આઇઆઇટી - મુંબઈના ૧૯૯૮ના બૅચના વિદ્યાર્થીઓએ તેમના હાલમાં થયેલા સિલ્વર જ્યુબિલી રીયુનિયનમાં આઇઆઇટીને ૫૭ કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું
આઇઆઇટી - મુંબઈ
મુંબઈ : દેશની માતબર શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન પામતી આઇઆઇટી - મુંબઈના ૧૯૯૮ના બૅચના વિદ્યાર્થીઓએ તેમના હાલમાં થયેલા સિલ્વર જ્યુબિલી રીયુનિયનમાં આઇઆઇટીને ૫૭ કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. આમ કરીને તેમણે અત્યાર સુધીમાં સૌથી વધુ ડોનેશનની રકમ આપનાર બૅચ તરીકેનું મોખરાનું સ્થાન મેળવી લીધું છે. આ પહેલાં ૧૯૭૧ના બૅચના વિદ્યાર્થીઓએ તેમના ગોલ્ડન જ્યુબિલી ફંક્શનમાં ૪૧ કરોડ રૂપિયાની રકમ આઇઆઇટીને ડોનેશન તરીકે આપી હતી.
આઇઆઇટીમાં અભ્યાસ કરીને વિશ્વકક્ષાએ આગળ વધેલા આ બૅચના અનેક સ્ટુડન્ટ્સ હાલ વિદેશોમાં મલ્ટિનૅશનલ કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર છે. ૫૭ કરોડ રૂપિયાના એ ડોનેશનમાં ૨૦૦ કરતાં વધુ સ્ટુડન્ટ્સે તેમનો ફાળો નોંધાવ્યો હતો. આઇઆઇટી - મુંબઈના ડિરેક્ટર સુભાશિષ ચૌધરીએ કહ્યું હતું કે ‘૧૯૯૮ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા આ ડોનેશનને કારણે આઇઆઇટી વધુ વિકાસ કરી શકશે અને શ્રેષ્ઠતમ સુવિધાઓ આપી શકશે. અમે સાથે મળીને એવું ભવિષ્ય તૈયાર કરવા માગીએ છીએ જેથી આઇઆઇટી - મુંબઈ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની એક બની શકે.’


