મહિના સુધી દાઢી, વાળ તથા મૂછ ન ઊગ્યાં અને પર્દાફાશ થયો મર્ડરકેસનો : જો બૉમ્બે હૉસ્પિટલના ડૉક્ટરોનું ધ્યાન આ અસાધારણ લક્ષણ તરફ ન ગયું હોત તો કદાચ કમલકાંત શાહને સ્લો પૉઇઝન આપીને મારી નાખવામાં આવ્યા છે એ વાતનો ખુલાસો હજીયે ન થયો હોત

કમલકાંત શાહની તેમની બહેનો સાથેની ફાઇલ તસવીર
સાંતાક્રુઝના કાપડના વેપારીની હત્યાના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે તેમની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. જોકે આ કેસ પોલીસને લીધે નહીં પણ ડૉક્ટરની સમયસૂચકતાને લીધે ઉકેલી શકાયો હતો. કમલકાંત શાહને પેટમાં દુખાવો થતાં બૉમ્બે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના દાઢી-મૂછના વાળમાં કોઈ પ્રકારનો વધારો થયો ન હોવાનું તેમની સારવાર કરતા ડૉક્ટરોએ નોંધ્યું હતું એથી તેમની મેટલ બ્લડ-ટેસ્ટ કરાવી હતી, જેમાં આર્સેનિક અને થેલિયમનું પ્રમાણ ભયજનક રીતે વધુ જોવા મળ્યું હતું.
બૉમ્બે હૉસ્પિટલના ડૉક્ટરોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ વાત બહુ મોડી ખબર પડી એને કારણે કમલકાંતને બચાવી શકાયા નહોતા. બૉમ્બે હૉસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે `કમલકાંતની મેટલ બ્લડ ટેસ્ટ કરાવવાની સચૂના આપી હતી, જેમાં આર્સેનિક અને થેલિયમ કેમિકલ ૩૫૦ ટકા વધુ હતાં. પરિણામે ડૉક્ટરે તરત આઝાદ મેદાન પોલીસને આ મામલાની જાણ કરી હતી. ડૉક્ટરે કહ્યું હતું કે ‘અમે ઘણી સારવાર કરી, પરંતુ પેટમાં દુખાવાનું કારણ જાણી શકાયું નહોતું. પછી મને સમજાયું કે કમલકાંતને દાખલ કરાયા ત્યારે ક્લીન શેવ હતી. એક અંદાજ પ્રમાણે એક મહિનો થયો હોવા છતાં તેમના માથાના વાળ, મૂછ કે દાઢીના વાળમાં વધારો થયો નહોતો. ઘણી વખત દરદીઓ આયુર્વેદિક સારવાર કરાવતા હોય છે, પરંતુ કમલકાંતે કોઈ આયુર્વેદિક સારવાર લીધી નહોતી. ત્યાર બાદ અમે મેટલ બ્લડ ટેસ્ટ કરાવવાની સલાહ આપી. એનો રિપોર્ટ પાંચ-છ દિવસ બાદ આવ્યો હતો. એને કારણે પણ સારવારમાં વિલંબ થયો હતો. અમે તેમને બચાવી શક્યા નહીં. અમને ખબર જ નહોતી પડી કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું.’
કવિતા શાહ, તેનો પ્રેમી હિતેશ જૈન અને સરલાબહેન
ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે કમલકાંત અને તેમની પત્ની કવિતા વચ્ચે બે વર્ષથી ઝઘડા ચાલતા હતા. એક વખત તો કવિતા ઘર છોડીને જતી રહી હતી. ૨૦૨૨ના મે મહિનામાં તે પોતે જ ઘરે પાછી આવી હતી. ૨૭ જુલાઈએ કમલકાંતનાં મમ્મી સરલાબહેનના પેટમાં દુખાવો ઊપડતાં ઇલાજ માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જ્યાં તેમનું ૧૩ ઑગસ્ટે મૃત્યુ થયું હતું.
કમલકાંત ૨૪ ઑગસ્ટે ભિવંડીની હૉસ્પિટલમાં હતા ત્યારે અચાનક પેટમાં દુખાવો શરૂ થયો હતો અને તેમનું ૧૯ સપ્ટેમ્બરે મોત થયું હતું. બન્નેનાં મોતના કારણમાં સમાનતા લાગતાં કમલકાંતની બહેન કવિતા લાલવાણીએ આ બાબતે તપાસ કરાવવાનું નક્કી કર્યું, પરંતુ કમલકાંતની પત્ની કવિતાએ એમાં રસ ન દેખાડતાં શંકા વધવા માંડી હતી. વળી કવિતાની આરોપી હિતેશ જૈન સાથેની મિત્રતાને કારણે પણ શંકા વધતી જતી હતી.
ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ઘરમાં ખાવાનું તો કુક જ બનાવતો હતો, પરંતુ ઉકાળો પત્ની કવિતા જ બનાવતી હતી. કવિતાએ તેના પ્રેમી હિતેશ જૈન પાસેથી કેમિકલ પાઉડર લઈને એનો ઉપયોગ સ્લો-પૉઇઝન તરીકે કમલકાંતને મારવા માટે કર્યો હોવો જોઈએ. હાલમાં બન્ને આરોપીઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યાં. પોલીસ સરલાદેવીનું મૃત્યુ કઈ રીતે થયું એની તપાસ કરી રહી છે. તેમને પણ આ જ પદ્ધતિથી મારવામાં આવ્યાં હોવાની આશંકા પોલીસને છે.’