ગઈ કાલે રાતે નેવીનાં ચૉપરને શોધકાર્ય માટે લગાવવામાં આવ્યાં હતાં
ગઈ કાલે રાત્રે જુહુ બીચ પર ફાયરબ્રિગેડના જવાનો સાથે સર્ચ ઑપરેશનમાં લાગેલા લાઇફગાર્ડ્સ (તસવીર : સતેજ શિંદે)
એક બાજુ બિપરજૉય વાવાઝોડાની અસર અને બીજી બાજુ બફારાને કારણે થતી ગરમીને કારણે સાંતાક્રુઝ-ઈસ્ટના વાકોલાના દત્ત મંદિર રોડ પર રહેતા ૧૫ અને ૧૬ વર્ષની વયના કિશોરોનું ગ્રુપ જુહુ બીચ ગયું હતું. બીચથી એક કિલોમીટરના અંતરે માછીમારીની જેટી પર તેઓ બેઠા હતા ત્યારે પાણીનો ફોર્સ ઘણો હતો એટલે તેઓ દરિયામાં અંદર ખેંચાવા માંડ્યા હતા. તેમણે બૂમાબૂમ કરવા માંડતાં સ્થાનિક માછીમારો તેમને બચાવવા દોડ્યા હતા. એક કિશોરને બચાવી લેવાયો હતો, જ્યારે અન્ય ચાર કિશોરો તણાઈ ગયા હતા. તરત જ આ બાબતે ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ગઈ કાલે રાતે નેવીનાં ચૉપરને શોધકાર્ય માટે લગાવવામાં આવ્યાં હતાં.
ફાયર બ્રિગેડના ઑફિસર સચિન તળેકરે ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘સાંતાક્રુઝના વાકોલાના છોકરાઓનું આ ગ્રુપ સાંજે પાંચ વાગ્યે જુહુ આવ્યું હતું. તેઓ માછીમારોની જેટી પાસે બેઠા હતા. ત્રણ છોકરાઓ ધર્મેશ નીતેશ (ઉં.વ.૧૬), કૌશલ તાજપરિયા (ઉં.વ.૧૫) અને અંકિત ભુજિયા (ઉં.વ.૧૬) પાણીમાં ઊતર્યા નહોતા; જ્યારે પાંચ છોકરાઓ દીપેશ કરન (ઉં.વ.૧૬), ધર્મેશ વલજીત ભપજિયાવ (ઉં.વ.૧૫), મનીષ યોગેશ ભોગનિયા (ઉં.વ.૧૫), શુભમ યોગેશ ભોગનિયા (ઉં.વ.૧૬), જય રોશન તાજભરિયા (ઉં.વ. ૧૬) પાણીમાં ઊતર્યા હતા. જોકે પાણીમાં પ્રચંડ કરન્ટ હોવાથી તે પાંચે જણ દરિયામા તણાવા માંડ્યા હતા. એ જોઈને ગભરાઈ ગયેલા, પાણીમાં ન ઊતરેલા ત્રણમાંથી બે કિશોરો નાસી ગયા, જ્યારે બચી ગયેલા એક કિશોરે નજીકમાં રહેતા માછીમારોને કહ્યું કે તેના મિત્રો દરિયામાં ડૂબી રહ્યા છે, મદદ કરો. એથી માછીમારો દોડ્યા હતા. તેમણે ભારે જહેમત કરી દીપેશ કરનને બચાવી લીધો હતો, જ્યારે બીજા ચાર જણ ધર્મેશ, મનીષ, શુભમ અને જયનો પત્તો નહોતો લાગ્યો. તેમને શોધવાના પ્રયાસ ચાલુ જ રખાયા હતા. એ પછી અમને ફાયર-બ્રિગેડને પણ જાણ કરાઈ હતી. તણાઈ ગયેલા ચાર કિશોરોની શોધ લેવા બે ટીમ બનાવવામાં આવી હતી અને સાથે જ નેવી અને કોસ્ટગાર્ડને પણ મદદ કરવા આહ્વાન કરાયું હતું. ફાયર-બ્રિગેડની ટીમે સ્થાનિક માછીમારોની મદદ સાથે મોડી રાતે પણ શોધકાર્ય ચાલુ રાખ્યું હતું.’
આ બાબતની જાણ જ્યારે કિશોરોના ઘરે થઈ ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો અને પરિવારજનોએ જુહુ બીચ પર દોટ મૂકી હતી. એકસાથે ચાર કિશોરો દરિયામાં ગુમ થઈ જતાં વાકોલામાં શોકનું વાતાવરણ થઈ ગયું હતું.


