Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આગમાં માત્ર નૉલેજ નથી બળ્યું ને એ જ કામ આવશે

આગમાં માત્ર નૉલેજ નથી બળ્યું ને એ જ કામ આવશે

15 March, 2023 09:31 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

આવો જુસ્સો છે મલાડની સોમવારની આગમાં ઘર બળી જતાં પહેરેલાં કપડે આજની એસએસસીની એક્ઝામની તૈયારી કરી રહેલા શનિનો : બાકીનાં પેપર પણ પૂરી તૈયારી સાથે આપવાની હામ તેણે ભરી છે

આગમાં ઘર બળી ગયા પછી રસ્તા પર ભણી રહેલો શનિ શ્રીવાસ્તવ

આગમાં ઘર બળી ગયા પછી રસ્તા પર ભણી રહેલો શનિ શ્રીવાસ્તવ


મલાડ-ઈસ્ટના કુરાર વિલેજમાં આવેલા આનંદનગર વિસ્તારમાં સોમવારે લાગેલી આગમાં ૨૦૦૦ કરતાં વધુ ઝૂંપડાં બળી ગયાં છે અને બધા જ પરિવારો માત્ર પહેરેલાં કપડે ઉપર આભ અને નીચે જમીન જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ૧૫ વર્ષનો શનિ શ્રીવાસ્તવ આજે (બુધવારે) તેની એસએસસીની એક્ઝામની ભૂમિતિના પેપરની તૈયારી તેના બળી ગયેલા ઘરમાં કરી રહ્યો છે. તેનું કહેવું છે હવે કશું બચ્યું જ નથી ત્યારે નૉલેજ જ કામ આવશે અને પરિવારને મદદ કરી શકાશે. હજી ત્રણ પેપર આપવાનાં બાકી છે, એ આપીશ અને આગળ વધીશ.

નાનપણમાં બાજુમાં રસ્સી બૉમ્બ ફૂટવાના કારણે એક આંખ ગુમાવી દેનાર અને બીએમસીની કુરાર ગાંવ ક્રમાંક-બેમાં ભણતા શનિએ કહ્યું હતું કે તેણે તૈયારી તો બરાબર કરી જ છે. ત્રણ પેપર બાકી છે એની પરીક્ષા પણ આપવાની છે અને આગળ ભણવાનું પણ છે જ. આગમાં આખું ઘર  ખાખ થઈ ગયું છે. જોકે બીએમસી સ્કૂલ તરફથી તેનો સંપર્ક કરી ગઈ કાલે તેને બૅગ આપવામાં આવી છે, એમાં જે પરીક્ષાઓ બાકી છે એ વિષયનાં પુસ્તકો, એક ડ્રેસ અને ૧૦૦ રૂપિયા પણ આપવામાં આવ્યા છે. તેના પરિવારમાં સાત જણનો સમાવેશ થાય છે. ૨૦ વર્ષથી તેનો પરિવાર ત્યાં જ રહે છે. પિતા ઇમિટેશન જ્વેલરીનું કામ કરે છે, ઘરે માલ લાવી એમાંથી આર્ટિકલ બનાવીને આપે છે. જો કામ ન મળે તો કન્સ્ટ્રક્શન લાઇનમાં મજૂરી કરવા જતા રહે છે.



ગૅસના બાટલા ફૂટતા હતા એથી બાળકોને લઈને દોડ્યા
પ્રાઇવેટમાં જૉબ કરતો અને પત્ની તથા બે બાળકો સાથે રહેતા દીપક સખારામ કુળેએ કહ્યું હતું કે ‘મારે થોડું પર્સનલ કામ હોવાથી સોમવારે હું કામ પર નહોતો ગયો અને ઘરે જ હતો. આગ નીચેની તરફ લાગી અને થોડી જ વારમાં સિલિન્ડર ફટવા માંડ્યાં અને આગ બહુ ઝડપથી ફેલાઈ ગઈ હતી. લગભગ ૧૦૦ જેટલાં સિલિન્ડર ફાટ્યાં હશે. અમારી નજર સામે જ થોડે દૂર સિલિન્ડર ફાટ્યું ત્યારે અમે બન્ને બાળકોને લઈ ઉપરની તરફ દોડી ગયા હતા. બધા જ જીવ બચાવવા દોડતા હતા. માત્ર જીવ જ બચ્યો છે, બાકી આખો સંસાર બળીને ખાખ થઈ ગયો. અમારી પાસે કશું જ નથી બચ્યું, માત્ર શરીર પર જે કપડાં છે એ જ છે.’


પરિવાર બચ ગયા તો સબ બચ ગયા, ફિર શુરૂ કરેંગે
મૂળ ગોરખપુરના અને કન્સ્ટ્રક્શનમાં મજૂરી કરતા મસ્તરામનો કૉન્ફિડન્સ બહુ જબરદસ્ત હતો.  આ આગમાં ઘરનું એક ચીંથરું પણ બચ્યું નથી ત્યારે એનો શોક ન કરતાં બુલંદ હોસલાવાળા અને પોતાના નામને જ સાર્થક કરતા મસ્તરામ યાદવે કહ્યું હતું કે ‘પરિવાર બચ ગયા, બહોત હૈ. અબ ક્યા, ઝીરો સે ફિર શુરૂ કરેંગે. પરિવાર હૈ તો સબકુછ હૈ. જો ગયા વો વાપસ નહીં આનેવાલા, અગર વહી સોચતે બૈઠેંગે તો કુછ નહીં હોગા. ઝિંદા હૈ, બહોત હૈ, ફિર સંસાર બસાયેંગે. રાતના પત્ની બહુ રડતી હતી. તેને કહ્યું, રડ નહીં, આપણે ફરી બધું ઊભું કરીશું.’

પૂરા દિવસો ધરાવતી પત્નીનો ફોન આવતાં જમવાનું અધૂરું મૂકી ઘરે ભાગ્યો 
મહારાષ્ટ્ર મુંબઈ મેટ્રોના ડીએન નગર સ્ટેશન પર ટિકિટ ઑફિસર તરીકે જૉબ કરતા સમાધાન રતન તૂપે સાંજે ૪ વાગ્યા બાદ ફ્રી થતાં લંચ લેવા બેઠો હતો એ જ વખતે ઘરેથી પૂરા દિવસો ધરાવતી (૯ મહિનાની ગર્ભવતી) પત્નીનો ફોન આવ્યો કે આગ લાગી છે જલદી આવો, એથી તે લંચ એમ જ છોડીને બૉસને કહી ઘર તરફ આવવા નીકળી ગયો હતો. નસીબ જોગે, તેનો ભાઈ અને અન્ય સગાંઓ પણ આજુબાજુમાં જ રહેતાં હોવાથી તેઓ પત્ની, નાની દીકરી અને માને પોતાની સાથે ઉપરની તરફ સુરક્ષિત સ્થળે લઈ ગયાં હતાં. સમાધાને ‘મિડ-ડે’ને વધુમાં કહ્યું હતું કે ‘અહીં અમે ૧૯૯૩થી રહીએ છીએ, મારો જન્મ જ અહીં થયો છે. અમારાં બધાનાં ઘર કાચા જ છે. લાકડાં, પતરાની દીવાલો અને ઉપર પ્લાસ્ટિક, જેના કારણે આગ બહુ જ ઝડપથી ફેલાઈ હતી. આજે બધુ જ બળીને ખાખ થઈ ગયું. અમે સરકારમાં, બીએમસીમાં રજૂઆત કરતા હતા કે અમને પાકાં મકાનો બનાવવા પરવાનગી આપો તો કહે એ ફૉરેસ્ટ એરિયા છે, ન આપી શકાય. આજુબાજુનો આખો એરિયા ડેવલપ કરવા દેવાયો છે, અમારા એરિયા માટે જ ના પાડવામાં આવે છે. સરકાર હવે તો અમારી સામે જુએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2023 09:31 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK