સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
માયરા જૈન ૬-૭ ટકા દાઝી ગઈ હતી
પરિવાર સાથે સહારમાં આવેલી ફાઇવસ્ટાર હોટેલ જે. ડબ્લ્યુ. મૅરિયટમાં બુફે કરવા માટે સાત વર્ષની માયરા જૈન ગઈ હતી. ત્યાં એક વેઇટર દ્વારા તેના હાથ પર આકસ્મિક રીતે ગરમ ચા ઢોળાઈ હતી, જેના કારણે ડૉક્ટરના કહેવા મુજબ તે સાતથી આઠ ટકા દાઝી ગઈ હતી. સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. માયરાના દાદા વિલાસચંદ્ર પોરાવારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ ઘટના માટે હોટેલ જ જવાબદાર છે. આ ઘટના કઈ રીતે બની એ જાણવા અમે હોટેલના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરવાની માગણી કરી હતી, પરંતુ હોટેલના સ્ટાફે અમને એ બતાવવાની ના પાડી હતી. વેઇટરે મારી પૌત્રી માયરાને આ ઘટના વિશે કોઈને ન કહેવા જણાવ્યું હતું. હોટેલે માયરાને હૉસ્પિટલમાં લઈ જવા જે કૅબ બુક કરી હતી એનો ચાર્જ પણ ઉમેરી દીધો હતો. હોટેલ ઑથોરિટીએ આ ઘટનાની માફી માગી નથી.’
સહાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય ગોવિલકરે જણાવ્યું હતું કે ‘અમે જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલની વેઇટર મોનાલિસા બાસુમતી વિરુદ્ધ આઇસીપીની કલમ ૩૭૭ હેઠળ એફઆઇઆર નોંધ્યો છે અને તેને નોટિસ મોકલી છે. આ ઘટનાનું કારણ તપાસવા અમે હોટેલ ઑથોરિટી પાસે કૅમેરાનાં ફુટેજ માગ્યાં છે.’