પોલીસનું માનવું છે કે આ ચોરી કોઈ જાણભેદુએ કરી હોવાની પૂરેપૂરી શક્યતા છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કાંદિવલીમાં રહેતા અને પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરતા ૫૭ વર્ષના રાજેન્દ્ર ચૌહાણ શુક્રવારે સાંજે ભારતીય જનતા પાર્ટી (BJP)ની રૅલીમાં પ્રચાર કરવા ગયા ત્યારે તેમના બંધ ઘરમાંથી ચોરે સાડાપાંચ લાખ રૂપિયાની માલમતા ચોરી થઈ ગઈ હતી. કાંદિવલી પોલીસે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે આ ચોરી કોઈ જાણભેદુએ કરી હોવાની પૂરેપૂરી શક્યતા છે.
રાજેન્દ્ર ચૌહાણની મોટી પુત્રી ઘરે આવી ત્યારે આ ચોરીની જાણ થઈ હતી એમ જણાવીને કાંદિવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાંદિવલીમાં શંકર મંદિર પાસે શિવશક્તિ કમ્પાઉન્ડમાં રહેતા રાજેન્દ્ર ચૌહાણ સાંજે નાની પુત્રી મોની સાથે BJPની રૅલીમાં ભાગ લેવા ગયા હતા. રાતે સાડાનવ વાગ્યે તેમની મોટી પુત્રી સોની ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોઈને કંઈક ખોટું થયું હોવાની શંકા જવાથી તરત પપ્પાને જાણ કરી હતી. તેમણે ઘરે આવીને તપાસ કરતાં ડ્રૉઅરની અંદર રાખેલા સોનાના દાગીના અને થેલીમાં રાખેલી રોકડની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરતાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં ચોરી કરવા માટે ચોરે ચાવીથી તાળું ખોલ્યું હતું અને અંદર પ્રવેશી માલમતા ચોરી દરવાજો ખુલ્લો રાખીને નાસી ગયો હતો એટલે આ કેસમાં જાણભેદુની હોવાની અમને શંકા છે.’

