પોતાનાથી ઍક્સિડન્ટ થયા પછી મન હલકું કરવા મિત્રને આ ઘટના કહેતાં એનો લાભ લઈને તેણે પહેલાં ૪૮ લાખ રૂપિયા પડાવ્યા અને પછી તે માણસ મૃત્યુ પામ્યો છે એમ કહીને પાંચ કરોડ રૂપિયાની માગણી કરી

પ્રતીકાત્મક તસવીર
કાશીમીરા પોલીસ દ્વારા બાળપણના મિત્ર પાસેથી અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિનું મૃત્યુ થયું છે એવું કહીને આ કેસને ઉકેલવા માટે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગણી કરનાર મિત્રની ધરપકડ કરવામાં આવી છે. પીડિત મિત્રએ ઑનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હોવાથી પોલીસ એની રિકવરી કરી રહી છે.
કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ કદમે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સત્યપ્રકાશ આર્ય તેના પરિવાર સાથે જૂનાગઢમાં દેવદર્શન કરવા ગયો હતો. એ વખતે તેની કાર એક બાઇક સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો. એ વખતે સત્યપ્રકાશ આર્યએ જોયું કે બાઇક ચલાવનાર ઊભો થઈને ચાલ્યો ગયો હતો. જૂનાગઢથી પાછા ફર્યા બાદ આ ઘટના તેણે તેના બાળપણના મિત્ર પ્રશાંત સવનેકરને જણાવી હતી. તેને એ વાતની ચિંતા હોવાનું પ્રશાંતને સમજાયું હતુ. એનો લાભ લઈને બાળપણનો મિત્ર હોવા છતાં થોડા દિવસ બાદ પ્રશાંત સવનેકરે સત્યપ્રકાશને ફોન કર્યો હતો અને તે બાઇકચાલકની તબિયત ખરાબ છે અને તે જૂનાગઢમાં હૉસ્પિટલમાં દાખલ હોવાનું જણાવ્યું હતું. હું કોઈ રીતે પરિસ્થિતિને સંભાળું છું એવી બધી વાતો કરીને તેણે કેસ પતાવવા માટે ૪૮ લાખ રૂપિયા માગ્યા હોવાથી ગભરાઈને તેણે આપી પણ દીધા હતા. બાળપણનો મિત્ર બચાવી રહ્યો છે એટલે તેણે મિત્ર પર આંધળો વિશ્વાસ કર્યો હતો. ત્યાર પછી ફરી તેણે થોડા વખત બાદ સત્યપ્રકાશને ફોન કરીને બાઇકસવારનું મોત થઈ ગયું હોવાનું કહીને પાંચ કરોડ રૂપિયાની માગણી કરી હતી. એથી સત્યપ્રકાશ આર્યએ શંકા જતાં ના પાડી હતી તેમ જ કાશીમીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસની ટીમે ટેક્નિકલ તપાસ હાથ ધરીને માહિતીના આધારે નાંદેડમાંથી પ્રશાંત સવનેકરની ધરપકડ કરી હતી. સત્યપ્રકાશે આરોપીને ઑનલાઇન આરટીજીએસ કરીને પૈસા મોકલ્યા હતા. પોલીસે પૈસાની રિકવરી પણ કરી રહી છે.’