કાંદિવલીમાં એસ. વી. રોડ પર શંકર ગલી જંક્શન પાસે આવેલા રેનૉના શોરૂમની પાછળ નિકુંજ બિલ્ડિંગમાં રહેતી ૩૨ વર્ષની કોમલ જનક દોશીએ ગુરુવારે બપોરે ૧૨-૧૨.૩૦ વાગ્યાની આસપાસ તેની એક વર્ષની દીકરી ઝિયા સાથે છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું.

પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ કાંદિવલીમાં એસ. વી. રોડ પર શંકર ગલી જંક્શન પાસે આવેલા રેનૉના શોરૂમની પાછળ નિકુંજ બિલ્ડિંગમાં રહેતી ૩૨ વર્ષની કોમલ જનક દોશીએ ગુરુવારે બપોરે ૧૨-૧૨.૩૦ વાગ્યાની આસપાસ તેની એક વર્ષની દીકરી ઝિયા સાથે છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટનાની જાણ થતાં કાંદિવલીમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. તેણે શા કારણે આ પગલું ભર્યું એની અત્યારે જાણ થઈ શકી નથી. એમબીએ ભણેલી કોમલને સાસરિયાં સાથે ફાવતું નહોતું, પતિ સાથે ખટરાગ હતો કે પછી આર્થિક કે કોઈ અન્ય એવું કારણ હતું જેનાથી તેણે આવું પગલું લેવું પડ્યું એની ચર્ચાએ જોર પકડ્યું છે.
મૂળ વલ્લભીપુરના ઘોઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિનાં અમિતાબહેન અને કેતન દોશીની પુત્રવધૂ કોમલ શાહે એવી કઈ મુશ્કેલીના કારણે આવું અંતિમ પગલું લીધું એની ચર્ચા કાંદિવલીના જૈન સમાજમાં ચર્ચાઈ રહી છે. એક વર્ષની ફૂલ જેવી નાજુક દીકરી સાથે છઠ્ઠા માળેથી ઝંપલાવી દેનાર કોમલે કઈ પરિસ્થિતિમાં એવો નિર્ણય લીધો હશે એના પર અનેક અટકળો થઈ રહી છે. કોમલનાં કાંદિવલીમાં જ રહેતાં માતા–પિતા સરોજબહેન અને અનંતરાય પારેખનો સંપર્ક થઈ શક્યો નહોતો.
સુસાઇડની આ ઘટના બાબતે માહિતી આપતાં કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ વિશ્વાસરાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુસાઇડની આ ઘટના ગુરુવારે બપોરે ૧૨-૧૨.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. અમને આ બાબતે જાણ કરવામાં આવતાં અમારા ઑફિસર અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બન્ને મૃતદેહનો તાબો લઈને એમનું પોસ્ટમૉર્ટમ કરાવ્યું હતું. મરનાર પાસેથી કોઈ સુસાઇડ નોટ નથી મળી આવી, પણ તેણે તેની દીકરી સાથે ઝંપલાવ્યું હોવાથી એ સુસાઇડ હોવાનું જણાઈ આવ્યું છે. અમને તેના પતિ કે પછી મરનાર કોમલનાં માતા-પિતા કે કોઈના તરફથી કોઈના પર શંકા હોવાનું કે એવું કંઈ જણાવાયું નથી. એથી હાલ અમે અકસ્માત મૃત્યુની નોંધ કરીને કાર્યવાહી કરી છે.’