મધ્ય રેલવેમાં AC લોકલના પ્રવાસીઓને પારાવાર સમસ્યાઓ ઃ અનાઉન્સમેન્ટનાં ઠેકાણાં નથી હોતાં અને ગમે ત્યારે પ્લૅટફૉર્મ બદલી દેવામાં આવે છે એવી ફરિયાદ
એસી લોકલની પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સેન્ટ્રલ રેલવેમાં ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ પ્લૅટફૉર્મ પર આવે ત્યારે કરવામાં આવતી અનાઉન્સમેન્ટ બરાબર સંભળાતી નથી અને જાણે બબડાટ થતો હોય એવું લાગે છે એટલે પ્રવાસીઓમાં ઘણો ગૂંચવાડો ઊભો થાય છે. વળી છેલ્લી મિનિટે ટ્રેનનું પ્લૅટફૉર્મ પણ બદલવામાં આવતાં પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પ્રવાસીઓએ અનાઉન્સમેન્ટ બરાબર થાય અને AC લોકલના પ્લૅટફૉર્મમાં છેલ્લી ઘડીએ ફેરફાર ન થાય એવી માગણી કરી છે.
વેસ્ટર્ન રેલવેમાં AC લોકલની અનાઉન્સમેન્ટ બરાબર થાય છે એમ જણાવીને રેલવે-પ્રવાસી રવિકાંત કદમે કહ્યું હતું કે ‘હું દાદર સ્ટેશને ટ્રેન બદલતો હોઉં છું. વેસ્ટર્ન રેલવેમાં AC લોકલની અનાઉન્સમેન્ટ બરાબર હોય છે, પણ જેવા સેન્ટ્રલ રેલવેમાં આવીએ એટલે મુશ્કેલી શરૂ થઈ જાય છે. આથી પ્રવાસીઓને તકલીફ પડે છે.’
શું AC લોકલની અનાઉન્સમેન્ટમાં ગરબડ છે એ રેલવેના ઉચ્ચ અધિકારીઓને ખબર નથી? એવો સવાલ પૂછીને ઘાટકોપરની પ્રવાસી અંજલિ શાહે કહ્યું હતું કે ‘સેન્ટ્રલ રેલવેને પ્રવાસીઓની કંઈ જ પડી નથી. આ અનાઉન્સમેન્ટ શરૂ કરવા પહેલાં યોગ્ય ચકાસણી કરાઈ હતી કે નહીં એવો પ્રશ્ન થાય છે. સેન્ટ્રલ રેલવેમાં AC લોકલ પ્લૅટફૉર્મ પર આવવાની હોય ત્યારે સ્ટેશન પર ત્રણ ભાષામાં અનાઉન્સમેન્ટ થતી હોય છે, પણ એમાં AC લોકલને બદલે સ્પેશ્યલ ટ્રેન એવું બોલવામાં આવે છે. આનાથી ગૂંચવાડો થાય છે અને પ્રવાસીઓ સમજી શકતા નથી. વેસ્ટર્ન રેલવેમાં સ્પષ્ટ રીતે AC લોકલ આવી રહી છે એમ બોલવામાં આવે છે.’
ADVERTISEMENT
AC લોકલ ટ્રેનો વિશે રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે ‘અનાઉન્સમેન્ટના મુદ્દે જે ખામી છે એને દૂર કરવામાં આવશે. આ ટ્રેનોમાં શેડ્યુલ અનુસાર ટિકિટ-ચેકિંગ નિયમિત અંતરે કરવામાં આવે છે.’