આ ઉપરાંત કસ્ટમ્સ અધિકારીઓને ઇમિગ્રેશન કાઉન્ટર પાસેના વૉશરૂમમાંથી ૩૬૫ ગ્રામ ગોલ્ડનું બિનવારસી પૅકેટ મળી આવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે પાછલા ૪ દિવસમાં સોનું અને ફૉરેન કરન્સી સહિતની ચીજવસ્તુઓ મળીને કુલ ૨૧.૮ કરોડ રૂપિયાની દાણચોરી પકડી પાડી છે. કસ્ટમ્સ વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ ૨૧થી ૨૪ સપ્ટેબર દરમ્યાન જુદા-જુદા કેસોમાં દાણચોરી કરીને ભારતમાં લવાતી કીમતી વસ્તુઓ પકડવામાં આવી હતી. શ્રીલંકાના કોલંબોથી આવેલા એક મુસાફરની ટ્રૉલી-બૅગમાંથી ૨.૬૨ કરોડ રૂપિયાનો ૨.૬૨૪ કિલો ગાંજો મળી આવ્યો હતો. બૅન્ગકૉકથી આવેલા અન્ય એક મુસાફર પાસેથી ૧૮.૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. દુબઈ જઈ રહેલી એક ફ્લાઇટના બે અલગ-અલગ મુસાફરો પાસેથી ૭.૧૧ લાખ અને ૪૯.૩૮ લાખ રૂપિયાની ફૉરેન કરન્સી જપ્ત કરવામાં આવી હતી. ઇન્ડોનેશિયના જકાર્તા જઈ રહેલા મુસાફર પાસેથી ૧૯.૧૭ લાખ રૂપિયાની ફૉરેન કરન્સી મળી આવી હતી. આ ઉપરાંત કસ્ટમ્સ અધિકારીઓને ઇમિગ્રેશન કાઉન્ટર પાસેના વૉશરૂમમાંથી ૩૬૫ ગ્રામ ગોલ્ડનું બિનવારસી પૅકેટ મળી આવ્યું હતું જેની કિંમત ૩૮.૧૦ લાખ રૂપિયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.


