ફ્રૉડ થયા બાદ ડૉક્ટરને હવે પેશન્ટના ફોન લેવામાં પણ ડર લાગી રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર
કાંદિવલીમાં રહેતા અને નાલાસોપારામાં પ્રૅક્ટિસ કરતા એક ગુજરાતી ડૉક્ટર સાથે ફોન પર વાત કરતાં-કરતાં સાડાઆઠ લાખ રૂપિયા બૅન્કમાંથી પડાવીને સાઇબર-ફ્રૉડ કરવામાં આવ્યો છે. જોકે આ ફ્રૉડ બાદ ડૉક્ટરને હવે પેશન્ટના ફોન લેવામાં પણ ડર લાગી રહ્યો છે. આ મામલે તુળીંજ પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિરારમાં રહેતા એક જાણીતા ડૉક્ટર સાથે પણ તાજેતરમાં એક કરોડ રૂપિયાનો સાઇબર-ફ્રૉડ થયો હતો.
કાંદિવલીમાં રહેતા ૬૪ વર્ષના આ ફરિયાદી ડૉક્ટરનું નાલાસોપારામાં ક્લિનિક છે અને છેલ્લાં ૩૫ વર્ષથી તેઓ પ્રૅક્ટિસ કરે છે. જોકે ઇલેક્ટ્રિક બિલના નામે તેમની સાથે સાઇબર ફ્રૉડ થયો હતો. ફોન ચાલુ હતો અને પેશન્ટ પણ બેઠા હોવાથી ફ્રૉડ કરનારે તેમનાં બે બૅન્ક-અકાઉન્ટમાંથી ૮ લાખ ૪૮ હજાર ૨૨૦ રૂપિયા ઉપાડી લીધા હતા. આ કેસમાં ફરિયાદીએ તુળીંજ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે અજાણ્યા સાઇબર-ફ્રૉડ સામે છેતરપિંડી અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
કેવી રીતે ફ્રૉડ થયો એ સમજાતું નથી
પોતાની સાથે થયેલા સાઇબર-ફ્રૉડ વિશે માહિતી આપતાં આ ગુજરાતી ડૉક્ટરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઇલેક્ટ્રિક બિલ ભર્યું ન હોવાનો મને મેસેજ આવ્યો. ત્યાર બાદ ફોન આવતાં મારી ફ્રૉડ કરનાર સાથે વાત થઈ અને તેણે મને વાતોમાં વ્યસ્ત રાખીને પહેલાં ક્રેડિટ કાર્ડથી ૨૦ રૂપિયા આપવાનું કહ્યું. ત્યાર બાદ તે બિલ ભરાયું છે કે નહીં એ સર્ચ કરવાનો હતો. એ દરમ્યાન ફોન ચાલુ હતો અને તેણે મને મોબાઇલમાં ક્વિક એક્સેસ ઍપ ડાઉનલોડ કરવાનું કહ્યું. પેશન્ટ ઊભા હતા એટલે ઉતાવળમાં મેં તેની વાત સાંભળીને ઍપ ડાઉનલોડ કરી. ત્યાર બાદ મારા મોબાઇલમાં ઓટીપી આવ્યા, પરંતુ ક્લિનિકમાં પેશન્ટ હોવાથી અને વારંવાર કોઈ ને કોઈ આવતું હોવાથી એ સંદર્ભે મારાથી ખાસ ધ્યાન અપાયું નહીં, પરંતુ અમુક પૈસા કપાયા હોવાનું મને જણાયું હતું. સાઇબર-ફ્રૉડે મારો મોબાઇલ ફોન હૅક કરીને એની બધી માહિતી અને બૅન્કની વિગતો મેળવી લીધી હતી. થોડા વખતમાં મારા ઓળખીતા આવતાં મેં તેને ફોન આપ્યો અને કહ્યું કે તું વાત કરી લે, હું જરા વ્યસ્ત છું. એટલે ફ્રૉડ કરનારે તેને પણ કહ્યું કે અંકલની રકમ પાછી મેળવવા માટે ‘ઍની ડેસ્ક’ ઍપ ડાઉનલોડ કરો, પરંતુ મારા ઓળખીતાએ તેને ડરાવ્યો કે હું પણ આઇટી એક્સપર્ટ છું એટલે ફોન મૂકી દે. ત્યાર બાદ હું બૅન્કમાં ગયો ત્યારે સ્ટેટમેન્ટ પરથી જણાયું કે તેણે મારાં બે અકાઉન્ટમાંથી સાડાઆઠ લાખ રૂપિયા પડાવી લીધા છે એટલે મેં પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે પણ રકમ મોટી હોવાથી ફરિયાદ નોંધી છે. આ બધું કઈ રીતે થઈ ગયું એ મને હજી સમજાતું નથી.’
પોલીસ શું કહે છે?
આ વિશે તુળીંજના પોલીસ અધિકારી સુધીર ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ વિશે મળેલી ફરિયાદના આધારે અમે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.