પેટાચૂંટણીમાં પુણેની કસબાપેઠ વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યા બાદ મહાવિકાસ આઘાડીએ મુંબઈ સહિત રાજ્યભરમાં સભાઓ કરવાનું પ્લાનિંગ કર્યું

ગઈ કાલે વિધાનભવનના પરિસરમાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા વિપક્ષના નેતાઓ (તસવીર : સૈયદ સમીર અબેદી)
પુણેની કસબાપેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં બીજેપીના ગઢમાં મોટો વિજય મેળવ્યા બાદ હવે મહાવિકાસ આઘાડીમાં સામેલ એનસીપી, કૉન્ગ્રેસ અને શિવસેનાએ રાજ્યભરમાં એકનાથ શિંદે અને બીજેપીની સરકારને ઘેરવાનો પ્લાન બનાવ્યો છે. મુંબઈમાં ગઈ કાલે આયોજિત કરવામાં આવેલી મહાવિકાસ આઘાડીના નેતાઓની મહત્ત્વની બેઠકમાં ૨ એપ્રિલ, ૧૬ એપ્રિલ, ૧, ૧૪, ૨૮ મે તેમ જ ૩ અને ૧૧ જૂને મુંબઈ સહિત રાજ્યભરના જુદા-જુદા વિસ્તારોમાં મહાવિકાસ આઘાડીના પક્ષો દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક જાહેર સભાની જવાબદારી જુદા-જુદા નેતાઓને સોંપવામાં આવી છે અને જેમની સભા મોટી અને સફળ રહેશે તેને ઇનામ આપવાનો પ્લાન બનાવાયો હોવાનું જાણવા મળ્યું હતું.
વિરોધ પક્ષના નેતા અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે ગઈ કાલે આ વિશે કહ્યું હતું કે ‘મહાવિકાસ આઘાડીનો પ્રચાર આખા રાજ્યમાં થવો જોઈએ. આ માટે દરેક શહેરમાં જોરદાર સભાનું આયોજન કરવાનું પ્લાનિંગ કરાયું છે. બીજી એપ્રિલે છત્રપતિ સંભાજી નગરમાં આયોજિત સભાની જવાબદારી અંબાદાસ દાનવેને સોંપવામાં આવી છે. ૧૬ એપ્રિલે નાગપુરમાં સુનીલ કેદારની આગેવાનીમાં મોટી સભા થશે. પહેલી મેએ મુંબઈમાં આદિત્ય ઠાકરેની આગેવાનીમાં જાહેર સભા થશે. ૧૪ મેએ પુણેમાં આયોજિત સભાની જવાબદારી મને સોંપવામાં આવી છે. ૨૮ મેએ સતેજ પાટીલના નેતૃત્વમાં સભા થશે. ૩ જૂને નાશિકમાં છગન ભુજબળની આગેવાનીમાં સભાનું આયોજન કરાયું છે. ૧૧ જૂને અમરાવતીમાં યશોમતી ઠાકુરના નેતૃત્વમાં સભા થશે. મહાવિકાસ આઘાડીના જુદા-જુદા નેતાઓના નેતૃત્વમાં આયોજિત આ સભામાં સામૂહિક સહયોગ કરવો એ અમારી જવાબદારી છે. રાજ્યભરની સભાઓમાં દરેક સહયોગી પક્ષના પ્રતિનિધિઓ જોવા મળશે. જેમની સભા સૌથી મોટી હશે તેમને ઇનામ આપવામાં આવશે.’
પ્રકાશ સુર્વેએ મૌન તોડ્યું
શીતલ મ્હાત્રે અને માગાઠાણેના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેના વાઇરલ થયેલા વિવાદાસ્પદ વિડિયો વિશે આખરે પ્રકાશ સુર્વેએ મૌન તોડ્યું છે. તેમણે ગઈ કાલે પત્રકારોને સંબોધન કરતો એક પત્ર જાહેર કર્યો હતો. એમાં તેમણે લખ્યું હતું કે ‘હું ૧૮થી ૨૬ ફેબ્રુઆરી સુધી બીમાર હોવાને લીધે હૉસ્પિટલમાં ઍડ્મિટ હતો. અત્યારે મને થ્રૉટ ઇન્ફેક્શનની સાથે ખાંસીની તકલીફ છે એટલે બોલવામાં મુશ્કેલી પડી રહી છે. ગયા શનિવારના કાર્યક્રમ બાદ હું કંઈ બોલતો નથી એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ૧૧ માર્ચે દહિસરમાં પુલનું લોકાર્પણ થયા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મારા મતવિસ્તારમાં જોરદાર રૅલી થઈ હતી. આ સમયે ખૂબ ગિરદી હતી અને મોટો અવાજ થઈ રહ્યો હતો ત્યારે મારી બહેન સમાન શીતલ મ્હાત્રે મને કાર્યક્રમ બાબતે કંઈક કહી રહી હતી એનો વિડિયો મૉર્ફ કરીને વિરોધીઓએ વાઇરલ કર્યો છે. આવો બોગસ વિડિયો વાઇરલ કરીને લોકોનું ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ કરાયો છે. જોકે લોકોનું દિલ જીતવા માટે લોકોની વચ્ચે રહીને કામ કરવું પડે છે, જે અત્યારે આખી સરકાર કરી રહી છે. આ પ્રકરણથી મારું કુટુંબ અને મને ખૂબ માનસિક ત્રાસ થયો છે.’
બે પ્રધાનો ખેડૂતો સાથે ચર્ચા કરશે
હાથમાં લાલ વાવટા સાથે નાશિકથી શરૂ થયેલો ૧૦,૦૦૦ ખેડૂતોનો કિસાન મોરચો ધીમે-ધીમે મુંબઈ તરફ આવી રહ્યો છે. ખેડૂતોની સમસ્યા બાબતે ચર્ચા કરવા માટે સરકાર દ્વારા જગ્યા અને સમયમાં સતત ફેરફાર કરાઈ રહ્યો છે એટલે હવે મોરચામાં સામેલ ખેડૂતોના પ્રતિનિધિઓેએ મુંબઈમાં નહીં પણ મોરચાના સ્થળે જ ચર્ચા કરવાની હઠ પકડી છે. ખેડૂતોની આક્રમકતા જોઈને સરકારે નમતું જોખ્યું છે અને ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે કૃષિપ્રધાન દાદા ભુસે અને અતુલ સાવેને જવાબદારી સોંપવામાં આવશે. આ બંને પ્રધાનો ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.