રિસૉર્ટના ઉપયોગ માટે ભાડા પર લેવામાં આવેલી આઠ કાર સાથે આરોપી ફરાર થઈ ગયો
Crime News
લોકેશ શાહની આ કાર ભાડા પર આપવામાં આવી હતી
ભાઈંદરના એક ગુજરાતી વેપારી પાસેથી ભાડા પર આઠ કાર લઈને રિસૉર્ટનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણમાં વેપારી સાથે દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાથી ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
ભાઈંદર-વેસ્ટમાં ડી માર્ટ પાસે રહેતા ૩૧ વર્ષના લોકેશ શાહ કાર ભાડે આપવાનો વ્યવસાય કરે છે. તેમની પાસે પોતાના નામે વિવિધ કંપનીઓની કુલ ૧૯ કાર છે. કર્જતસ્થિત જોસેફ પરેરાએ ૧૯ જુલાઈએ ૧૫ દિવસ માટે સોલોમ રિસૉર્ટમાં ગ્રાહકોને લાવવા અને લઈ જવા માટે લોકેશ શાહ પાસેથી આઠ કાર ભાડે રાખી હતી. આ કારની કુલ કિંમત ૧,૩૮,૫૦,૦૦૦ રૂપિયા છે. જોસેફ પરેરાએ આ કાર ચલાવવા માટે ડ્રાઇવરો પણ રાખ્યા હતા. શરૂઆતમાં સાંતાક્રુઝમાં રહેતા જોસેફ પરેરાએ સમયસર લોકેશને પાંચ લાખ રૂપિયા ભાડું ચૂકવી દીધું હતું, પરંતુ એ પછી તેણે ભાડું ચૂકવવામાં ટાળાટાળ કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે લોકેશની અવગણના કરવા લાગ્યો હતો. ભાડું ન ચૂકવવાને કારણે લોકેશ શાહ કર્જતના રિસૉર્ટમાં ગયા હતા, પરંતુ ત્યાં પહોંચતાં જ રિસૉર્ટ બંધ જોવા મળ્યો અને જોસેફનો ફોન પણ સ્વિચ્ડ-ઑફ આવતો હતો. અંતે અનેક પ્રયાસ બાદ જોસેફની કોઈ ભાળ ન મળતાં લોકેશ શાહે ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ભાઈંદર પોલીસે સોલોમ રિસૉર્ટના માલિક જોસેફ પરેરા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
ભાઈંદરમાં રહેતા લોકેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિરારમાં રહેતા અબ્દુલે તેની ઓળખાણમાં રહેલા ૨૩ વર્ષના જોસેફ સાથે ડીલ કરી હતી. મારો ભાઈ ૨૦ વર્ષથી અને હું છેલ્લાં છ વર્ષથી આ કામકાજ કરીએ છીએ. તેનો અને તેના પરિવારનો રિસૉર્ટ ઘણો મોટો છે અને બાજુમાં બંગલો પણ છે. તેણે મને કહ્યું કે અમારા રિસૉર્ટમાં મહેમાનો આવતા-જતા હોવાથી કારની જરૂર છે અને ૧૫ દિવસ માટે જ કાર જોઈતી છે, પરંતુ ૧૫ દિવસથી વધુ સમય વીતી જતાં અને ઘણા પ્રયાસ બાદ પણ જોસેફનો ફોન બંધ આવતો હતો અને કોઈ રિસ્પૉન્સ ન મળતાં અંતે મેં ૨૦ સપ્ટેમ્બરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મારી ઑડી કંપનીની કાર શિમોન નામનો તેનો ઓળખીતો લઈ ગયો હતો. ત્યાર બાદ જોસેફ મારી પાસેથી ઇનોવા, ફૉર્ચ્યુનર, અર્ટિકા એમ આઠ કાર લઈ ગયો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ કારને શિમોન નામના માણસે ગિરવી મૂકી છે. એમાંથી અમુક કાર ટ્રેસ થઈ છે અને એક કાર પુણેમાં હોવાનું જણાયું છે. પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી છે.’