આરોપી સામે આ પહેલાં પણ અનેક ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે

પ્રતીકાત્મક તસવીર
ચેઇનચોરીની મોટા ભાગની ઘટનાઓમાં શિકાર થતી મહિલાઓ એકાએક ડરી જતી હોય છે એને કારણે ચોર આસાનીથી નાસી જતો હોય છે. જોકે કાંદિવલીમાં દેરાસરમાં જઈને ઘરે પાછાં ફરી રહેલાં ૫૫ વર્ષનાં મહિલાની ચેઇન ખેંચીને નાસી જવાનો પ્રયાસ કરનાર ચોરની પાછળ મહિલા આશરે ૭૦૦ મીટર સુધી દોડ્યાં હતાં અને ચોરને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. આરોપી સામે આ પહેલાં પણ અનેક ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
કાંદિવલી-વેસ્ટની શંકર ગલીમાં આવેલી એક સોસાયટીમાં રહેતાં ૫૫ વર્ષનાં શિલ્પા શરદ શેઠે કરેલી ફરિયાદ અનુસાર મંગળવારે સવારે આઠ વાગ્યે તે શંકર ગલીમાં આવેલા દેરાસરમાં જઈને ઘરે ચાલતાં-ચાલતાં પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે મહાવીરનગર સોસાયટી નજીક એક યુવક સામેથી ચાલીને આવ્યો હતો. તેણે શિલ્પાબહેનના ગળામાં હાથ નાખીને તેમણે પહેરેલી ચેઇન ખેંચીને ત્યાંથી નાસવાનો પ્રયાસ કર્યો હતો. યુવકે ચેઇન ખેંચી ત્યારે શિલ્પાબહેન જમીન પર પડી ગયાં હતાં. જોકે પછી તરત ઊભા થઈને જે દિશામાં ચોર ભાગ્યો હતો ત્યાં તેની પાછળ ચોર... ચોર... કરીને દોડ્યાં હતાં. આશરે ૭૦૦ મીટર દોડ્યા પછી નજીકની એક હોટેલ પાસે અન્ય લોકોની મદદથી ચેઇન ખેંચીને નાસી ગયેલા ચોરને પકડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો.
કાંદિવલી પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાએ આ ઘટના બની ત્યારે જબરી હિંમત બતાવી હતી અને ચોરની પાછળ ચોર... ચોર...ની બૂમો મારતાં દોડ્યાં હતાં એટલે બીજા લોકોએ તેમનો અવાજ સાંભળ્યો હતો અને ચોરને પકડ્યો હતો. ૨૫ વર્ષના આરોપી અર્જુન સુરેન્દ્ર ગુપ્તાની અમે ધરપકડ કરી છે. આરોપી મલાડમાં રહેતો હોવાની માહિતી અમને મળી છે. તેના પર અગાઉ પણ ગુના નોંધાયા હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ છે.’