પોતાના પિતાને લૂંટારા કહેનારા આ લોકો કોણ છે? છત્રપતિને લૂંટારા કહેવાય એ શરદ પવારને માન્ય છે?
દેવેન્દ્ર ફડણવીસ
કૉન્ગ્રેસે અત્યાર સુધી ખોટો ઇતિહાસ રજૂ કરીને ભારતીયોને ગેરમાર્ગે દોર્યા હોવાનો આરોપ પણ નાયબ મુખ્ય પ્રધાને લગાવ્યો
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક મરાઠી ન્યુઝ-ચૅનલની કૉન્ક્લેવમાં ગઈ કાલે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજ મરાઠી માણૂસ, મહારાષ્ટ્ર અને તમામ હિન્દુ સમાજના આરાધ્યદેવ છે. જે સમયે આપણા દેવતાની મૂર્તિ તૂટે છે એ સમયે જેટલું દુઃખ થાય છે એટલું જ દુઃખ મહારાષ્ટ્રની જનતા અને શિવપ્રેમીઓને તેમનું પૂતળું તૂટવાથી થયું છે. જોકે આ બાબતે જે રીતે રાજકારણ કરવામાં આવ્યું એ કમનસીબ છે. પૂતળું પડ્યા બાદ ફોટો અને વિડિયો વાઇરલ કરવામાં આવ્યા. હું વિરોધ પક્ષ તરફ જોઉં છું ત્યારે તેમને દુઃખ કેટલું થયું અને રાજકીય તક કેટલી સાધી એ સવાલ થાય છે. મને એમાં રાજકીય તક જ દેખાઈ. છત્રપતિ શિવાજી મહારાજે સુરત લૂંટ્યું હતું એમ કહેવું ખોટું છે. છત્રપતિએ સુરત પર બે વખત આક્રમણ કર્યું હતું. અલાઉદ્દીન ખિલજી જે કરતો હતો એને લૂંટ કહેવાય, અબ્દાલી અને તૈમૂર લંગે જે કર્યું હતું એને લૂંટ કહેવાય. શિવાજી મહારાજે સુરતની સામાન્ય જનતાને હાથ પણ લગાવ્યો હતો? ઇતિહાસકારોએ કહ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજે પત્ર લખીને મોગલોને કહ્યું હતું કે તમે ત્રણ વર્ષ યુદ્ધ ચલાવ્યું એમાં મોટો ખર્ચ થયો છે, તમે આ ખર્ચની ભરપાઈ કરો નહીં તો અમે સુરતમાં તમારો ખજાનો મેળવી લઈશું. શિવાજી મહારાજે એક રીતે મોગલોને નોટિસ મોકલી હતી. ખજાનો હસ્તગત કર્યા બાદ શિવાજી મહારાજે મોગલોને રસીદ પણ મોકલી આપી હતી. આને લૂંટ કહેવાય? પોતાના પિતાને લૂંટારા કહેનારા આ લોકો કોણ છે? શિવાજી મહારાજે ક્યારેય સુરત લૂંટ્યું નહોતું. આ એવા લોકો છે જે કહેતા આવ્યા કે ૧૮૫૭ની લડાઈ સ્વતંત્રતાની નહોતી, પણ સિપાહીઓનો બળવો હતો. એ સિપાહીઓનો બળવો નહોતો, સ્વતંત્રતાની લડાઈ જ હતી. તો છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજ માટે સુરત પર આક્રમણ કર્યું હતું. આથી તેમને લૂંટારા કહેવા એ બરાબર નથી.’
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસે શિવાજી મહારાજે સુરત લૂંટ્યું ન હોવાનું અગાઉ નિવેદન આપ્યું હતું એના પર શરદ પવારે કહ્યું હતું કે તેઓ ખોટો ઇતિહાસ કહી રહ્યા છે. આ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘છત્રપતિને લૂંટારા કહેવા શરદ પવારને માન્ય છે? મારા રાજા લૂંટારા નહોતા. મારી ગમે એટલી ટીકા કરવામાં આવશે તો પણ હું એ માન્ય નહીં કરીશ. કૉન્ગ્રેસે અત્યાર સુધી ખોટો ઇતિહાસ રજૂ કરીને છત્રપતિ શિવાજી મહારાજને લૂંટારા બતાવ્યા છે. છત્રપતિએ સામાન્ય જનતાની ક્યારેય કનડગત નહોતી કરી. અરે, તેમણે કલ્યાણના સૂબેદારની પત્નીને દરબારમાં લાવવામાં આવી ત્યારે તેને સન્માનપૂર્વક પાછી મોકલી દેવાનો આદેશ આપ્યો હતો. આવા છત્રપતિ લૂંટારા કેવી રીતે હોઈ શકે? આથી મહારાજને લૂંટારા કહેનારાઓને શરમ આવવી જોઈએ.’