બેઘરોના પુનર્વસન માટે સરકાર વિશેષ કાયદો અને યોજના બનાવે
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપરનાં રીટા દોશી કહે છે... બેઘરોના પુનર્વસન માટે સરકાર વિશેષ કાયદો અને યોજના બનાવે
ADVERTISEMENT
ઘાટકોપર (વેસ્ટ)માં સાત વર્ષ પહેલાં તેમનું બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયા બાદ સિનિયર સિટિઝન રીટા દોશી બેઘર બની ગયાં છે. તેઓ તેમના મતના બદલામાં બેઘર બની ગયેલા લોકો માટે સરકાર વિશેષ કાયદો અને યોજના બનાવીને તાત્કાલિક સૌને તેમનું ઘર આપે એવું ઇચ્છે છે. રીટા દોશી ‘મિડ-ડે’ને કહે છે, ‘અમારી ઇમારતની દુર્ઘટના સમયે ચીફ મિનિસ્ટર તેમ જ અનેક રાજનેતાઓ અને સામાજિક કાર્યકરો અમને દિલાસો આપવા આવ્યા હતા. એ સમયે તેમણે અમને આશ્વાસન આપતાં કહ્યું હતું કે તેઓ ૧૫ દિવસમાં અમારી ઇમારતનું નવનિર્માણ કરાવવા માટેની ફાઇલ ક્લિયર કરાવી આપશે. જોકે રાત ગઈ, બાત ગઈની જેમ આજ સુધી અમે બેઘર બનીને અલગ-અલગ ઘરોમાં અમારા પૈસે ભાડે રહેવા માટે રઝળ્યા કરીએ છીએ. એનાથી અમે શારીરિક અને માનસિક બન્ને ત્રાસ ભોગવી રહ્યા છીએ. અમે વગર વાંકે આકરી સજા ભોગવી રહ્યા છીએ.’
કાંદિવલીના નિક્ષિત શાહ કહે છે... નવી સરકાર સિનિયર સિટિઝનો માટે યોજનાઓ જાહેર કરે
એક બિનસરકારી સંસ્થા સાથે સક્રિય રીતે સંકળાયેલા કાંદિવલી (વેસ્ટ)ના ૬૪ વર્ષના નિિક્ષત શાહ લોકોને મતદાન કરવા માટે વર્ષોથી પ્રોત્સાહિત કરતા આવ્યા છે. આ ચૂંટણીમાં તેઓ તેમના એક મતના બદલામાં નવી સરકાર સિનિયર સિટિઝનો માટે યોજનાઓ જાહેર કરે અને એનો ગંભીરપણે અમલ થાય એમ ઇચ્છે છે. આ સંદર્ભમાં નિિક્ષત શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘અત્યારે સિનિયર સિટિઝનો માટે સરકાર તરફથી કોઈ યોજનાઓ નથી. નવી સરકારે આ મુદ્દે પહેલ કરીને સિનિયર સિટિઝનોને સામાજિક સુરક્ષા, પેન્શન અને રાહત મળે એવી યોજનાઓ કરવી જોઈએ. આ સિવાય સિનિયર સિટિઝનના લાભ માટે આપવામાં આવતા દાનને બીજી અનેક કૅટેગરીના દાનમાં આપવામાં આવે છે એ રીતે ઇન્કમ-ટૅક્સ ઍક્ટમાં ૧૦૦ ટકા છૂટ આપવી જોઈએ. આની સાથે સરકારે આપણાં ટ્રસ્ટોની પ્રોસેસને સ્ટ્રીમલાઇન કરવાની જરૂર છે. ટ્રસ્ટ માટેના અત્યારના કાયદા જૂના અને કૉમ્પ્લિકેટેડ છે જેમાં સુધારા કરવાની જરૂર છે તેમ જ ઑનલાઇન રિટર્ન્સ ફાઇલ કરવાની સિસ્ટમ સુધારવાની જરૂર છે.’