તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ગયા હતા

પ્રતીકાત્મક તસવીર
બાંદરા-પૂર્વમાં કલાનગરથી આગળ ગુરુ નાનક હૉસ્પિટલ પાસે સિદ્ધિવિનાયક હાઉસિંગ સોસાયટીમાં આવેલા બીએમસીના શૉપિંગ સેન્ટરની આઠ દુકાનનાં તાળાં તોડીને તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ગયા હતા. મંગળવારે રાતે બનેલી આ ઘટના સંદર્ભે ખેરવાડી પોલીસે એફઆઇઆર નોંધીને આરોપીઓને પકડવા તપાસ ચાલુ કરી છે.
ચોરીની આ ઘટના વિશે માહિતી આપતાં મૂળ કચ્છના ભચાઉના યોગેશ નાણાવટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ શૉપિંગ સેન્ટરમાં મારી ચૅમ્પિયન એન્ટરપ્રાઇઝ નામની સ્ટેશનરી અને જનરલ સ્ટોરની દુકાન છે. હજી બે મહિના પહેલાં જ મેં એ શરૂ કરી છે. પહેલાં હું પાર્ટનરશિપમાં ધંધો કરતો હતો, પણ હવે મેં સ્વતંત્ર ધંધો શરૂ કર્યો છે. ગઈ કાલે સવારે ૮.૧૫ વાગ્યે મારો કર્મચારી દુકાન પર પહોંચ્યો તો તેણે જોયું કે શૉપિંગ સેન્ટરનું શટર અડધું ખલ્લું હતું. એથી તેને નવાઈ લાગી હતી. તેણે સહેજ અંદર જઈને જોયું તો મોટા ભાગની દુકાનોનાં તાળાં તૂટેલાં હતાં અને એમનાં શટર પણ અડધાં ખુલ્લાં હતાં. એથી તે દુકાનમાં ન જતાં અને કોઈ પણ વસ્તુને હાથ ન લગાડતાં બહાર આવ્યો હતો અને મને ફોન કરીને બોલાવ્યો હતો. મેં આવીને જોયું અને બીજા બધા દુકાનવાળાઓને બોલાવ્યા. ચોરોએ મારી દુકાનમાંથી ત્રણ લાખ રૂપિયા રોકડા, ૧૫,૦૦૦થી ૧૭,૦૦૦ રૂપિયાનાં ડ્રાયફ્રૂટ્સ, થોડાં બિસ્કિટ અને કોલ્ડ-ડ્રિન્ક્સ ચોર્યાં હોવાનું જણાઈ આવ્યું હતું.
સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં એ દેખાય છે. એમાં બે જણ દેખાય છે જેમણે કૅપ પહેરી છે અને માસ્ક પહેરીને ચહેરા છુપાવ્યા છે. મારી દુકાન સિવાય એક અન્ય દુકાનમાંથી ૨.૩૦ લાખ રૂપિયા તથા બીજી એક દુકાનમાંથી ૧૦,૦૦૦ રૂપિયા એમ અલગ-અલગ રકમ ચોરાઈ છે. સૌથી વધુ રકમ મારી ચોરાઈ છે. એથી અમે ખેરવાડી પોલીસને જાણ કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી.’
ખેરવાડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર મુળીકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ચોરીની ફરિયાદ મળી છે. અમે આ કેસમાં ફરિયાદી પાસેથી વિગતો લીધી છે. અમને સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પણ મળ્યાં છે. બહુ જલદી અમે આરોપીઓને પકડી લઈશું.’