બારમા માળે ફેલાયેલા ધુમાડાથી ગૂંગળામણને કારણે ૩૯ જેટલા લોકોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા

તસવીર : અનુરાગ અહિરે
ગઈ કાલે મધરાતે કુર્લામાં એસઆરએ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી. બારમા માળે ફેલાયેલા ધુમાડાથી ગૂંગળામણને કારણે ૩૯ જેટલા લોકોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. ફેબ્રુઆરીમાં પણ એસઆરએ બિલ્ડિંગની અન્ય વિંગમાં આવી જ ઘટના બની હતી. એથી હવે આ બિલ્ડિંગના રહેવાસીઓ તેમના જીવના જોખમને કારણે પાછા ફરવાની ના પાડી રહ્યા છે. તેમને અહીં મૃત્યુનો ભય સતાવી રહ્યો છે.
અંદાજે ૧૨ વાગ્યે બિલ્ડિંગ નંબર સાતની ‘ઈ’ વિંગમાં આગ ફાટી નીકળી હતી. બાર માળના આ બિલ્ડિંગમાં આગ ગ્રાઉન્ડથી ટૉપ ફ્લોર સુધી વાયર અને ઇલેક્ટ્રિક સંસાધનો સહિત સ્ક્રૅપ મટીરિયલમાં પણ ફેલાઈ ગઈ હતી. લોકો ઊંઘમાં જ ગૂંગળામણનો ભોગ બન્યા હતા એટલે આશરે ૩૯ લોકોને હૉસ્પિટલમાં ખસેડાયા હતા. ફાયર બ્રિગેડના ચીફ રવીન્દ્ર અમ્બુલગેકરે હતું કે આ બિલ્ડિંગમાં કોઈ પણ ફાયર સેફ્ટીનાં સાધનો કાર્યરત નથી.
અહીંના એક રહેવાસી ભોલેનાથ ઉકારડેએ કહ્યું હતું કે ‘હું ગ્રાઉન્ડ ફ્લોર પર ગણપતિનું કામ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આગ એની જાતે જ સળગવા લાગી હતી. અમે ૧૦થી ૧૫ જણ ‘ઈ’ વિંગ તરફ દોડી ગયા હતા, પણ જ્યાં સુધી અમને આગ વિશે સમજાયું ત્યાં સુધીમાં એ ફેલાઈ ચૂકી હતી. ત્યાર બાદ હું જ્યાં રહું છું એ બારમા માળે ગયો હતો. અન્ય લોકોએ આગ કાબૂમાં લેવા એના પર રેતી નાખવાની કોશિશ કરી હતી. લોકોને બિલ્ડિંગમાંથી કાઢતી વખતે મારો ખભો થોડો દાઝ્યો હતો. ઘટનાની જાણ કરવાની ૧૫ મિનિટમાં જ ફાયર બ્રિગેડ આવી હતી અને અમે ૧૦૦ લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. હાલમાં મારી માતા, બહેન અને ભાણેજને હૉસ્પિટલમાં દાખલ કર્યાં છે.’