Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખેડૂતોને નમો મહા સન્માન પેટે ૬,૦૦૦ રૂપિયા આપવાની સાથે એક રૂપિયામાં પાક વીમો અપાશે

ખેડૂતોને નમો મહા સન્માન પેટે ૬,૦૦૦ રૂપિયા આપવાની સાથે એક રૂપિયામાં પાક વીમો અપાશે

31 May, 2023 09:58 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યના પ્રધાનમંડળે કેન્દ્ર સરકારની વડા પ્રધાન ખેડૂત સન્માન જેવી યોજનાની જાહેરાત કરી : ખેડૂતોને કેન્દ્ર અને રાજ્યના મળીને વર્ષે કુલ ૧૨,૦૦૦ રૂપિયા આપવામાં આવશે

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે


મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીની સરકારના પ્રધાનમંડળની ગઈ કાલે બેઠક મળી હતી. આ બેઠકમાં વડા પ્રધાન કિસાન સન્માન યોજનાની જેમ મહારાષ્ટ્ર સરકાર નમો શેતકરી સન્માન યોજના લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. હવે પ્રધાનમંડળે એને મંજૂરી આપી હતી. નમો શેતકરી યોજનાના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વર્ષે ૬,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. તેમને પીએમ કિસાન યોજનામાં ૬,૦૦૦ રૂપિયા મળી રહ્યા છે. આથી વર્ષે ખેડૂતોને હવે ૧૨,૦૦૦ રૂપિયા મળશે. આ સિવાય રાજ્યના ખેડૂતોને માત્ર એક રૂપિયાનું પ્રીમિયમ ભરીને પાક વીમો આપવાની જાહેરાતને પણ મંજૂરી આપવામાં આવી હતી.

રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં કામગાર સુરક્ષા, આરોગ્ય, કામની સ્થિતિ મુજબ નવા કામગાર નિયમો સહિત મહિલાઓને પર્યટન વ્યવસાયમાં પ્રોત્સાહન આપવામાં આવશે તથા રાજ્યમાં ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી ક્ષેત્રને અપડેટ કરવામાં આવશે. આ માટે ૯૫,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણની અપેક્ષા રાખવામાં આવી છે. કપાસના ઉત્પાદનમાં રોકાણ માટે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ લાવવામાં આવશે.



અજિત પવારે નવા સંસદભવન બાબતે મોદીનું સમર્થન કર્યું


એનસીપીના ચીફ શરદ પવાર અને તેમનાં સાંસદ પુત્રી સુપ્રિયા સુળેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરવા સામે વાંધો લીધો હતો અને ટીકા કરી છે ત્યારે રાજ્યના વિરોધ પક્ષના નેતા અજિત પવારે વડા પ્રધાન મોદીના નવા સંસદભવન બાબતના નિર્ણયને આવકાર્યો છે. અજિત પવારે કહ્યું હતું કે ‘નવા સંસદભવનમાં સૌએ તક મળે એ મુજબ સામાન્ય લોકોનાં કામ કરવાં જોઈએ. આ બાબતને રાજકીય દૃષ્ટિથી ન જોવી જોઈએ. જૂની સંસદ બ્રિટિશરોએ બનાવી હતી એ આપણે જાણીએ છીએ. અનેક રાજ્યોએ પોતાની વિધાનસભાની ઇમારત બાંધી છે. જૂની સંસદ બની ત્યારે દેશની વસતિ ૩૫ કરોડ હતી, અત્યારે ૧૩૫ કરોડ થઈ ગઈ છે. લોકપ્રતિનિધિઓની સંખ્યા પણ વધી રહી છે. આથી મને લાગે છે કે નવા સંસદભવનની જરૂર હતી. કોરોનાના સમયમાં રેકૉર્ડ સમયમાં બાંધકામ પૂરું કરાયા બાદ આપણને એક નવું સંસદભવન મળ્યું છે.’

ગપ્પાં મારવા માટે રાજ ઠાકરેને મળ્યો


નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાત્રે ૧૦ વાગ્યે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેની તેમના નિવાસસ્થાન શિવતીર્થમાં જઈને મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે સવા કલાક બેઠક ચાલી હતી. આ મુલાકાતથી રાજકીય ચર્ચા શરૂ થઈ હતી. ગઈ કાલે સવારે આ મુલાકાત બાબતે પૂછવામાં આવતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અરાજકીય ગપ્પાં મારવા માટે શિવતીર્થ પર ગયો હતો. ઘણા દિવસથી અમારા બે વચ્ચે નક્કી થયું હતું કે એક દિવસ ગપ્પાં મારવા માટે બેસીશું એટલે મંગળવારે રાત્રે ડિનર સમયે આવું મુહૂર્ત નીકળ્યું હતું.’
જોકે રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે બે રાજકારણી મળે ત્યારે માત્ર ગપ્પાંગોષ્ઠિ ન થાય. બીએમસીની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેનો સામનો કરવા માટે રાજ ઠાકરે સારો વિકલ્પ બની શકે છે એને ધ્યાનમાં રાખીને વારંવાર બીજેપી અને એકનાથ શિદે જૂથના નેતાઓ રાજ ઠાકરેની મુલાકાત કરી રહ્યા છે. બીએમસીની ચૂંટણી ચોમાસા બાદ હાથ ધરાવાની શક્યતા છે ત્યારે આ બાબતે ચર્ચા કરવા માટે દેવેન્દ્ર ફડણવીસ રાજ ઠાકરેને મળ્યા હશે.

ચાર વર્ષમાં નવ સાંસદ-વિધાનસભ્યનાં મૃત્યુ

રાજ્યમાં કૉન્ગ્રેસના એકમાત્ર સાંસદ બાળુ ધાનોરકરનું ગઈ કાલે માત્ર ૪૭ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. કિડનીની બીમારીથી પીડિત સાંસદને દિલ્હી લઈ જવાયા બાદ સારવાર દરમ્યાન ગઈ કાલે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું. તેમના પિતાનું એક મહિના પહેલાં જ અવસાન થયું હતું. ૨૦૧૯માં યોજવામાં આવેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી બાદનાં ચાર વર્ષમાં આવી રીતે રાજ્યે ૯ સાંસદ-વિધાનસભ્યો ગુમાવ્યા છે. આ અગાઉ એનસીપીના ૬૦ વર્ષના વિધાનસભ્ય ભારત ભાલકે, કૉન્ગ્રેસના ૬૩ વર્ષના વિધાનસભ્ય રાવસાહેબ અંતાપુરકર, કોલ્હાપુરના ૫૭ વર્ષના વિધાનસભ્ય ચંદ્રકાંત જાધવ, અંધેરી (પૂર્વ)ના બાવન વર્ષના વિધાનસભ્ય રમેશ લટકે, પુણેના કસબા પેઠનાં ૫૭ વર્ષનાં વિધાનસભ્ય મુક્તા ટિળક, ચિંચવડના ૬૦ વર્ષના વિધાનસભ્ય લક્ષ્મણ જગતાપ, હિંગોલીના ૪૭ વર્ષના વિધાનસભ્ય રાજીવ સાતવ, પુણેના સાંસદ ગિરીશ બાપટ વગેરેનાં પણ મૃત્યુ થયાં હતાં.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2023 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK