ જરાંગે પાટીલ ગંભીર આરોપ કરીને દેવેન્દ્ર ફડણવીસના મુંબઈમાં આવેલા સાગર બંગલામાં પ્રવેશ કરવા માટે જાલનાથી નીકળ્યો હોવાની માહિતી મળતાં બીજેપીના વિધાનસભ્ય પ્રસાદ લાડ અને નીતેશ રાણે આક્રમક બન્યા છે. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે ‘મનોજ જરાંગે પાટીલ સાગર બંગલામાં જવાની વાત કરે છે તો અમે ચૂપ થોડા બેસીશું? તેણે સાગર બંગલામાં પહોંચતાં પહેલાં બીજેપીના કાર્યકરોની દીવાલ પાર કરવી પડશે.’
ધીરજની પરીક્ષા ન લો, ટૂંક સમયમાં કાવતરું ખુલ્લું પાડવામાં આવશે
મનોજ જરાંગે પાટીલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિશે અશોભનીય ભાષાનો ઉપયોગ કરવાની સાથે ગંભીર આરોપ મૂક્યા છે. આ વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘તે સરકારની ધીરજની પરીક્ષા ન લે. ટૂંક સમયમાં કાવતરું ખુલ્લું પાડવામાં આવશે.’
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘જે લોકો વારંવાર સરકાર સામે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે તેઓ હવે હદ કરી રહ્યા છે. આ લોકોએ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી ન કરવી. મને આશ્ચર્ય થાય છે કે મનોજ જરાંગે પાટીલની ભાષા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જેવી છે. આ વિકાસની રાજનીતિને રોકવા માટેનું કાવતરું છે જે ટૂંક સમયમાં ખુલ્લું પાડવામાં આવશે.’