અદાણી કંપનીની વિજિલન્સ ટીમે કાર્યવાહી કરવાની સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
મલાડના રિસૉર્ટમાં વીજળીની લાઇન ચકાસી રહેલો એક કર્મચારી.
મલાડના મનોરી માર્વે રોડ પર આવલા એક ફાર્મહાઉસ-કમ-રિસૉર્ટમાં ગેરકાયદે રીતે વીજળીનો વપરાશ કરવામાં આવતો હોવાની માહિતી મળ્યા બાદ અદાણી ઇલેક્ટ્રિસિટીએ આ રિસૉર્ટ સામે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ૧.૦૪ કરોડ રૂપિયાની વીજળીની ચોરી કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જૂન મહિનાથી અત્યાર સુધીમાં એક કરોડથી વધુ રૂપિયાની વીજચોરી પકડવાનો આ ત્રીજો મામલો છે.
અદાણી ઇલેક્ટ્રિસિટી કંપનીના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ મનોરી માર્વે રોડ પર કિન્ની ફાર્મહાઉસ-કમ-રિસૉર્ટ આવેલો છે. અહીં વીજચોરી કરીને વપરાશ કરવામાં આવી રહ્યો હોવાનું કંપનીની વિજિલન્સ ટીમના ધ્યાનમાં આવ્યું હતું. રિસૉર્ટ દ્વારા ૧.૦૪ કરોડ રૂપિયાની વીજળી એટલે કે ૫.૪૧ લાખ વીજયુનિટનો ગેરકાયદે વપરાશ કરવામાં આવ્યો હોવાનું મીટર રીડિંગ દરમ્યાન જણાઈ આવ્યું હતું.
ADVERTISEMENT
રિસોર્ટના માલિક-સંચાલકોએ વીજકંપનીના મેઇન કેબલ સાથે બે કેબલ જોડીને રિસૉર્ટની સાથે અહીં આવેલા બંગલામાં વીજળી પૂરી પાડી હોવાનું તપાસમાં જણાયું હતું. આથી ૨૯ ડિસેમ્બરે અહીં વીજળી કંપનીની વિજિલન્સ ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ૧.૦૪ કરોડ રૂપિયાની વીજળીની ચોરી રિસૉર્ટ દ્વારા કરવામાં આવી હોવાનું જણાતાં રિસૉર્ટના માલિક સામે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અદાણી ઇલેક્ટ્રિસિટીની વિજિલન્સ ટીમે છેલ્લા છ મહિનામાં એક કરોડ રૂપિયાથી વધુ વીજચોરીના ત્રણ કેસ ઝડપ્યા છે. જુલાઈ ૨૦૨૩માં અંધેરીના મહાકાલી ખાતેથી ૧.૦૯ કરોડની વીજચોરી, જૂન ૨૦૨૩માં મલાડના કુરાર વિલેજમાંથી ૧.૩૩ કરોડ રૂપિયાની વીજચોરી અને હવે મલાડના માર્વે રોડના રિસૉર્ટમાંથી ૧.૦૪ કરોડ રૂપિયાની વીજચોરી પકડવામાં આવી છે.

