નગરરચના વિભાગે તમામ મહાનગરપાલિકાના કમિશનરોને ૨૦૧૧ની વસતિગણતરી મુજબ પ્રભાગ રચના કરવાનું કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

ફાઇલ તસવીર
રાજ્ય સરકારે મુંબઈ, થાણે, નવી મુંબઈ, મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર સહિત રાજ્યભરની ૨૪ મહાનગરપાલિકાની પ્રભાગ રચના કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. નગરવિકાસ વિભાગે વસતિના આધારે પ્રભાગ રચના કરવાનું દરેક મહાનગરપાલિકાના ક્ષેત્રના કમિશનરોને કહ્યું હોવાથી આવતા વર્ષની શરૂઆતમાં આ તમામ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ શકે છે. નગરરચના વિભાગે તમામ મહાનગરપાલિકાના કમિશનરોને ૨૦૧૧ની વસતિગણતરી મુજબ પ્રભાગ રચના કરવાનું કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રક્રિયા બે મહિનામાં પૂરી કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે મુંબઈ સહિત કેટલીક મહાનગરપાલિકાના પ્રભાગ વધારવા અને ઘટાડવા બાબતે બૉમ્બે હાઈ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આથી અહીં કોર્ટના કેસ સંબંધે રાજ્ય સરકાર કેવું વલણ અપનાવે છે એના પર સૌની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે મુંબઈ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા-ભાઈંદર, વસઈ-વિરાર, ઉલ્હાસનગર અને પુણે સહિત રાજ્યની કુલ ૨૪ મહાનગરપાલિકાની પાંચ વર્ષની મુદત ક્યારનીયે પૂરી થઈ ગઈ છે. અહીં અત્યારે કમિશનરો ઍડ્મિનિસ્ટ્રેટિવ તરીકે કામ સંભાળી રહ્યા છે.
એકનાથ શિંદેની આગેવાનીની સરકારે મુંબઈ સહિત રાજ્યભરની મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવા માટેની તૈયારીઓ આરંભી છે ત્યારે શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પક્ષના કાર્યકરોને કામે લાગવાનું આહવાન ગઈ કાલે કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘જેમની પાસે સત્તા છે તેઓ વૉર્ડની ફેરરચના ભલે કરે. આપણે વિજય મેળવવા માટે મેદાનમાં ઊતરવાનું છે. પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરોએ માત્ર વિજય મેળવવા માટે જ મેદાનમાં ઊતરવાનું છે.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યા બાદ અનેક વિધાનસભ્યો, સંસદસભ્યો અને નગરસેવકો તેમના પક્ષે ગયા છે; પરંતુ તેઓ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના ગઢમાં હજી ગાબડું પાડી શક્યા નથી. આથી એક તરફ આગામી ચૂંટણીમાં એકનાથ શિંદે બીજેપી સાથે મળીને મુંબઈને કબજે કરવાનો ભરપૂર પ્રયાસ કરશે તો બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે પોતાનો ગઢ સાચવવા માટે તમામ તાકાત લગાવી દેશે.

